તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાએજ સેન્ટરમાં સારવાર:કોરોનાની બીજી લહેરમાં વડોદરાની સયાજી હોસ્પિટલનું ICUથી સજ્જ ટ્રાએજ જીવન રક્ષક બન્યું, 1750 દર્દીના જીવ બચાવ્યા

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘોડાપૂર જેવી કોરોનાની બીજી લહેરમાં ટ્રાએજની સુવિધા ખૂબ જ નિર્ણાયક અને જીવન રક્ષક બની હતી - Divya Bhaskar
ઘોડાપૂર જેવી કોરોનાની બીજી લહેરમાં ટ્રાએજની સુવિધા ખૂબ જ નિર્ણાયક અને જીવન રક્ષક બની હતી
  • ટ્રાયેજમાં ઉપલબ્ધ ઓક્સિજનની અને વેન્ટિલેટનની સુવિધાથી કોરોના વોર્ડમાં ભારણ ઘટ્યું
  • હોસ્પિટલની લોબીમાં 8 જેટલા ઓક્સિજન પોઇન્ટ મૂકી દર્દીઓને આવતાની સાથે જ સારવાર આપી

વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોનાની પ્રથમ લહેર જ્યારે આથમી રહી હતી, ત્યારે ઓક્ટોબરમાં કોવિડ ટ્રાએજની સુવિધા શરૂ કરવામાં આવી હતી. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવની આ દૂરંદેશી ઘોડાપૂર જેવી કોરોનાની બીજી લહેરમાં ખૂબ જ નિર્ણાયક અને જીવન રક્ષક બની હતી. એક અંદાજ પ્રમાણે આ સુવિધાને લીધે ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની જે તાત્કાલિક સારવાર દર્દીઓના આગમનની સાથે જ ટ્રાએજમાં મળી તેના પરિણામે અંદાજે 1650થી 1750 દર્દીઓના જીવનની સુરક્ષા શક્ય બની છે.

નેગેટિવ દર્દીને કોવિડ વોર્ડના વાતાવરણમાં જતા અટકાવી શકાયા
ટ્રાયેજ એટલે તાત્કાલિક સારવારની વ્યવસ્થા એવી જાણકારી આપતાં સયાજી હોસ્પિટલના કોવિડ સારવારના વહીવટી નોડલ અધિકારી ડો. ઓ.બી. બેલીમે જણાવ્યું હતું કે, આ વ્યવસ્થાથી કોવિડના શંકાસ્પદ લક્ષણો સાથે આવતા દર્દીઓને પ્રથમ તો જરૂરી તાત્કાલિક સારવાર આપી શકાય છે અને જરૂરી ટેસ્ટના આધારે જો દર્દી કોવિડ પોઝિટિવ જણાય તો કોરોના વિભાગમાં અને જો નેગેટિવ હોય તો અન્ય સંબંધિત વિભાગમાં સારવાર માટે મોકલી શકાય છે. આ વ્યવસ્થાને લીધે નેગેટિવ દર્દીને બિન જરૂરી રીતે કોવિડ વોર્ડના વાતાવરણમાં જતા અટકાવી શકાય છે.

પ્રથમ લહેરમાં 300થી વધુ દર્દીઓને સારવાર અપાઇ હતી
વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ ઓક્ટોબરમાં કોરોના પીડિતોને તાત્કાલિક સારવાર મળી શકે, એવું ટ્રાએજ સયાજી હોસ્પિટલમાં કોરોના સારવારના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું હતું,ત્યારે પ્રથમ લહેર સમાપનની સમીપ હતી. તેની યાદ અપાવતા ડો. બેલીમે જણાવ્યું હતું કે, તે સમયે 5 વેન્ટિલેટર, 5 મોનિટર, 2 ઓક્સિજન કોન્સ્ટ્રેટર, 2 ડી ફિબ્રીલેટર અને ઓક્સિજન ટાંકી સાથે સંલગ્ન નિરંતર ઓકસીજન પુરવઠાની સુવિધા સાથે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સુવિધા શરૂઆતથી જ અદ્યતન અને જરૂરી સુવિધા સંપન્ન હતી અને પ્રથમ લહેરમાં અંદાજે 300થી વધુ દર્દીઓને તેની મદદથી પ્રાથમિક તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.

દર્દીઓના આગમનની સાથે જ ટ્રાએજમાં મળી તેના પરિણામે અંદાજે 1650થી 1750 દર્દીઓના જીવનની સુરક્ષા શક્ય બની છે
દર્દીઓના આગમનની સાથે જ ટ્રાએજમાં મળી તેના પરિણામે અંદાજે 1650થી 1750 દર્દીઓના જીવનની સુરક્ષા શક્ય બની છે

ટ્રાએજ સુવિધાની અનિવાર્ય ઉપયોગીતા તો બીજા વેવમાં પુરવાર થઈ
આ ટ્રાએજ ખાતે જીવન રક્ષક સુવિધાઓની સાથે 24 કલાક નિષ્ણાંત તબીબો, નિવાસી તબીબો, તબીબી અઘિકારીઓ, નર્સિંગ સ્ટાફ, નર્સિંગ સહાયકો, સેવકો, સફાઈ સેવકો, સિક્યુરિટી જેવી તમામ વ્યવસ્થાઓની કાળજી લેવામાં આવી હતી. આ સુવિધાની અનિવાર્ય ઉપયોગીતા તો બીજા વેવમાં પુરવાર થઈ જ્યારે વાવાઝોડા તાઉ-તેની ઝડપે અને આક્રમકતા સાથે કેસો વધ્યા હતા. અત્યારે કહી શકાય કે આ સુવિધા વગર એકાએક ખૂબ વધી ગયેલી દર્દી સંખ્યાની સ્થિતિમાં સહુને જરૂરી જીવન રક્ષક તાત્કાલિક સારવાર ભાગ્યે જ શક્ય બની હોત.

