પોલીસનું અક્કડ વલણ:મોદી પસાર થયાના 2 કલાક બાદ પણ અડધા શહેરમાં ટ્રાફિક જામ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોદીના આગમન પહેલાં 4 વાગ્યાથી રસ્તા બંધ કર્યા
  • ​​​​​​​અન્ય વિસ્તારોમાંથી નોકરી કરીને આવતા લોકો ટ્રાફિકને પગલે 2થી 3 કલાક અટવાયા

શહેરના નવલખી મેદાનમાં બુધવારે આયોજીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાના કારણે પોલીસ દ્વારા નવલખી-જેલરોડ-કાલાઘોડા-ફતેગંજ થઈને એરપોર્ટ સુધીનો રસ્તો ચાર કલાક સુધી બંધ રહેતા નોકરી-ધંધાથી ઘરે જઈ રહેલા લોકો ઘરે જવા માટે પાંચ-છ કલાક અટવાયેલા રહ્યાં હતાં. પાંચ-પાંચ કલાક સુધી એક જ જગ્યા પર ઉભા રહેવું પડતા લોકોએ હોર્ન વગાડીને હુટીંગ કરવા લાગ્યા હતાં. જ્યારે લોકો-પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.

શહેરમાં સાંજના 4 વાગ્યાથી જ લાલબાગ બ્રિજ, કોઠી ચાર રસ્તા,એસ.એસ.જી, કાલાઘોડા, ફતેગંજ સહિતના વિસ્તારોમાં લોકો બાઈક અને કાર લઈને રસ્તા બંધ રહેતા વાહનો બંધ કરીને સાંજે 7 વાગ્યા સુધી રાહ જોતા નજરે પડ્યાં હતાં. જે લોકો શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા હતાં તે લોકોને વાંધો આવ્યો ન હતો. પરંતું પશ્ચિમથી પૂર્વ વિસ્તાર જેવા કે કારેલીબાગ, તરસાલી, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં આવનારા લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.

નરેન્દ્ર મોદીની સભા સાંજના 5 વાગે શરૂ થઈ હતી જ્યારે 6:05 મીનીટ સુધી સભા ચાલી હતી. આ દરમિયાન વચ્ચેના એક કલાકના સમય દરમિયાન પણ પોલીસે રસ્તા ખોલ્યાં ન હતાં. જેથી લોકો અને પોલીસ વચ્ચે કાલાઘોડા, ફતેગંજ, કોઠી ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ઘર્ષણ જોવા મળ્યું હતું. કાલાઘોડા સર્કલ પાસે ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. જ્યારે ફતેગંજ ખાતે પણ લોકો વાહનો લઈને અટવાયા હતાં.

મોદીનો કાફલો નિકળે તે પહેલા જ એમ્બ્યુલન્સ દાંડીયા બજાર રોડ પરથી આવતા પોલીસે તાત્કાલીક તમામ બેરીકેટો હટાવીને રસ્તો ખુલ્લો કર્યો હતો. જોકે ફાયરબ્રિગેડની ગાડીને પણ પોલીસે અટકાવી હતી. મોદીનો કાફલો પસાર થઈ ગયા બાદ ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. નરહરિ હોસ્પિટલથી બાલભવન સુધીના રસ્તા પર લક્ઝરી, ટ્રક જેવા વાહનો પસાર થતા લોકોને 1 કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડ્યું હતું. ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા લોકોને ઘરે પહોચવા માટે 1થી 2 કલાકનો સમય વધુ લાગ્યો હતો.

ક્યાં ક્યાં ટ્રાફિક જામ
1) નરહરી હોસ્પિટલ 2) બાલભવનથી જીવન ભારતી સ્કુલ 3) કારેલીબાગ અમિત નગર 4)પાંણીની ટાંકી 5) દુમાડ ચોકડી 6) સમા-સાવલી રોડ 7) કાલાઘોડા સર્કલ 8)એસ.એસ.જી હોસ્પિટલ 9) કોઠી ચાર રસ્તા 10) જેલ રોડ 11) રાજમહેલ રોડ 12)લાલબાગ બ્રિજ 13) કારેલીબાગ વુડા સર્કલ 14) મુક્તાનંદ ત્રણ રસ્તા

​​​​​​​રેલવે સ્ટેશન જવા લોકોએ કંટાળી પગ રિક્ષા કરી એરપોર્ટ જનાર માથે સામાન મૂકીને ચાલતાં ગયાં
​​​​​​​કાલાઘોડા પાસે સાંજના 6 વાગે બે મહિલાઓ પેન્ડલરીક્ષામાં સામાન સાથે બેસીને રેલ્વે સ્ટેશન જતી હોવાનું જોવા મળ્યું હતું. રેલ્વે સ્ટેશન સુધીનો રસ્તો પોલીસે બ્લોક કર્યો હોવાથી કોઈ પણ રીક્ષા ચાલક સ્ટેશન સુધી જવા તૈયાર થયો ના હતો. આખરી મહિલાઓએ પેન્ડલરીક્ષા કરવા મજબુર બની હતી. તો એરપોર્ટ જવા માગતા એક મહિલા માથે સામાન મુકીને ચાલતા ચાલતા જ એરપોર્ટ તરફના રોડ પર જતા રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...