ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક ઉપર ભડકો થયો છે અને વાઘોડિયા બેઠકના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણ-પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્યઓ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વાઘોડિયા પહોંચ્યા છે. જ્યાં તેઓએ કાર્યકરો બેઠક યોજી હતી.પરંતુ મધુ શ્રીવાસ્તવ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.
ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી
ભાજપ દ્વારા વડોદરા જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર અપેક્ષીત ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં વાઘોડિયા બેઠક ઉપર સ્થાનિક લોકોના વિરોધને કારણે 7મી ટર્મ ચૂંટણી લડવા માંગતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી અગાઉ જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયેલા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે.
કરજણ બેઠક ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ધારાસભ્ય બનેલા અક્ષય પટેલને રિપીટ કરવામાં આવતા કરજણ બેઠકના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળીયા) અને પાદરા બેઠક ઉપર પાદરા નગર પાલિકાના પ્રમુખ ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવત પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે (દિનુ મામા) કાર્યકરોના ખભે બંધુક મૂકી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
પ્રદેશ મોવડીઓ મેદાનમાં ઉતર્યા
વાઘોડિયા, કરજણ અને પાદરાના નારાજ વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણ-પાદરાના ભાજપ પૂર્વ ધારાસભ્યો સતિષ પટેલ (નિશાળીયા) અને દિનેશ પટેલ (દિનુ મામા)એ બળવો કરવાના સૂર આલાપતા પ્રદેશ મોવડીએ નોંધ લીધી હતી અને આ ત્રણે પોતાની વિધાનસભા બેઠક ઉપર ભાજપાને કોઇ નુકસાન ન કરે તે માટે તેઓને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. સ્થાનિક હોદ્દેદારો અને પ્રદેશ કક્ષાના નેતાઓની ટેલિફોનીક વાતચીતથી વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યો ન સમજાતા આખરે પ્રદેશ ભાજપા પ્રમુખ આજે જિલ્લાની આ ત્રણે બેઠકના નારાજ દાવેદારોને સમજાવવા માટે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાવપુરમાં ધારાસભ્યની બેઠકથી અટકળો
એવી પણ માહિતી મળી છે કે, પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘોડિયા ખાતેની પારૂલ યુનિવર્સિટીમાં આવનાર છે. તે બાદ તેઓ કરજણ ખાતે પણ જનાર છે. આ બંને જગ્યાઓ ઉપર પહોંચ્યા બાદ ત્રણેય બેઠકના નારાજ દાવેદારો અને તેમના સમર્થકોને મળશે અને તેઓની રજૂઆત સાંભળી તેઓને સમજાવવાનો પ્રયાસ કરશે.
વડોદરા માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલની ઉંમરના કારણે ટિકિટ કપાવાની હોવાથી તેઓ પણ નારાજ છે. ત્યારે ઉમેદવાર જાહેર થાય તે પહેલાં પ્રદેશ પ્રમુખ તેઓને મળી તેમને સમજાવવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે, માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલે મોડી સાંજે તેમના મત વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરો સાથે ઔપચારીક બેઠક કરતા અનેક અટકળો શરૂ થઇ ગઇ હતી.
સાંજ સુધીમાં ત્રણેય દાવેદારો પાણીમાં બેસી જશે
અત્રે ઉલ્લેખનિય છે કે, વાઘોડિયા બેઠક ઉપર 6 ટર્મથી મધુ શ્રીવાસ્તવ ધારાસભ્ય તરીકે રહ્યા છે. થોડા સમય પહેલા તલાટીઓના કૌભાંડમાં તેઓ વિવાદમાં આવ્યા હતા. તેજ રીતે કરજણના ભાજપાના પૂર્વ ધારાસભ્ય ગંધારા સુગરમાં ચેરમેન રહી ચૂકયા છે. તે સાથે પાદરાના દિનેશ પટેલ (દિનુ મામા) એક વખત અને એક વખત ભાજપાના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. અને હાલ તેઓ વડોદરા જિલ્લાની સૌથી મોટી બરોડા ડેરીના ચેરમેન પદે છે. ત્યારે આ ત્રણેને ભાજપા સામે બાંયો ચઢાવવી પોશાય તેમ નથી.
ભલે આ ત્રણેયે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હોય, પરંતુ, સાંજ સુધીમાં આ ત્રણે સામેથી મિડીયા સમક્ષ આવીને જાહેર થયેલા ઉમેદવારો સાથે ખભે ખભા મિલાવી કામ કરીશું. અમે ભાજપથી નારાજ નથી. તેવા નિવેદનો કરી ચૂપચાપ ભાજપામાં કમને કામે લાગી જશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.