• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Even After 20 Hours, The Rain Water Has Not Been Drained, The House Of The Chairman Of The Standing Committee Of The Municipality Was Flooded.

વડોદરાની પ્રજાના બે કરોડ પાણીમાં ગયા:20 કલાક પછી પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી, પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેનના ઘર પાસે પાણી ભરાયા

વડોદરા3 મહિનો પહેલા
વાઘોડિયા રોડ રંગવાટીકા પાસે રોડ નદીમાં ફેરવાયો. - Divya Bhaskar
વાઘોડિયા રોડ રંગવાટીકા પાસે રોડ નદીમાં ફેરવાયો.
  • કોર્પોરેશનના પ્રિ મોન્સુન કામગીરી દાવા પોકળ, વિપક્ષના આક્ષેપો સાચા ઠર્યા
  • વરસાદે વિરામ લેતા વહીવટી તંત્ર અને શહેરીજનોએ રાહત અનુભવી

વડોદરા શહેરમાં ગઈકાલે એક કલાકમાં બે ઇંચ વરસીને કોર્પોરેશનની પ્રિ મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખોલી નાંખનાર મેઘરાજાએ આજે વિરામ લેતા વહીવટ તંત્ર અને શહેરીજનોએ રાહત અનુભવી હતી. જોકે, મંગળવારે એક કલાક ધોધમાર વરસેલા વરસાદમાં સ્થાયી સમિતિના ચેરમેનના ઘર પાસેના રોડ સહિત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી 20 કલાક પછી પણ નિકાલ થયો નથી. નોંધનીય છે કે, ચોમાસા પૂર્વે રૂપિયા 2 કરોડનો ખર્ચ કરીને પ્રિ-મોન્સૂનની કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરનાર કોર્પોરેશનના સત્તાધિશોના દાવા પોકળ પુરવાર થયા છે. જ્યારે ચોમાસા પૂર્વે વિપક્ષ દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી થઇ ન હોવાના કરેલા આક્ષેપો સાબિત પુરવાર થયા છે.

રસ્તા ઉપર પાણી ભરાઇ જતાં રસ્તો ગાયબ થઇ ગયો.
રસ્તા ઉપર પાણી ભરાઇ જતાં રસ્તો ગાયબ થઇ ગયો.

એક પણ વિસ્તાર એવો ન હતો કે પાણી ભરાયા ન હોય
મધ્ય ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે., મેઘરાજા એક પછી એક જિલ્લાને ધમરોળી રહ્યા છે. વડોદદરામાં 2 ઇંચ વરસાદમાં જ સમગ્ર શહેર જળમગ્ન થઇ ગયું હતું. વડોદરાનો એક પણ વિસ્તાર એવો ન હતો કે, પાણી ભરાયા ન હોય, ભારે વરસાદને પગલે ઠેર-ઠેર વોટર લોગિંગ થવાના કારણે માર્ગો નદીઓમાં ફેરવાઇ ગયા હતા. ભારે વરસાદ શરૂ થતાં રસ્તામાં ફસાઇ જવાના ડરે નોકરી-ધંધાર્થેથી લોકોએ ઘરે પરત ફરવાની શરૂઆત કરતા મુખ્ય માર્ગો ઉપર ભરાયેલા પાણીના કારણે ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો. ઠેર-ઠેર ટ્રાફિક જામ થઇ ગયો હતો. તમામ રસ્તાઓ ઉપર પાણી ભરાઇ ગયા હોવાથી લોકોને ઘરે જવાનો માર્ગ ન મળતા શહેરીજનોએ પાલિકા સામે ભારે રોષ ઠાલવ્યો હતો. અને પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

વાઘોડિયા રોડ ઉપર સ્કૂલ પાસે પાણી ભરાયા, વિદ્યાર્થીઓ જઇ ન શક્યા
વાઘોડિયા રોડ ઉપર સ્કૂલ પાસે પાણી ભરાયા, વિદ્યાર્થીઓ જઇ ન શક્યા

