• Gujarati News
  • Dvb original
  • Even At The Age Of 84, Vadodara's Narmadaben Wakes Up At 4 A.m. Every Morning To Prepare Meals, Reinvigorating 300 Homeless People In The City.

પોઝિટિવ સ્ટોરી:વડોદરાનાં 84 વર્ષનાં દાદી છેલ્લાં 35 વર્ષથી ચલાવે છે રામભરોસે અન્નક્ષેત્ર, પતિના અંતિમસંસ્કાર પહેલાં પણ નિરાધારોને ભોજન કરાવ્યું હતું

વડોદરા20 દિવસ પહેલાલેખક: રોહિત ચાવડા

વડોદરા શહેરના આર.વી. દેસાઈ રોડ પર રહેતા નર્મદાબેન પટેલ છેલ્લા 35 વર્ષથી રોજ નિ:સહાય અને નિરાધાર લોકોને જમાડવા રામભરોસે અન્નક્ષેત્ર ચલાવે છે. તેઓ રોજ સવારે 4 વાગ્યે ઉઠીને જાતે 250થી 300 લોકોનું ભોજન તૈયાર કરે છે અને વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર રહેતા અને હોસ્પિટલના દર્દીઓ તેમજ તેમના સગાઓને ભોજન પહોંચાડે છે, તેમની આ સેવા જોઈએ રસ્તે જતા લોકો પણ તેમની સાથે સેવા કરવામાં જોડાઈ જાય છે.

પતિના મૃત્યુ બાદ પણ સેવા ચાલુ રાખી
નર્મદાબેન પટેલે જણાવ્યું હતું કે, મારા પતિ અંબાલાલ પટેલ સાથે મળીને આ સેવા શરૂ કરી હતી. તે ભગવાનના ઘરે ગયા પછી પણ મેં આ સેવા ચાલુ રાખી છે. મારા પતિનું મૃત્યુ થયું તે દિવસે પણ મેં પહેલા જરૂરીયાતમંદ લોકોને જમાડ્યા હતા અને ત્યાર બાદ તેમના અંતિમ સંસ્કાર કર્યાં હતા. હું રોજ સવારે 4 વાગે ઉઠી જઉં છું અને વિવિધ વાનગીઓ બનાવું છું અને રોજ સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને નિ:સહાય અને નિરાધાર લોકોને જમાડુ છું.

નર્મદાબેને 8 ગામ દત્તક લીધાં
નર્મદાબેનના પુત્ર ઇન્દ્રવદનભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારા પિતા નિવૃત થયા, ત્યારે સમાજને કંઇક આપવાની ભાવના સાથે આ સેવા શરૂ કરી હતી. તે સમયે 10થી 15 લોકોનું ભોજન બનાવતા હતા અને સ્કૂટર ભોજન સેવા આપવા માટે જતા હતા. 35 વર્ષ પહેલા મારા પિતાનું મૃત્યું થયા બાદ પણ મારા માતાએ આ સેવા ચાલુ રાખી હતી. આજે મારી માતાની ઉંમર 84 વર્ષની ઉંમર છે, તેમ છતાં રોજ સવારે 4 વાગ્યે ઉઠીને 250થી 300 લોકોનું ભોજન જાતે જ બનાવે છે અને ગરમાગરમ ભોજન જરૂરીયાતમંદોને ખવડાવે છે. ભગવાન એમને આ કાર્ય કરવાની શક્તિ આપે છે. મારી માતાએ 8 જેટલા ગામો દત્તક લીધા છે અને તે ગામોમાં અન્ન, શિક્ષણ સેવા અને કપડા સહિતની સેવાઓ પહોંચાડીએ છીએ.

રોજ 250થી 300 લોકોને ભોજન કરાવે છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મારા માતા નર્મદાબેન દરરોજ દાળ, ભાત, ખમણ અને શીરા જેવી વાનગીઓ બનાવીને જરૂરીયાત મંદ લોકોને જમાડે છે. રોજ સવારે જમવાનું તૈયાર કરીને ટેમ્પો લઈને અમે નીકળી જઈએ છીએ અને કાશી વિશ્વનાથ, બદામડી બાગ, કિર્તી મંદિર અને માંડવી સહિતના સ્થળોએ જઈને નિ:સહાય અને નિરાધાર લોકોને ભોજન કરાવીએ છીએ. સયાજી હોસ્પિટલના દર્દીઓ અને તેમના સગાઓને પણ ટિફિન પહોંચાડીએ છીએ. અમારા પરિવારજનોનો તેમાં સંપૂર્ણ સહયોગ છે. આ ઉપરાંત અલગ-અલગ સંસ્થાઓ અને વેપારી મિત્રો પણ અમારી સાથે સેવા આપે છે. કોરોના કાળમાં પણ અમારું અન્નક્ષેત્ર ચાલતુ રહ્યું હતું અને રોજ 250થી 300 લોકોને એ સમયે પણ ભોજન પહોંચાડ્યું હતું.

રોજ 250થી 300 લોકો રામભરોસે અન્નક્ષેત્રમાં જમે છે.
રોજ 250થી 300 લોકો રામભરોસે અન્નક્ષેત્રમાં જમે છે.

નર્મદાબેનની સેવા ખૂબ ગમી
અન્નસેવામાં રોજ જમવા માટે આવતા નારણભાઈએ જણાવ્યું હતું કે, નર્મદાબેન રોજ અમને શીરો, ખમણ, શાક અને દાળ-ભાત સહિતની વસ્તુઓ જમાડે છે અને તેમની સેવા મને ખૂબ ગમી છે. તેમના થકી ગરીબોને ભોજન મળે છે.

અન્ય સમાચારો પણ છે...