એમ.એસ. યુનિવર્સિટીમાં 2 વર્ષથી વિદ્યાર્થી સંઘની ચૂંટણી થઇ નથી. જોકે ચાલુ વર્ષે વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ યોજાવાની છે તે પહેલાં વેકેશનમાં જ મારામારીની ઘટનાઓ શરૂ થઇ ગઇ છે. ગુરુવારે એજીએસયુ અને એજીએસજીના જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેને પગલે દોડી આવેલી વિજિલન્સે બંને જૂથોને છુટા પાડયા હતા.આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં ગુરુવારે માહિતી મેળવવા આવેલા બે વિદ્યાર્થીઓ એજીએસયુ ગ્રૂપના વિદ્યાર્થી સાથે ઊભા હતા તે દરમિયાન એજીએસજીના વિદ્યાર્થી નેતાએ માર માર્યો હતો. અમારા ગ્રૂપને મળવા આવતા લોકોને તમે કેમ બોલાવી લો છો, તેમ કહીને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ મામલો પોલીસમાં પહોંચ્યો હતો . બંને જૂથો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ પહેલાં જ બંને જૂથો વચ્ચે રાજકીય વિખવાદ શરૂ થઇ ગયો છે. જેના કારણે વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ લોહિયાળ જંગ બની રહેશે. નવા આવેલા વિદ્યાર્થીઓને આકર્ષવા માટે વિદ્યાર્થી આગેવાનો દ્વારા એડીચોડીનું જોર લગાવવામાં આવતું હોય છે. જોકે આગામી સમયમાં કોલેજ શરૂ થયા પછી રોજેરોજ ઝઘડા થાય તેવી શક્યતા છે.
મારામારીની ઘટના વધી જશે તો તેવા કિસ્સામાં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા વિદ્યાર્થી સંઘની ચૂંટણી પણ રદ કરી નાખવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ સાયન્સ ફેકલ્ટીમાં ગરબાના આયોજનને લઇને 2 જૂથો વચ્ચે મારમારી થઇ હતી. યુનિ.માં છાશવારે થતી મારામારીની ઘટનાને લઇને છબી ખરડાઇ રહી છે. ત્યારે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તે હિતાવહ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.