તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્સિજનના યોદ્ધાઓ સાથે એક દિવસ:વડોદરામાં કોરોના દર્દીઓના શ્વાસ ચાલુ રાખવા કર્મચારીઓએ સંબંધોને રુંધ્યા, લગ્નો પણ મોબાઇલ પર જ માણ્યાં

વડોદરા3 મહિનો પહેલાલેખક: નિરવ કનોજિયા
 • કૉપી લિંક
રોજ 4,900 ક્યુબીક મીટર ઓક્સિજન ઉત્પાદન અને 7,700 સિલિન્ડરનું ફીલિંગ થઇ રહ્યું છે - Divya Bhaskar
રોજ 4,900 ક્યુબીક મીટર ઓક્સિજન ઉત્પાદન અને 7,700 સિલિન્ડરનું ફીલિંગ થઇ રહ્યું છે
 • બીજી લહેરમાં ઓક્સિજનની કટોકટીને પહોંચી વળવા ઝઝૂમતા પ્લાન્ટના કર્મચારીઓ પણ કોરોના વોરિયર
 • ઓક્સિજનની કટોકટી અને તંત્રના મેનેજમેન્ટ વચ્ચે ટીમ ભાસ્કરે 2 પ્લાન્ટ પર જઇ વાસ્તવિકતા જાણી
 • 25 કમર્ચારીઓનું સ્વજનોની બીમારી કે પ્રસંગો કરતાં ફરજને પ્રાધાન્ય
 • વડોદરા સહિત 4 જિલ્લાના દર્દીઓને શ્વાસ પૂરો પાડતા 2 પ્લાન્ટ
 • રોજ 4,900 ક્યુબીક મીટર ઓક્સિજન ઉત્પાદન અને 7,700 સિલિન્ડરનું ફીલિંગ થઇ રહ્યું છે

હોસ્પિટલોમાં ઓક્સિજનની કટોકટી સર્જાઇ રહી છે. જેને પહોંચી વળવા તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. ત્યારે આવા કપરા સમયમાં ઓક્સિજનનું ઉત્પાદન કેવી રીતે થાય છે, કંપની માંગને પહોંચી વળવા કેવી રીતે અને કેટલા કલાક કામ કરે છે. તે જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે હાલોલ જીઆઇડીસીમાં આવેલા મારુતિ ગેસીસ પ્રા. લી. અને બાસ્કાના લાઇફ લાઇન ગેસ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. મારુતિ ગેસીસ કંપનીમાં 24 કલાક ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. જેમાં 3 શિફટમાં કુલ 25 કર્મચારીઓ કામ કરે છે.

નજીકના સંબંધીના પ્રસંગોમાં હાજરી નથી આપી શકતા
સ્વજનોની તબિયત લથડી હોય કે સામાજિક પ્રસંગો હોય, રાઉન્ડ ધી કલોક ફરજ બજાવતા મોટાભાગના કર્મચારી હાલની સ્થિતિ મુજબ ઓક્સિજન વધુમાં વધુ અને સમયસર દર્દીઓ સુધી પહોંચે તે માટે ફરજને પ્રાધાન્ય આપી રહ્યા છે. જેને કારણે ઘણા કમર્ચારીઓના સ્વજનો સાથેના સંબંધો વેન્ટીલેટર પર જતા રહ્યાં હોય તેવી સ્થિતિ પણ સર્જાઇ છે. નજીકના સંબંધીના પ્રસંગોમાં હાજરી ન આપી શકતા સંબંધો વણસી ગયા હોવાનું કર્મીઓ જણાવી રહ્યા છે. જો કે હાલની સ્થિતિમાં સામાજિક સંબંધોના સંતુલન કરતા દર્દીઓનો શ્વાસ જળવાઇ રહે અને તેને માટે જરૂરી ઓક્સિજન પૂરો પડાય તેવો ધ્યેય આ કર્મચારીઓ રાખી રહ્યા છે. જયારે બાસ્કા લાઈફ લાઈન ગેસ પ્લાન્ટમાં પણ કમર્ચારીઓની હાલત આવી જ છે. એક કર્મચારીએ તો સાળીના લગ્ન હોવા છતાં જવાનું ટાળીને મોબાઇલ પર ઓનલાઇન જ લગ્ન માણ્યા હતા.

