બેદરકારીના આક્ષેપ:વડોદરાના ન્યાયમંદિર વિસ્તારમાં લો વોલ્ટેજની સમસ્યા સર્જાઈ છતા કર્મચારીઓ આવ્યા નહી, તંત્રએ કહ્યુ, અમને કોઈ ફોન નથી આવ્યો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્થાનિકોએ રાત્રિના સમયે ઓફિસ જઈને કર્મચારી સૂતા હોય તેવા ફોટો પાડી લઈ જાહેર કર્યા હતાં. - Divya Bhaskar
સ્થાનિકોએ રાત્રિના સમયે ઓફિસ જઈને કર્મચારી સૂતા હોય તેવા ફોટો પાડી લઈ જાહેર કર્યા હતાં.
  • કર્મચારીઓ ગાઢ નિંદરમાં હોવાના ફોટો રહિશોએ જાહેર કર્યા

વડોદરા શહેરની મધ્યમાં આવેલા મદનઝાંપા રોડ તથા ન્યાય મંદિરની આજુ બાજુના કેટલાક વિસ્તારોમાં ગઇકાલે મોડી રાત્રે લો વોલ્ટેજ થઈ જતાં રહીશોને તેમના ઘરમાં મુકેલા વીજ ઉપકરણો અંગે ચિંતા વધી ગઈ હતી. રહિશોએ જીઈબીની કચેરીએ જઈને જોતાં કેટલાક કર્મચારીઓ રાત્રે ગાઢ નીંદર માણતા હોવાનું જણાવ્યું હતું. જો કે, તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમને કોઈ જ ફોન કે ફરિયાદ કરાઈ નથી.

ફોન ન રિસિવ થતા લોકો ઓફિસ ગયેલા
ગઇકાલે મોડી રાત્રે અંદાજે 3:30 કલાકે ન્યાયમંદિર, મદનઝાંપા રોડ જેકે ટાયરની ગલીમાં સહિતના વિસ્તારોમાં અચાનક લો વોલ્ટેજ થઈ ગયો હતો. જેથી સ્થાનિક રહિશોએ આ મામલે બરાનપુરા સબડિવિઝનની કચેરીનો ટેલીફોન ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં કોઈ ફોન ઉપાડતુ ન હોતું. આખરે કંટાળીને કેટલાક રહિશો બરાનપુરા ખાતેની જીઈબી સબડિવિઝન કચેરીએ પહોંચતા જીઈબીના કર્મચારીઓ ઊંઘતા જોવા મળ્યા હતા. જેથી આ મામલે નાગરિકોએ પોતાની ફરિયાદ કરી હતી અને અનેકવાર ફોન કરવા છતાં કોઈ ફોન ઉપાડતું નથી તેવો આક્ષેપ કર્યો હતો.

વાયર બદલવામાં આવેલો-તંત્ર
જે સામે જીઈબીના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમને કોઈ ફોન આવ્યો નથી. લોકોની ફરિયાદ બાદ જીઇબીના કર્મચારીઓ કામે લાગ્યા હતા અને પથ્થરગેટ પોલીસ ચોકી પાસેનો કેબલનો બળી ગયેલો વાયર બદલી બીજો વાયર લગાવતા સમગ્ર વિસ્તારમાં પૂન: રાબેતા મુજબ વીજ પુરવઠો શરૂ થયો હતો.