ટ્રાએજના મૂળ 22 બેડમાંથી 15 જેટલા બેડને આઈસીયુમાં ફેરવ્યા
બીજો વેવ ટોચ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે જ ડો. વિનોદ રાવે ખૂબ જ દુંરદેશી સાથે બે દિવસમાં ટ્રાએજની સાથે જ નાના આઇસીયુ ની સુવિધા જોડી હતી. ટ્રાએજના મૂળ 22 બેડમાંથી 15 જેટલા બેડને આઈસીયુમાં ફેરવી 15 વેન્ટિલેટર, 15 મોનિટર, 15 ઓક્સિજન કોન્સ્ટ્રેટર, 20 જેટલા જમ્બો સિલિન્ડર અને વધારાની માનવ સંપદાની વ્યવસ્થાને પગલે ગંભીર હાલતમાં આવતા દર્દીઓને પણ તાત્કાલિક જરૂરી સારવાર આપવી શક્ય બની હતી.

હોસ્પિટલની લોબીમાં 8 ઓક્સિજન પોઇન્ટ મૂકી દર્દીઓને આવતાની સાથે જ સારવાર આપી
જ્યારે દર્દીઓનો પ્રવાહ ખૂબ જ વધ્યો ત્યારે ટ્રાએજ અને ઓપીડી વચ્ચેની લોબીમાં પણ 8 જેટલા ઓક્સિજન પોઇન્ટ મૂકી, વધારાના ઓક્સિજન કોન્સ્ટ્રેટરની વ્યવસ્થા કરી સહુને સારવાર આપવાની કાળજી લેવામાં આવી. જરૂર હોય તેવા દર્દીઓને સ્ટ્રેચર પર અને ખુરશીમાં બેઠા બેઠા ઓક્સિજન સારવાર આપીને સ્ટેબલ કરીને તેમના જીવ બચાવવામાં આવ્યા હતા. આ વ્યાપક વ્યવસ્થાઓને લીધે અન્ય સ્થળોએ જ્યારે દર્દીઓનું આગમન અટકાવવા દરવાજા બંધ કરવા પડ્યા, ત્યારે સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં અગમચેતીના લીધે આવી પરિસ્થિતિ ટાળી શકાઇ હતી. બીજા વેવમાં 1884 જેટલા દર્દીઓને આ સુવિધાનો લાભ મળ્યો અને હજુ મળી રહ્યો છે.

સેન્ટર અગ્નિ શમનની જરૂરી આધુનિક વ્યવસ્થાઓથી સુસજ્જ છે
કેટલાક દર્દીઓને તો 15થી 20 દિવસ ટ્રાએજમાં જ રાખીને પછી ઓક્સિજન સાથે વોર્ડમાં ખસેડતા હતા. અહીં જ વેન્ટિલેટર સારવાર આપવાના પરિણામે વોર્ડના વેન્ટિલેટર અન્ય ગંભીર દર્દીઓને સુગમતાથી ફાળવી શકાયા. અહીં કાર્યરત તબીબો અને સ્ટાફે દિવસો સુધી સતત ચોવીસે કલાક વારાફરતી કાર્યરત રહીને સલામને પાત્ર સમર્પિત સેવાઓ આપી જે ભૂલી ન શકાય. આ સેન્ટર અગ્નિ શમનની જરૂરી આધુનિક વ્યવસ્થાઓથી સુસજ્જ છે અને એન.ઓ.સી.પણ ધરાવે છે.

નેગેટિવ દર્દીને બિન જરૂરી રીતે કોવિડ વોર્ડના વાતાવરણમાં જતા અટકાવી શકાય છે
નેગેટિવ દર્દીને બિન જરૂરી રીતે કોવિડ વોર્ડના વાતાવરણમાં જતા અટકાવી શકાય છે

ટ્રાએજની સારવાર સુવિધાનો અન્ય જીલ્લાઓ અને પાડોશી રાજ્યોના દર્દીઓએ લાભ લીધો
કોવિડ ટ્રાએજની સયાજી હોસ્પિટલની જીવન રક્ષક સુવિધા માત્ર વડોદરા શહેર જિલ્લાના જ નહીં, પણ રાજ્યના અન્ય જિલ્લાઓના લોકો માટે પણ આશીર્વાદ રૂપ બની રહી છે. વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમે જણાવ્યું હતું કે, ઝારખંડના એક દર્દીને પ્રથમ બે કલાક દરમિયાન અહીં મળેલી સારવાર જીવન રક્ષક બની હતી. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના, રાજકોટ, અમદાવાદ અને સુરત સહિત રાજ્યના અન્ય જિલ્લાઓના દર્દીઓને પ્રથમ જરૂરી તાત્કાલિક સારવાર અહીં જ આપવામાં આવી હતી. એક અંદાજ મુજબ લગભગ 30 ટકા જેટલા વડોદરા બહારના દર્દીઓએ આ સારવાર સુવિધાનો લાભ લીધો છે.

હાલ આખા કોરોના વિભાગમાં 125 જેટલા દર્દીઓ છે
હાલમાં આ સ્થળે નિરાંતનું વાતાવરણ છે કારણ કે, દર્દી સંખ્યા ખૂબ ઓછી છે. આજે આખા કોરોના વિભાગમાં 125 જેટલા દર્દીઓ છે. ભગવાન ભલું કરે અને ત્રીજી લહેર ન આવે, પણ જો આવે તો પણ સાધન સુવિધા સુસજ્જ આ ટ્રાએજ દર્દીઓના જીવન સુરક્ષિત રાખવામાં ખૂબ જ નિર્ણાયક બનશે.

અન્ય સમાચારો પણ છે...