વડોદરા આસપાસની હોસ્પિટલોમાં ઓક્સિજન મોકલાય છે
મારુતિ ગેસીસના પ્લાન્ટ રોજ 4,900 ક્યુબીક મીટર ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને 7,700 સિલિન્ડરનું ફીલિંગ કરી તેને હોસ્પિટલોમાં પહોંચાડે છે. આ કંપનીમાં ઉત્પાદિત કરાયેલા ઓક્સિજનને વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં આપવામાં આવી રહ્યો છે. જયારે હાલોલના બાસ્કાના લાઈફ લાઈન ગેસ પ્લાન્ટમાં 9 કર્મીઓ રોજ 1000 ઓક્સિજન ગેસ બોટલ રિફીલિંગ કરે છે. કેટલીક વખત 24 કલાક કામગીરી કરે છે.

ઓક્સિજનનું ઉત્પાદન કેવી રીતે થાય છે?

 • મારુતિ ગેસીસમાં એર સેપ્રેશન પ્લાન્ટ છે. વાતાવરણમાંથી હવા લઇ અલગ અલગ સ્ટેજ પર પયોરિફાય થાય છે, ત્યારબાદ સેગ્રીગેટ એટલે ઓક્સિજન છૂટો પડે છે.
 • 3 સ્ટેજ પૈકી પહેલું સ્ટેજ કોમ્પ્રેશન છે. જેમાં પ્લાન્ટ વાતાવરણમાંથી હવા ખેંચે છે. બીજા સ્ટેજમાં હવાનું ફિલ્ટરેશન થાય છે. જે અશુધ્ધિઓ દૂર કરે છે. ત્રીજા સેગ્રેશન સ્ટેજમાં વાતાવરણમાંથી ખેંચલા ગેસમાંથી ઓક્સિજનને છૂટો પાડે છે.
 • ઓક્સિજન છૂટો પડ્યા પછી તે -175થી -180 ડીગ્રી પર લિકવિડ સ્વરૂપે મળે છે.
 • ત્યારબાદ લિકવિડ ઓક્સિજનને પમ્પની મદદથી ફીલિંગ સ્ટેશન પર પાઇપ મારફતે મોકલવામાં આવે છે. જ્યાં બોટલમાં ગેસ ફોર્મમાં ભરવામાં આવે છે.
 • એક કલાકમાં 30 બોટલ જેટલો એટલે 210 ક્યુબીક મીટર ઓક્સિજન ઉત્પન્ન થાય છે.

કેવી રીતે ઓક્સિજનનું મેનેજમેન્ટ
ડીએસપી કચેરીના કંટ્રોલરૂમમાં પોલીસ, મામલતદાર, ફૂડ એન્ડ ડ્રગ્સ સહિતના અધિકારીઓ લાઇઝનિંગ કરે છે. હોસ્પિટલોમાં ઓક્સિજન ખૂટ્યાની બૂમ પડ્યા પછી પ્લાનિંગ અને રૂટ તૈયાર કરાય છે. વડોદરાનો જથ્થો અન્યત્ર ડાયવર્ટ ન થાય તેનું મોનીટરિંગ થાય છે. કલેક્ટર અને ઓએસડી ડો. વિનોદ રાવે ડિસ્ટ્રીબ્યૂટર્સ સાથે સંકલન કરી જરૂર પડે ઓક્સિજનની આપ લે કરી મેનેજમેન્ટ કરી રહ્યા છે.

કટોકટીને ટાળવાની નૈતિક ફરજ
અમારી સામાજિક અને નૈતિક ફરજ છે કે કટોકટીમાં હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડીએ. જે કામ અમે સતત કરી રહ્યા છે. - ભાસ્કર માધવાણી, ડાયરેકટર, મારુતિ ગેસીસ

ઈન્જેક્શન લીધું, કામ કરવું જરૂરી છે
ઘણા દિવસોથી સતત કામ કરીએ છીએ. હું બીમાર છું. હમણાં ઈન્જેક્શન અને દવા લઈ આવ્યો છું. કારણ કે કામ કરવું જરૂરી છે. 30મીએ સાળીના લગ્ન હતા. જેને મોબાઈલ પર જ માણ્યા હતા. - રણજિત પાસવાન, લાઈફ લાઈન ગેસ

હમણાં આરામ નહીં, માત્ર કામ
આ સમય બીમારી, સામાજિક પ્રસંગોમાં જવાને બદલે માત્ર કામ કરવાનો છે. મારે આ સમયમાં માત્ર કામ જ કરવાનું છે. -લાલસિંહ ગોહિલ, મારુતિ ગેસીસ

​​​​​​​ઓક્સિજન ક્યાંથી આવે છે?

 • જામનગર - 55 ટન
 • ભાવનગર - 26 ટન
 • આઇનોક્સ - 60 ટન
 • ભરૂચ - 08 ટન
 • જીએસએફસી - 10 ટન
અન્ય સમાચારો પણ છે...