વંદના વિદ્યાલયના વિદ્યાર્થીઓ સ્કૂલે જઇ ન શક્યા
વડોદરા કોર્પોરેશનના સ્થાયિ સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલના નિવાસ સ્થાન નજીક રોડ ઉપર ભરાયેલા પાણીનો આજે સવારે 10 વાગ્યા સુધી પણ નિકાલ થયો ન હતો. પરિણામે રંગ વાટીકા સામે આવેલી વંદના વિદ્યાલયના વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઇ ન શકતા પરત ફર્યા હતા. તો બીજી બાજુ રંગ વાટીકા સામે આવેલી સોસાયટીઓના રહીશોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ ગયું હતું. આ ઉપરાંત શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણીનો નિકાલ થયો ન થતાં, લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ઠેર-ઠેર ભરાઇ ગયેલા પાણીનો 20 કલાક પછી પણ નિકાલ ન થતા, લોકોએ પાલિકાના વહીવટ સામે રોષ ઠાલવ્યો હતો.

સો ટકા પ્રો મોન્સુન કામગીરીના દાવા પોકળ સાબિત કરતી તસવીર
સો ટકા પ્રો મોન્સુન કામગીરીના દાવા પોકળ સાબિત કરતી તસવીર

100 ટકા પ્રિ મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા
કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ મોન્સૂન કામગીરી માટે ઝોન દીઠ રૂપિયા 50 લાખ પ્રમાણે રૂપિયા 2 કરોડની ફાળવણી કરી હતી. પરંતુ, રૂપિયા 2 કરોડના ખર્ચ પ્રમાણે કામગીરી થઇ ન હતી. પરંતુ, કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી થઇ ગઇ હોવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના સત્તાધિશોના પ્રિ મોન્સૂન કામગીરી 100 ટકા થઇ ગઇ હોવાના કરવામાં આવેલા દાવાઓ સામે વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, પ્રિ મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર થઇ છે. સત્તાધિશો દ્વારા પ્રિ મોન્સુન કામગીરીના દાવા ધરાર ખોટા છે. મંગળવારે થયેલા ભારે વરસાદે સત્તાધિશોના પ્રિ મોન્સૂનના દાવાની પોલ ખોલી નાંખી હતી. અને વિપક્ષ દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી થઇ ન હોવાના આક્ષેપો સાચા ઠેરવ્યા હતા.

ભારે વરસાદની આગાહીના પગલે દૂધ સહિત જીવન જરૂરી ચિજવસ્તુઓનો સ્ટોક કર્યો
મંગળવારે થયેલા ભારે વરસાદે શહેરીજનોમાં ભારે ગભરાટ ફેલાવી દીધો હતો. હાલ ગૌરી વ્રત ચાલતા હોવાથી અને આજે બુધવારે ગુરૂપૂર્ણિમા હોવાથી, લોકો દ્વારા દૂધ સહિતનો જીવન જરૂરી સામાન સ્ટોક કરી દીધો હતો. દૂધ કેન્દ્રોમાં રાત્રે 8 વાગે જ દૂધનો સ્ટોક ખલાસ થઇ ગયો હતો. આજે પણ લોકોએ દૂધના કેન્દ્રો ઉપર જઇ સંભવતઃ ભારે વરસાદ પડે તેવી દહેશતને પગલે દૂધ સહિતની જીવન જરૂરી ચિજવસ્તુઓનો સ્ટોક કરી દીધો હતો. જોકે, બરોડા ડેરીના વહીવટકર્તાઓ દ્વારા દૂધનો પુરવઠો પુરતો હોવાનું જણાવ્યું હતું. વડોદરા શહેરમાં જે તાલુકાઓમાંથી શાકભાજી આવે છે તે તાલુકાઓમાંથી શાકભાજીનો જથ્થો ઓછો આવતા શાકભાજી લેવા માટે પણ લોકોએ પડાપડી કરી હતી. અને જ્યાં શાકભાજી મળી રહી હતી ત્યાંથી શાકભાજી વધુ ખરીદી સ્ટોક કરી દીધો હતો.