ફતેગંજ પોલીસ મથકમાં મોતને ઘાટ ઉતરાયેલા શેખ બાબુના મામલાને 10મીએ 3 વર્ષ પૂર્ણ થશે. છતાં એના પરીવારજનો હજી સુધી ન્યાય અને વળતરની રાહ જોઈ રહ્યા છે. જોકે આરોપી તત્કાલીન પીઆઇ, પીએસઆઈ સહિત 6 જેલમાં છે. બીજી તરફ પરીવાર ન્યાય અને વળતર માટે સુપ્રીમ કોર્ટ પહોચ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. 10 ડીસેમ્બર 2019ના રોજ ફતેગંજ પોલીસ મથકમાં પૂછપરછના બહાને શેખ બાબુને બોલાવી થર્ડ ડિગ્રી ટોર્ચરીંગ કરતાં મોત નીપજ્યું હતું. બાદ માં પીઆઇ, પીએસઆઈ અને 4 પોલીસ જવાનોએ મળી મૃતદેહને વગે કરી દીધો હતો.
અમદાવાદથી ચાદર-ધાબળા વેચવા જમાઈ સાથે આવેલા શેખ બાબુ નાસ્તો કરવા સ્ટેશન પાસે હોટેલમાં રોકાયા હતા. ત્યાંથી ફતેગંજ પોલીસ એમને લઈ ગઈ હતી. મોડી સાંજ સુધી શેખ બાબુ પરત નહીં ફરતા જમાઈએ પરીવારજનોને જાણ કરી શોધખોળ હાથ ધરી હતી.
શેખબાબુ ગુમ થયાની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે નોંધાઇ હતી. જેની તપાસમાં ફતેગંજ પોલીસ મથકે શેખ બાબુને લઈ જવાયા હોવાની માહિતી બહાર આવી હતી. શરૂઆતમાં આનાકાની બાદ પોલીસે સ્વિકાર્યું હતું. મામલો હાઈકોર્ટમાં પહોંચતાં પીઆઇ, પીએસઆઈ અને 4 પોલીસ જવાન સામે હત્યાનો ગુનો નોંધાયો હતો જે લાંબો સમય ફરાર રહ્યા બાદ હાજર થયા હતા.
જ્યાં સુધી મારા પિતાના હત્યારાને સજા નહીં મળે ત્યાં સુધી હું ઝંપીશ નહીં : પુત્ર
મૃત શેખ બાબુના પુત્ર સલીમે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે મને ન્યાય તંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે. એક દિવસ મારા પિતાના હત્યારાઓને કડક સજા મળશે જ. પરંતુ અમને દુઃખ એ વાતનું છે કે કસ્ટોડીયલ ડેથમાં અપાતું વળતર હજી સુધી અમારા ગરીબ પરિવારને મળ્યું નથી. એના માટે અમારે છેક સુપ્રીમ કોર્ટ સુધી લાંબુ થવું પડ્યું છે. પરંતુ એક વાત ચોક્કસ અને નક્કી છે કે હું ન્યાય મેળવીને જ જંપીશ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.