અંજલી ઓઝા
પાલિકાની પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ સહિતની અલગ અલગ કચેરીઓમાં વીજ વપરાશનો થતો વાર્ષિક 111.47 કરોડ રૂપિયાનો ખર્ચ ઘટાડવા અને વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત ઘટાડવા પાલિકાએ એનર્જી એફિશિયન્ટ સેલ બનાવવાનું નક્કી કર્યુ છે. બીજી તરફ મુખ્યમંત્રીના આદેશ બાદ પણ પાલિકામાં વીજળીનો વ્યય થઇ રહ્યો હોવાનું જણાયું છે. પાલિકાની વિવિધ કચેરીઓમાં વીજ વપરાશનો વાર્ષિક ખર્ચ 111.47 કરોડ જેટલો થતો હોવાથી તેના પર કંટ્રોલ લાવવા માટે તંત્ર કામ કરી રહ્યું છે.
પાલિકાએ ઉર્જા સંરક્ષણ અને વપરાશની શક્યતા ચકાસવા, વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો વિકસાવવા તેમજ વિવિધ વિભાગોના ડેટાબેઝ તૈયાર કરી તેનો અભ્યાસ કરવા માટે એનર્જી એફિશિયન્ટ સેલની રચના કરી છે. સૂત્રો મુજબ આ સેલમાં બે નાયબ કાર્યપાલક ઇજનેર અને બે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની નિયુક્તિ કરવામાં આવશે. જો કે પાલિકામાં વર્તમાન સ્થિતી જુદી છે. પાલિકાની ઓફિસોમાં કોઈ ન હોવા છતાં લાઈટો, એસી, પંખા ચાલુ જોવા મળ્યા હતા. દિવ્ય ભાસ્કરે પાલિકાની કચેરીઓમાં રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં સત્તાપક્ષ, વિપક્ષના આગેવાનોની ઓફિસોમાં જ વીજળીનો વ્યય થઈ રહ્યો હતો. સ્થાયી અધ્યક્ષની ઓફિસ, વોર્ડ ઓફિસોમાં પણ કોઈ ન હોવા છતાં લાઇટો-એસી ધમધમતા હતા.
મારી ઓફિસમાં આદેશ આપ્યા છે
મારી ઓફિસમાં કામગીરી વગર અને મારી ગેરહાજરીમાં લાઈટ-એસી બંધ રાખવાના આદેશ આપ્યા છે. તેનું પાલન થાય તે પણ જોવાતું હતું. જોકે અધિકારીઓને પણ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવશે. > કેયુર રોકડિયા, મેયર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.