હોબાળો:65%થી ઓછા માર્ક્સવાળાને પ્રવેશ ના મળતાં પૂતળા દહન

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • FYમાં અરજી કરનાર 2000 પૈકી 500ને પ્રવેશ, NSUIનો હોબાળો
  • બહારથી આવતા વિદ્યાર્થીઓના 65%થી વધુ હોવા ફરજિયાત

મ.સ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં 65 ટકાથી ઓછા ગુણવાળા બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતાં વિરોધ કરવામાં આવ્યો હતો. એનએસયુઆઇએ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પૂતળા દહન કરીને વિરોધ નોંધાવ્યો હતો. 2 હજાર વિદ્યાર્થીમાંથી 500ને જ પ્રવેશ અપાયો હતો અને દરેક પાસે 300 રૂપિયા ફોર્મ ફી પણ લેવામાં આવી હતી.

એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ચાલુ વર્ષે 65 ટકાથી ઓછા ગુણ હોય તેવા વડોદરા જિલ્લા બહારના વિદ્યાર્થીઓને પ્રેવેશ આપવામાં આવ્યો નથી. જેના કારણે સંખ્યાબંધ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી. એફવાય બીકોમમાં પ્રવેશ માટે 2 હજાર જેટલા બહારના વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, જેમાંથી માત્ર 500 જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવ્યો છે.

દરેક વિદ્યાર્થી પાસે 300 રૂપિયા પ્રમાણે ફોર્મ ફી લેવામાં આવી હતી. 1500 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો નથી, પણ 300 રૂપિયા લેખે ફોર્મ ફી યુનિવર્સિટીએ જમા કરી લીધી છે. એનએસયુઆઇ પ્રમુખ વ્રજ પટેલની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ ખાતે ઉગ્ર દેખાવો કર્યા હતા અને સત્તાધીશોનું પૂતળા દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

વિદ્યાર્થી આગેવાનોએ કોમર્સ ફેકલ્ટીમાં બહાર ગામના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તેવી માગણી કરી હતી. આગામી સમયમાં જો વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી એનએસયુઆઇ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. ગત વર્ષે કોમર્સ ફેકલ્ટીમાં 10 હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે આ વખતે 7500 પર જ પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...