આગમાં જીવ ગુમાવ્યો:વડોદરામાં સિંધરોટ રોડ પર ઇકો કારમાં આગ ભભૂકી, કાર ચાલક જીવતો ભૂંજાઈ ગયો

વડોદરાએક મહિનો પહેલા
સિંધરોટ રોડ પર આજે સવારે એક ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી - Divya Bhaskar
સિંધરોટ રોડ પર આજે સવારે એક ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી
  • કારમાં શોર્ટ સર્કિટથી આગનું પ્રાથમિક તારણ

વડોદરા શહેરના સિંધરોટ રોડ પર આજે સવારે એક ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં કારમાં સવાર વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ઇકો કારમાં આગની ઘટનામાં મૃતકનું નામ હરેશ દાદુભાઇ અમીન હોવાનું સામે આવ્યું છે તેમજ તેઓ ઘણી જમીનો ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે

કાર ચાલક બહાર નીકળી ન શક્યો
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના સિંઘરોટ રોડ પર મીની નદી પાસે આજે વહેલી સવારે એક ઇકો કારમાં અચાનક આગ લાગી હતી. જેમાં કારનો ચાલક બળીને ભડથું થઇ ગયો હતો. આગ લાગતા ત્યાંથી પસાર થતાં લોકોએ ફોન કરી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી વડોદરાના વડીવાડી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કારમાં લાગેલી આગને બૂઝાવી હતી. જો કે, કાર આગમાં ખાખ થઇ ગઇ હતી અને કાર ચાલક વ્યક્તિ પણ કારમાંથી બહાર નીકળી શક્યો ન હતો. જેથી તે કારમાં જ જીવતો ભૂંજાઇ ગયો હતો. ઘટનાને પગલે એરારાટી વ્યાપી ગઇ હતી.

કારમાં સવાર વ્યક્તિનું મોત નિપજ્યું
કારમાં સવાર વ્યક્તિનું મોત નિપજ્યું

શોર્ટ સર્કિટથી આગનું પ્રાથમિક તારણ
કારમાં આગ લાગવનું પ્રાથમિક કારણ શાર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતકની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વહેલી સવારે એક ઇકો કારમાં અચાનક આગ લાગી હતી
વહેલી સવારે એક ઇકો કારમાં અચાનક આગ લાગી હતી

પોલીસ : અકસ્માત સર્જાયો કે કેમ તેની પણ તપાસ થશે?
તાલુકા પોલીસ સ્ટેશરનના પીએસઆઇ ડી આઇ સોલંકીએ જણાવ્યુ઼ હતું કે કારના આગળના ભાગે પાઈપ સાથે ટકરાવવાના નિશાન પણ મળ્યાં છે. આગ લાગવાનું ખરું કારણ ગુરૂવારે આરટીઓના ઈન્સપેક્શન બાદ જાણી શકાશે.મૃતકના ડીએનએ લેવડાવ્યાં છે.

પોસ્ટમોર્ટમ : દાઝવાથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ
સયાજી હોસ્પિટલના સૂત્રોઅે જણાવ્યું હતું કે, મૃતદેહ જ્યારે અમારી પાસે આવ્યો ત્યારે તે મોટેભાગે બળી ગયેલો હતો. મૃતદેહમાં માત્ર માંસના લોચા અને હાડકા દેખાતા હતા. ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ લીધા છે. હાલમાં પ્રાથમિક કોઝ ઓફ ડેથ દાઝવાથી થયા હોવાનું સામે આવ્યું છે.

ફાયર બ્રિ​​​​​​​ગેડ : કારનો ડાબી બાજુનો દરવાજો ખુલ્લો હતો
ફાયર ઓફિસર અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સવારે 4 વાગ્યે જાણ થતાં અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે આગ ઓલવાઈ ગઈ હતી, છતાં પાણીનો મારો ચલાવ્યો હતો. કારનો દરવાજો તોડી સીટ પરથી લાશને બહાર કાઢી હતી. કારમાં બીજી તરફનો દરવાજો ખુલ્લો હતો.

એક્સપર્ટ : આગ લાગ્યા બાદ બેટરી શોટ થાય, સ્ટાર્ટર ન વાગે
​​​​​​​કાર એકસર્પટ પ્રકાશ પરીખે જણાવ્યું હતું કે ઇકો કારમાં કોઈ લોક સિસ્ટમ હોતી નથી. ડ્રાઇવરની આગળ તરફ કોઈ બોનેટ બાજુ કોઈ ઇલેક્ટ્રિક વાયરિંગ નથી હોતું. શોર્ટ સર્કિટ થાય, તણખો થાય અને આગ લાગે એટલે તરત જ બેટરી શોટ થાય અને ત્યારબાદ સ્ટાર્ટર જ ન વાગે.

પરિવાર : અમારે આ ઘટના બાબતે કંઇ પણ કહેવું નથી
ગોત્રી સેવાસી રોડ પર જ હરીશભાઈ નો આલીશાન બંગલો છે, જ્યાં પુત્ર કરણ એની પત્ની પૂજા સાથે રહે છે. હરીશભાઈ સોનારકુઈ નજીક આવેલા અમીન ઓર્કિડ ફાર્મ હાઉસ માં એકલા જ રહેતા હતા. ઘટના અંગે પરિવારજનોને પૂછતા તેમને કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

કારમાંથી દોડીને કોઇ ભાગ્યો હોવાની અટકળોથી રહસ્ય ઘેરાયું
મધ્ય રાત્રિ બાદ ૩ વાગે રોડ ઉપર ભડભડ સળગતી ઇકો કારને જોઈ અન્ય વાહન ચાલકોએ ઉભા રહી અંદર કોઈ છે કે નહિ એની તપાસ કરી હતી. એ પહેલા સળગતા વાહનમાંથી કોઈ દોડીને ભાગ્યું હોવાનુ નજરે જોનારાનું કહેવુ છે.જોકે પોલીસ તપાસમાં આ વાત બહાર આવી નથી.

ફાયર બ્રિગેડને મેસેજ મળ્યા બાદ ત્યાં પહોંચ્યા બાદ સૌ પ્રથમ પાણીનો છંટકાવ કર્યો હતો અને ડ્રાઇવિંગ સીટ ઉપર પડેલા હરીશભાઈના ભડથું થઈ ગયેલા મૃતદેહને ડ્રાઈવર સાઈડનો દરવાજો તોડી ને બહાર કાઢ્યો હતો.જયારે બીજી તરફજો દબવાજો ખુલ્લો હતો. ત્યારે નજરે જોનારાના જણાવ્યા પ્રમાણે કારમાંથી કોઈ દોડીને ભાગ્યો હોવાની વાતને સમર્થન મળી રહ્યું છે.જેને પગલે કારમાં આગ લાગવાની ઘટનાનું રહસ્ય ઘેરુ બન્યું છે.

કદાવર નેતા અને નાપાના માથાભારે શખ્સો સાથે હરીશભાઇને જમીન મુદે વિવાદ થયો હતો
કરોડોની જમીનો અને સંપત્તિ ધરાવતા હરીશ અમીનની એક કદાવર નેતા જોડે જમીન અંગે વાતચીત ચાલતી હતી જોકે એમાં વિવાદ થયો હોવાનું બિલ્ડર લોબીમાં ચર્ચાઈ રહ્યું છેબીજી તરફ આણંદના નાપા ગામના માથાભારે લોકો સાથે પણ હરીશભાઈને વિવાદ થયો હોવાની માહિતી બહાર આવી છે.

અન્ય સમાચારો પણ છે...