શહેરમાં બંધ થનાર 7 ગ્રાન્ટેડ સ્કૂલો સમિતિને ચલાવવા આપવા તથા 15 સમિતિની શાળાને માધ્યમિકની મંજૂરી માગતી અરજી શિક્ષણ સમિતિના ચેરમેન-વા. ચેરમેને શિક્ષણ મંત્રીને કરી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત 120 પ્રાથમિક શાળાનાં બાળકોને ધો.8 પછી ગ્રાન્ટેડ સ્કૂલોમાં જવાનો વારો આવે છે. સમિતિનાં બાળકોની આર્થિક સ્થિતિ સારી ન હોઇ મોટાભાગનાં બાળકો ધો.8 પછી અભ્યાસ કરતાં નથી. તેવા સમયે ધો.9-10 શરૂ કરાય તેવી માગ ઊઠી છે.
શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટણી તથા વાઇસ ચેરમેન ડો.હેમાંગ જોશીએ શિક્ષણ મંત્રી કાર્યાલય ખાતે અરજી આપી હતી. જેમાં શહેરમાં 15 જેટલી સમિતિની સ્કૂલોને માધ્યમિકની પરવાનગી અપાય તેવી માગ કરાઈ છે.
ઉપરાંત જે 7 ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થવાની છે તે શિક્ષણ સમિતિને ચલાવવા સોંપાય તેવી રજૂઆત કરી હતી. ગુજરાતી માધ્યમની 7 ગ્રાન્ટેડ શાળા જીવન ભારતી, શ્રી વસંત વિદ્યાલય, ઓમ વિદ્યાલય, ન્યૂ જીવન ચેતના, ગૌતમ પ્રાથમિક શાળા, સૌરભ વિદ્યાલય, આત્મન વિદ્યાલયે ડીઇઓ કચેરીમાં સ્કૂલ બંધ કરવા અરજી કરી છે. આ શાળા શિક્ષણ સમિતિ પોતે ચલાવવા લેવા માગે છે. જેથી વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય અને માધ્યમિકના વર્ગો પણ શરૂ કરી શકાય.
15 સ્કૂલ શરૂ કરવા મંજૂરી માગી હોય તેવી પ્રથમ ઘટના
ચાર મહાનગર પાલિકામાં વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એક સાથે 15 માધ્યમિક સ્કૂલો શરૂ કરવા માટેની પરવાનગી માગી હોય તેવી પ્રથમ ઘટના છે. આ ઉપરાંત શહેરમાં બંધ થનાર 7 ગ્રાન્ટેડ સ્કૂલો ચલાવવા માટે તૈયારી બતાવી છે, જેના કારણે વધારે વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલોનો લાભ મળી શકે.
શિક્ષણ વિભાગને ડિટેઇલ રિપોર્ટ મોકલાશે
જૂન 2022ના સત્રથી શિક્ષણ સમિતિની 15 સ્કૂલો માધ્યમિકની મંજૂરી મળી જાય તે માટે પ્રયાસોના ભાગરૂપે શિક્ષણમંત્રી પાસે મંજૂરી માગવામાં આવી છે. આગામી સમયમાં ડિટેલ રિપોર્ટ પણ શિક્ષણ વિભાગને મોકલવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.