ગેસ સિલિન્ડર બ્લાસ્ટ:વડોદરાની દેવનગર સોસાયટીના મકાનમાં વહેલી સવારે ઘડાકો, 1 મહિલાનું મોત, 11 મકાનોની દીવાલ, દરવાજા, બારીઓ તૂટી

વડોદરા2 મહિનો પહેલા

શહેરના વાસણા રોડ દિવાળીપુરા વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિર પાછળ આવેલી દેવ નગર સોસાયટીમાં 106 નંબરના મકાનમાં પ્રચંડ ધડાકા સાથે ગેસ સિલીન્ડર ફાટ્યો હતો. આ ઘટનામાં પરિવાર 3 સભ્યો અને પાડોશમાં રહેતા 2 સભ્યો મળી 5 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એક મહિલાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો.

ઇજાગ્રસ્તોને સ્થાનિક લોકો હોસ્પિટલમાં લઇ ગયા
વડોદરા વડી વાડી ફાયર સ્ટેશન ઓફિસર અમીત ચૌધરીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના વાસણા રોડ દિવાળીપુરા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની પાછળ દેવનગર સોસાયટીમાં મકાન નંબર-106 માં જયેશભાઇ વિજયભાઇ જૈન (ઉં.45) અને તેમનું પરિવાર રહે છે. સવારે 7-30 થી 8 વાગ્યાના સુમારે પ્રચંડ ધડાકા સાથે ગેસ સિલીન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનાની જાણ થતાં વડીવાડી ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર ગણપત ઝાલેયા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. આ મકાનમાં વિસ્ફોટ થતાં જયેશભાઇ વિજયભાઇ જૈન, તેમની માતા શંકુતલાબહેન વિજયભાઇ જૈન (ઉં.85), અને 12 વર્ષના પુત્ર ધૃવેશને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત પાડોશમાં 105 નંબરના મકાનમાં રહેતા અંબાલાલ ચૌહાણ, લીલાબહેન અંબાલાલ ચૌહાણ, દિપકભાઇ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ (ઉં.20)ને ગંભીર ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા.

બ્લાસ્ટમાં દિવાલો, છત તૂટી પડી, ઘરનો સામાન દબાઇ ગયો
બ્લાસ્ટમાં દિવાલો, છત તૂટી પડી, ઘરનો સામાન દબાઇ ગયો

મૃત્યુઆંક વધવાની શક્યતા
મળેલી માહીતી પ્રમાણે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ગંભીર ઇજાગ્રસ્તો પૈકી 106 નંબરમાં રહેતા 85 વર્ષિય શંકુતલાબહેન વિજયભાઇ જૈનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ગોઝારી ઘટનામાં 1 મહિલાનું મોત નીપજતાં વિસ્તારમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. હાલમાં ઇજાગ્રસ્તોને ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. સંભવતઃ મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ બનાવે વિસ્તારમાં હાહાકાર મચાવી મુક્યો હતો. આ બનાવને પગલે સ્થાનિક કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી ગયા હતા.

બ્લાસ્ટમાં મકાનોની દીવાલો તૂટી પડી
બ્લાસ્ટમાં મકાનોની દીવાલો તૂટી પડી

નિંદ્રાધિન લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા
દેવનગર સોસાયટીના મકાન નંબર 106 માં એલપીજી ગેસનો બોટલ ફાટતા એટલો પ્રચંડ ધડાકો થયો હતો કે 106 નંબરના મકાનની આજુ-બાજુમાં આવેલા આસપાસમાં તેમજ 106ની આગળ-પાછળ આવેલા 12 જેટલા મકાનોમાં વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. આ ઘટનામાં બે ટુવ્હિલરોને પણ નુકશાન થયું હતું. 106 નંબરના મકાનમાં પ્રંચડ ધડાકો થતાં દેવનગર સોસાયટીના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અને મોડી રાત્રે ગરબા રમીને આવેલા લોકો પથારીમાંથી ઉઠી ઘરની બહાર દોડી આવ્યા હતા. આ બનાવને પગલે જોત જોતામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી
ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી

ઇજાગ્રસ્તની યાદી

 • જયેશભાઇ વિજયભાઇ જૈન
 • ધૃવેશ જૈન (ઉં.12)
 • દિપકભાઇ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ (ઉં.20)
 • અંબાલાલ ચૌહાણ
 • ભાવનાબહેન પ્રવિણચંદ્ર ગોહિલ

