મેયરે રસ્તા પર ઉતરવું પડ્યું:વડોદરામાં વહેલી સવારે મેયરે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર વેપારીઓને દબાણ ન કરવા સમજાવ્યા

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેયરે દબાણનો પ્રશ્ન હલ કરવા "રોડ શો" કર્યો, પરસેવો વળી ગયો - Divya Bhaskar
મેયરે દબાણનો પ્રશ્ન હલ કરવા "રોડ શો" કર્યો, પરસેવો વળી ગયો

શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ઉપર થતાં દબાણો કોર્પોરેશન માટે માથાનો દુઃખાવો બન્યો છે. ત્યારે વડોદરાના મેયર સ્થાનિક કાઉન્સિલરો, દબાણ શાખાના અધિકારીઓ સાથે મુલાકાતે નીકળ્યા હતા. અને દબાણો કરનાર વેપારીઓને દબાણો ન કરવા કડક ભાષામાં સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે, પૂર્વ મેયર પણ દબાણ કરનાર વેપારીઓને સમજાવાનો નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા છે.

દબાણો કરે છે
શહેરનું ખંડેરાવ માર્કેટ શહેરનું મુખ્ય શાકભાજી અને ફ્રૂટ બજાર છે. આ બજારમાં શહેરના નાના-મોટા વેપારીઓ જથ્થાબંધ શાકભાજી-ફ્રૂટ ખરીદવા માટે આવે છે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોના લોકો પણ શાકભાજી-ફ્રૂટ ખરીદવા માટે આવતા હોય છે. આ બજારની બહાર બેસતા ફ્રૂટના વેપારીઓ તેમજ પથારાવાળા મોટા પાયે દબાણો કરતા હોય છે.

સ્થાનિક કાઉન્સલરો અને દબાણ શાખા સાથે મુલાકાત લીધી
સ્થાનિક કાઉન્સલરો અને દબાણ શાખા સાથે મુલાકાત લીધી

પુનઃ દબાણો કરે છે
વેપારીઓ અને પથારાવાળા દબાણો કરતા હોવાથી ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ જાય છે. પરિણામે વહેલી સવારે નોકરી-ધંધાર્થે જતાા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે. અવાર-નવાર ટ્રાફિક સમસ્યાને લઇ રજૂઆતો-ફરિયાદો થતી હોય છે. પાલિકા દ્વારા આ પ્રશ્ન હલ કરવા માટે પ્રયાસો પણ કરવામાં આવે છે. પરંતુ, વેપારીઓ "શેઠની શિખામણ ઝાંપા સુધી" કહેવત પ્રમાણે એક-બે દિવસ દુકાન બહાર સામાન મુકવાનું બંધ કરી દેતા હોય છે. અને વેપારીઓ પણ બેસવાનું બંધ કરી દેતા હોય છે. બાદમાં પુનઃ પૂર્વવત સ્થિતીમાં આવી જતા હોય છે.

આજે તો વેપારીઓએ મેયરને માન આપી દબાણો દૂર કર્યા, પછી શું..
આજે તો વેપારીઓએ મેયરને માન આપી દબાણો દૂર કર્યા, પછી શું..

ટ્રાફિક જામ થઇ જાય છે
વહેલી સવારે ફ્રૂટના વેપારીઓ પોતાની દુકાનોનો સામાન દુકાનો બહાર મૂકે છે. તો ફૂલનો વેપાર કરવા આવતા ખેડૂતો પથારા રોડ ઉપર પાથરીને બેસતા હોય છે. પરિણામે વહેલી સવારે વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ જાય છે. વેપાર કરવા આવતા ખેડૂતો મોટા વાહનો લઇને આવતા હોય છે. તો શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવતા નાના-મોટા વેપારીઓ પણ ટેમ્પો, રિક્સા જેવા સાધનો લઇને આવતા હોય છે. અને તેઓ રોડ ઉપરજ પાર્કીંગ કરતા હોય છે. જેના કારણે ટ્રાફિક જામ થઇ જતો હોય છે.

મેયરે વેપારીઓને કડક ભાષામાં સમજાવ્યા
મેયરે વેપારીઓને કડક ભાષામાં સમજાવ્યા

આશ્વાસન આપ્યું
ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારના દબાણોનો નિકાલ લાવવા માટે મેયર નિલેશ રાઠોડ સ્થાનિક કાઉન્સિલરો તેમજ દબાણ શાખાના અધિકારીઓ સાથે મુલાકાતે નીકળ્યા હતા. અને દબાણો કરનાર વેપારીઓ તેમજ પથારાવાળાઓને દબાણો ન કરવા માટે કડક સુચના આપી હતી. વેપારીઓએ પણ મેયરના મોભાને ધ્યાનમાં લઇને દબાણો નહિં કરવાનું આશ્વાસન આપ્યું હતું.

રોડ ઉપર મેયરે ચર્ચા કરી
રોડ ઉપર મેયરે ચર્ચા કરી

પૂર્વ મેયર થાકી ગયા
નોંધનીય છે કે, પૂર્વ મેયર અને વર્તમાન ધારાસભ્ય કેયુર રોકડીયાએ પણ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં દબાણ કરનાર વેપારીઓને સમજાવવા માટે પ્રયાસો કર્યા હતા. તેમણે તો વેપારીઓ-પથારાઓને ગર્ભીત ચિમકીઓ પણ આપી હતી. છતાં, વેપારીઓ અને પથારાવાળાઓ સુધર્યા નથી. જે તે સમયે પથારાવાળાઓએ યોગ્ય જગ્યા ફાળવવા માટે મેયરને રજૂઆત કરી હતી. જોકે, તે દીશામાં કોઇ કાર્યવાહી થઇ ન હતી.