નિર્ધારીત સમય મર્યાદામાં ફ્લેટનો કબજો નહીં આપી છેતરપિંડી-વિશ્વાસઘાત કરનાર વડોદરાના બિલ્ડર સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રેરા દ્વારા 60 દિવસમાં મકાનનો કબજો આપવા માટે હુકમ પણ કર્યો હતો. છતાં, બિલ્ડરે મકાનનો કબજો ન આપ્યો ન હતો. મકાન પેટે વધુ રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી બિલ્ડરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
ફરિયાદી આજવા રોડ પર હોટલ ચલાવે છે
પ્રશાંતભાઇ ગોપાલચંદ્ર અવસ્થી વડોદરાના આજવા રોડ બી-402, અનંતા સમૃદ્ધીમાં પરિવાર સાથે રહે છે અને આજવા રોડ ઉપર હોટલ ચલાવે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ વર્ષ-2019માં વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામે "રોયલ લાઇફ" નામની સ્કીમમાં 203 નંબરનો ફ્લેટ બુક કરાવ્યો હતો. આ સ્કીમના બિલ્ડર સુનિલ આસનદાસ માખીજા (રહે. 10, સંગાથ સોસાયટી, સમા-સાવલી રોડ, વડોદરા) તેમજ દિપક આસનદાસ માખીજા (રહે. સી-14, હરીઓમ સોસાયટી, આર.ટી.ઓ. પાછળ, વડોદરા) છે.
ફ્લેટ બુક કરાવ્યો હતો
હોટલ માલિક પ્રશાંતભાઈ અવસ્થીએ ફ્લેટની નક્કી થયેલી કિંમત મુજબ રૂપિયા 13,80,000 ચૂકવીને દસ્તાવેજ કરાવ્યો હતો. મકાનના દસ્તાવેજ સમયે માખીજા બિલ્ડર બંધુઓએ 6 માસમાં ફ્લેટનો કબજો આપવા માટે ખાત્રી આપી હતી. 6 માસ બાદ પ્રશાંતભાઈ અવસ્થી મકાનનો કબજો લેવા માટે ગયા ત્યારે બિલ્ડર બંધુઓએ થોડું કામ બાકી હોવાનું જણાવ્યું હતું અને થોડા દિવસ બાદ ફ્લેટનો કબજો આપવા માટે જણાવ્યું હતું.
ફ્લેટનો કબજો ન આપ્યો
અવાર-નવાર ફ્લેટનો કબજો લેવા માટે પ્રશાંતભાઇ જતા હતા. પરંતુ, માખીજા બિલ્ડર બંધુઓ ગોળગોળ જવાબો આપતા હતા. જેથી પ્રશાંતભાઈએ ફ્લેટ માટે આપેલી રકમ પરત માંગતા બિલ્ડર બંધુઓએ માખીજા ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર કંપનીના નામનો રૂપિયા 13,80,000નો પોસ્ટડેટેડ ચેક આપ્યો હતો. જે ચેક બેંક એકાઉન્ટમાં નાખતા રિટર્ન થયો હતો.
ચેક રિટર્ન આવ્યો
દરમિયાન પ્રશાંતભાઈ અવસ્થીએ ચેક રિટર્ન અને રેરામાં ફરિયાદ નોંધાવી હતી. રેરાએ 15-11-022ના રોજ ગ્રાહકને 60 દિવસમાં ફ્લેટ આપવા માટે હુકમ કર્યો હતો. અલબત્ત રેરાએ એવો પણ હુકમ કર્યો હતો કે, સ્કીમના એ બ્લોકના ટાવરમાં જે ફ્લેટ પસંદ આવે તે આપવા જણાવ્યું હતું.
અન્ય વ્યક્તિને બાનાખત કરી આપ્યો
બિલ્ડર બંધુઓએ રેરાના હુકમના અનુસંધાનમાં એ- બ્લોકના 403 અથવા 508 નો ફ્લેટ બતાવ્યો હતો. અને જણાવ્યું હતું કે, નવો ફ્લેટ લેવા માટે વધારાના રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. જોકે, પ્રશાંતભાઇ આપવા તૈયાર ન હતા અને એ બ્લોકના ફ્લેટ અંગે તપાસ કરતા આ ફ્લેટ બિલ્ડર બંધુઓએ અન્ય વ્યક્તિને બાનાખત કરી આપ્યા હતા.
વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ
બિલ્ડર માખીજા બંધુઓની ફ્લેટ આપવાની કે, નાણાં પરત કરવાની દાનત ન જણાતા પ્રશાંતભાઈ અવસ્થીએ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે સુનિલ માખીજા અને દિપક માખીજા સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. ગ્રાહક સાતે છેતરપિંડી કરનાર બિલ્ડર બંધુઓ સામે ફરિયાદ નોંધાતા વાઘોડિયા પંથકમાં તેમજ બિલ્ડર લોબીમાં ચકચાર મચી ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.