આક્ષેપ:BCAના પૂર્વ જો. સેક્રેટરીએ MOU વખતે અલ્પેશનો વિરોધ કર્યો હતો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરાગ પટેલની પોસ્ટ, મેં સારા માટે વિરોધ કર્યો હતો કે ખરાબ માટે?
  • બહુમતીના જોરે એપેક્ષમાં એમઓયુને મંજૂરી અપાયાનો આક્ષેપ

બીસીએના નામે જમીન ખરીદવાનું એમઓયુ કરનાર અલ્પેશ પટેલની રૂા.16 લાખની ઠગાઈમાં હરણી પોલીસે ધરપકડ કરી ત્યારે બીસીએમાં હલચલ મચી ગઇ છે. અલ્પેશ પટેલનો ભૂતકાળ ચકાસવા માટેનું કહી પૂર્વ જોઈન્ટ સેક્રેટરીએ વિરોધ કર્યો હોવાનો ઉલ્લેખ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતાં બીસીએના સત્તાધીશો ચોંકી ઊઠ્યા છે.

પૂર્વ જોઈન્ટ સેક્રેટરી પરાગ પટેલે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, ‘બીસીએની 23મી એપેક્ષ કમિટીની બેઠકમાં આ મુદ્દો આવ્યો ત્યારે મેં તેનો વિરોધ કર્યો હતો, પણ બહુમતીના આધારે એપેક્ષ કમિટીમાં અલ્પેશ પટેલ સાથેના એમઓયુને મંજૂરી અપાઈ હતી. હવે હરણી પોલીસે તેની ધરપકડ કરી છે ત્યારે બીસીએના સભ્યોએ નક્કી કરવાનું છે કે મેં બીસીએના સારા માટે કે ખરાબ માટે વિરોધ કર્યો હતો.

આ પ્રકરણમાં અચરજની વાત એ છે કે, જ્યારે અલ્પેશ પટેલ સાથેના એમઓયુ માટેનો પ્રસ્તાવ ઓનલાઈન આવ્યો ત્યારે તેની સાથે શરતો જોડેલી છે, એવો પ્રસ્તાવ અંગેના ઇ-મેલમાં ઉલ્લેખ હતો, પણ શરતો ક્યારેય સભ્યોને જોવા મળી ન હતી. આમ છતાં બરોડા ક્રિકેટ એસોસિયેશનના પરાગ પટેલ સિવાયના સભ્યોએ પ્રસ્તાવ પર સહી કરી દીધી હતી.

ઠગ અલ્પેશ પટેલની પત્નીની શોધખોળ
કોટંબીમાં બીસીએ માટે જમીન ખરીદીની લાલચ આપી 3 શખ્સો દ્વારા કરાયેલી 16.50 લાખની છેતરપિંડીમાં હરણી પોલીસે અલ્પેશ પટેલને વાઘોડિયા ચોકડી ઝડપી તેની પત્નીની પણ શોધખોળ હાથ ધરી છે.
ગોરવામાં રહેતા અને એરપોર્ટ સર્કલ પાસે એડ્યુનોવા નામે ઓફિસ ધરાવતા શિક્ષક હરેન્દ્રસિંગ મલિક સાથે ઠગાઈ કરી હતી. બીસીએના હોદ્દેદારોએ અલ્પેશની કંપની ઇન્ટિગ્રિટી કેપિટલ બુલ્ટ પ્રા.લિ. સાથે ખેડૂતો પાસેથી જમીન ખરીદવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ જમીન એનએ કરી બીસીએને આપીશું.

આ જમીન ખરીદીના સોદામાં જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો નફામાં 40 ટકા હિસ્સેદારી આપીશું. જેથી હરેન્દ્રસિંગે મૂડી રોકાણ કરવા તૈયારી બતાવી હતી. તેથી અલ્પેશ અને શશિકાંત મે-2021માં ખેડૂતોની જમીન ખરીદવા એડવાન્સ પેટે 4 લાખ લઇ ગયા હતા. ત્યારબાદ 60 લાખનું રોકાણ કરાવ્યું હતું. ગરબડ લાગતાં હરેન્દ્રસિંગે અલ્પેશના ઘરે રૂપિયા માગવા જતાં તેની પત્ની પ્રિતિકાબેને ધમકી આપી હતી કે, રૂપિયા માગવા આવશો તો મારી નાખીશ. જેથી હરેન્દ્રસિંગે અલ્પેશ પટેલ, પત્ની પ્રિતિકા તેમજ શશિકાંત સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અલ્પેશ પટેલની ધરપકડ બાદ હરણી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.પોલીસે પ્રિતીકા પટેલ અને શશીકાંત યાદવની શોધખોળ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...