બ્લાસ્ટમાં મકાનોને થયેલું નુકશાન

 • મકાન નંબર 105 માં રહેતા અંબાલાલ ચૌહાણના મકાનની દીવાલ તૂટી પડી
 • મકાન નંબર 104 માં રહેતા જાલમસિંહ મોતીસિંહ પઢીયારના મકાનની દીવાલ અને બાથરૂમનો દરવાજો તૂટી ગયો
 • મકાન નંબર 107માં રહેતા રોહિતભાઇ બાબરભાઇ જાદવના મકાનના બારી-દરવાજા તૂટી ગયા
 • મકાન નંબર 927માં રહેતા રમણસિંહ ભગતસિંહ પરમારના મકાનના બારી-દરવાજા તૂટી ગયા
 • મકાન નંબર 123માં રહેતા રસિકભાઇ શંકરભાઇ પરમારના મકાનના બારી-બારણાં તૂટી ગયા
 • મકાન નંબર E-99 માં રહેતા પ્રવિણચંદ્ર સોમાભાઇ ગોહિલના મકાનના બારી-બારણા, છત-દીવાલ તૂટી
 • મકાન નંબર E-100 માં રહેતા હર્ષદભાઇ પ્રજાપતિના મકાનની દીવાલ તૂટી પડી
 • મકાન નંબર E-101 માં રહેતા અરૂણાબહેન આર. ગોહિલના મકાનમાં છતમાં તિરાડો પડી
 • મકાન નંબર E-102 માં રહેતા નવનિતભાઇ અંબાલાલ પઢીયારના મકાનની દીવાલ તૂટી પડી
 • મકાન નંબર E-103 માં રહેતા રમણભાઇ મંગળભાઇ સોલંકીના મકાનની દીવાલ તૂટી પડી
 • મકાન નંબર E-128 માં રહેતા રણછોડભાઇ મયજીભાઇના મકાનના બારી-બારણાં તૂટી ગયા

દુર્ઘટના સમયે પેપર વિતરક બહાર હોવાથી આબાદ બચાવ
107 નંબરમાં રહેતા રોહિતભાઈ જાદવ દુર્ઘટના સમયે પેપર વિતરક તરીકે ફરજ બજાવતા હોવાથી ઘરની બહાર હતા. તેમના માતા પાર્વતીબેન મકાનના ટોયલેટમાં હતા. સદ્નસીબે રોહિતભાઈ બહાર હોવાથી તેમનો દુર્ઘટનામાં આબાદ બચાવ થયો હતો

બે બહેનોએ પૈસા કાઢી માતા માટે ઘર રિનોવેટ કર્યું હતું અને તે જ દાઝી ગયાં
સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા જયેશભાઈ જૈનનાં બે બહેન પૈકી દક્ષાબેન ગાંધીએ જણાવ્યું હતું કે, મારી માતા શકુંતલાબેન શાંતિથી રહી શકે તે માટે એક મહિના અગાઉ મેં અને મારી બહેને પૈસા કરી અંદાજે 90 હજારમાં ઘર રિનોવેટ કર્યું હતું. પરંતુ આ દુર્ઘટનાથી તેઓ ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા છે.

મુખ્યમંત્રીએ મૃતકના પરિવારને ~2 લાખ સહાય આપવાની જાહેરાત કરી
બ્લાસ્ટની ઘટનામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર મેસેજ મૂકી મૃતકના પરિજનોને સાંત્વના પાઠવી 2 લાખની સહાયની જાહેરાત કરી હતી. ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ અને સ્થાનિક કાઉન્સિલરોએ 5 પરિવારના મકાનને નુકસાન પહોંચતા 25 હજારની મદદ કરવાનું નક્કી કર્યું છે.

મકાન માલિક: બોટલમાંથી ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો
મકાન માલિક જયેશ જૈને જણાવ્યું હતું કે, ગઈકાલે ગેસનો બોટલ આવ્યો હતો જે આખી રાત લીકેજ થતા સવારમાં મારી માતાએ સ્વીચ ચાલુ કરતા ધડાકો થતા દાઝી ગયા હતા. ચાલુ બોટલ માં કઈ થયું નથી.

પોલીસ: સિલિન્ડર ફાટ્યો નથી, FSLના રિપોર્ટની રાહ
ગોત્રી પીઅેસઅાઈ એલ.કે. ગામીતે જણાવ્યું હતું કે, ઘટના સ્થળ પર તપાસ કરતાં ગેસનો બોટલ ફાટ્યો નથી. ગેસ લીકેજ થયો હોય અને તેના કારણે કાર્બન પેદા થતાં વેક્યુમ સર્જાવાથી ધડાકો અને આગ લાગી શકે છે. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.

ગેસ એજન્સી: ગેસ લીકેજ થયો નથી અને બોટલ ફાટ્યો નથી
શ્રીરામ ગેસ એજન્સીના માલિક રાજીવ જોષીએ જણાવ્યું હતું કે, બોટલ અકબંધ છે. ચાલુ બોટલ પણ રેગ્યુલેટર સાથે ગેસની સગડી સાથે છે કોઈ જગ્યાએથી ગેસ લીકેજ થયો નથી અમે પોલીસને પણ આ બાબતે જાણ કરી છે અને અમારા ઉચ્ચ અધિકારીઓએ પણ તપાસ કરી છે.

અન્ય સમાચારો પણ છે...