કોરોના ઇફેક્ટ:જૂનથી ઇ-ક્લાસ : વોટ્સએપથી પુસ્તકનો ઓર્ડર, પિકઅપની 3 મિનીટ, શબ્દે શબ્દનું સેનેટાઇઝેશન

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન 4.0માં સ્ટેશનરીની દુકાન ખોલવાની પરવાનગી છે. વાલીઓ-વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પુસ્તકોની ખરીદી માટે ઉમટ્યાં છે. જૂન મહિનાથી શરૂ થનાર ઓનલાઇન સ્કૂલોને પગલે પણ ટેક્સ્ટ અને નોટબુકની ખરીદી પૂરજોશમાં છે, ત્યારે સિટી ભાસ્કરે સ્ટેશનરીની દુકાન પર કેવી સાવચેતી લેવાય છે તથા લોકોની જરૂરિયાત મુજબ પુસ્તકો ઉપલબ્ધ છે કે નહીં તે અંગેનું લાઇવ રિપોર્ટિંગ કર્યું હતું. ક્યાંક એવી વાત પણ છે કે કેટલીક સ્કૂલો ઓનલાઇ પુસ્તકો ઉપલબ્ધ કરાવશે. ત્યારે વાલી, સ્કૂલો અને સ્ટેશનરીના દુકાનદારો સાથે પણ વાત કરી હતી.

દુકાનમાં પુસ્તક ન મળે તો દરેક બોર્ડે ઓનલાઇન ડાઉનલોડ કરવાની વ્યવસ્થા ઉભી કરી છે

  • સવારે 10થી 4 દુકાન ખુલ્લી રહે છે, 1 કલાકમાં 20 ગ્રાહકોને જ એન્ટ્રી મળે છે.
  • ગ્રાહકોને વોટ્સઅપથી ટોકન નંબર અને સમય અપાય છે, વોટ્સઅપ પર આપેલા લિસ્ટ પ્રમાણે પુસ્તક તૈયાર રખાય છે.
  • સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે તમામ દુકાનોમાં બે કાઉન્ટર રખાયા છે.
  • ધોરણની અને કયા બોર્ડનું પુસ્તક કયારે આવશે તેનું અપડેટ વોટ્સઅપથી અપાય છે જેથી વાલીને ધક્કો પડે નહીં.
  • દર બે દિવસે આખી દુકાન તેમજ પુસ્તકોને સેનેટાઇઝ કરવામાં આવે છે.
  • ઓનલાઇન પેમેન્ટ કરતા લોકોને સવારે 9થી 10નો સમય આપવામાં આવે છે.

સ્કૂલ કહે છે પુસ્તક ડાઉનલોડ પણ થશે
ન્યુ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલ નિઝામપુરાના MD પ્રિયદર્શીની કેલકરે જણાવ્યું હતું કે, દર વર્ષે વિદ્યાર્થીઓને અગવડ ન પડે તેથી અમે શાળામાં પણ પુસ્તક રાખીએ છે. લોક ડાઉનને કારણે શાળા બંધ છે તેથી આ વર્ષે તેમ નથી. વાલીઓને પુસ્તક તેમજ નોટબુકનું લીસ્ટ આપ્યું છે જે તેઓ તેમની સગવડ પ્રમાણે શહેરના જે સ્ટેશનરી સ્ટોરમાંથી ખરીદે છે, અથવા NCERTની સાઈટ પરથી ડાઉનલોડ કરે છે. જ્યારે અંબે સ્કૂલના પ્રિન્સિપાલ પરેશ શાહે જણાવ્યું હતું કે, હાલમાં માર્કેટમાં ગુજરાત બોર્ડના પુસ્તકની અછત હોવાથી અમે વિદ્યાર્થીઓને ઓનલાઇન પુસ્તકો જે સાઇટ પર ઉપલબ્ધ છે તેની લીંક મોકલી રહ્યાં છીએ. જેમાંથી તેઓ ડાઉનલોડ કરીને અભ્યાસ કરી શકે છે. હાલમાં પુસ્તક ન હોવાથી કોઈપણ વાલીએ પેનિક થવું નહીં. તેને ડાઉનલોડ પણ કરી શકાય છે.

વાલી : UV લાઇટથી સેનેટાઇઝેશન કરો
ગ્રાહક સાહબભાઈએ જણાવ્યું હતું કે, મારા બે દિકરા ધોરણ 8 અને 9 માં ભણે છે. હું વોટ્સઅપથી ઓર્ડર આપી પુસ્તક લેવા આવ્યો છું. જેનાથી સમય બગડતો નથી, ધક્કો પડતો નથી. ઘરે જઈને એક બોક્સમાં અમે યુવી લાઈટ મૂકી દીધી છે જેમાં એક કલાક માટે પુસ્તક મૂકી સેનીટાઇઝ કરીએ છીએ.

સ્ટેશનરીની દુકાન ઓનલાઇન ઓર્ડર લે છે
સ્ટેશનરીના દુકાનદાર દીપેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, સરકારે પરવાનગી આપી ત્યારથી રોજ 40થી 50 વાલી પુસ્તક ખરીદે છે. ગુજરાત બોર્ડના પુસ્તકનો સ્ટોક માર્ચ પછી આવ્યો નથી. તેની અછત છે. જેને અભાવને અભ્યાસ ન ખોરવાય માટે બોર્ડે http://bit.ly/GSEB-TextBook પર દરેક પુસ્તક અપલોડ કર્યાં છે. જે ડાઉનલોડ થઇ શકે છે. દુકાનદાર મનીષ શાહે જણાવ્યું હતું કે, ધોરણ 6થી 12ના વિદ્યાર્થી પુસ્તક ખરીદે છે. પ્રાઇમરી-કેજીના વિદ્યાર્થી આવતા નથી. વિદ્યાર્થીઓ જેઇઇ, ગુજસેટ, નિટ જેવી એન્ટ્રસની તૈયારીના પુસ્તક લે છે. CBSE, ICSE, ISC બોર્ડના પુસ્તકની પબ્લિશર ઓક્સફોર્ડ, પીયર્સન, ઓરિયન બ્લેક સ્વાન, વિવા તથા મેક્સ એજ્યુકેશને ઓનલાઈન પ્લેટફોર્મ ઉભું કર્યું છે. જેમાં એપ. કે વેબસાઇટ પરથી પુસ્તકની સોફ્ટ કોપી મળે છે.

અન્ય સમાચારો પણ છે...