કામગીરી અઘૂરી:દિવાળી પૂરી પણ માર્ગો પર 10 હજાર ખાડા પૂરવાના હજુ બાકી

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રીથી દિવાળી સુધીમાં તમામ ખાડા પૂરવાનો દાવો કરાયો હતો
  • પેચવર્ક પાછળ રૂા. 1.98 કરોડના ખર્ચે 7100 ટન ડામર વપરાયો

શહેરમાં હજુ 10 હજાર જેટલા ખાડા પૂરવાના બાકી છે. નવરાત્રીથી દિવાળી સુધીમાં શહેરના રસ્તા પર પડેલા ખાડા પૂરવાની 80 ટકા કામગીરી પૂરી થઇ છે. 1.98 કરોડના ખર્ચે 7100 ટન ડામર વાપરવામાં આવ્યો છે. આંતરીક રસ્તાઓના ખાડાની કામગીરી 25 ડિસેમ્બર સુધીમાં પૂરી કરી દેવાશે.

શહેરમાં ચોમાસામાં રાજમાર્ગો પર પડેલા ખાડાના કારણે રસ્તાઓ બિસ્માર થઇ ગયા હતા. જેના કારણે ખાડા પૂરવાની કામગીરી કરવા સૂચના પાલિકા સત્તાધીશો દ્વારા અપાઈ હતી. શહેરમાં અંદાજે 50 હજાર ખાડા પડી ગયા હતા. જે પૂરવાની કામગીરી કરાઇ હતી. દિવાળી સુધીમાં મુખ્ય માર્ગો પર 80 ટકા ખાડા પૂરી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે. પેચ વર્કની કામગીરી પાછળ 1.98 કરોડનો ખર્ચો થયો છે અને 7100 ટન ડામર 4 ઝોનમાં વપરાયો હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં કુલ 1500 કિમીના રોડ છે અને તેમાં 500 કિમીના રોડ 18 મીટરના છે. આ રોડ પર 50 હજાર જેટલા ખાડા પડી ગયા હતા. ચોમાસા પહેલાં જૂન દરમિયાન 26.50 લાખ, જુલાઈ દરમિયાન 62.61 લાખ, ઓગસ્ટ દરમિયાન 61.61 લાખ આમ અંદાજે દોઢ કરોડના ખર્ચે પેચવર્કની કામગીરી પાલિકાએ કરી હતી. જોકે વરસાદને કારણે પેચવર્કના કામના ધજાગરા ઉડ્યા હતા.

છેલ્લાં 3 વર્ષમાં ખાડા પૂરવા 22 કરોડનો ખર્ચો થયો

2018-19 6.79 કરોડ

2019-20 6.94 કરોડ

2020-21 9 કરોડ

અન્ય સમાચારો પણ છે...