ટ્રેનમાં ચોરી:દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં ઇન્દોરના નિંદ્રાધિન યુવકની 44 હજારની મત્તાની ચોરી, વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ટ્રેનોમાં મુસાફરોના સામાનની ચોરીના વધી રહેલા બનાવોમાં વધુ એક બનાવ મુંબઈ દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં બન્યો છે. આ બનાવમાં મુસાફરી કરી રહેલા નિંદ્રાધિન યુવકના પર્સ સહિત સોનાના ઘરેણાં, 1 મોબાઈલ અને રોકડ મળી રૂ. 44,610ની મતા અજાણ્યો ગઠિયો ચોરીને નાસી છુટ્યો હતો. રેલવે પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મધ્યપ્રદેશના ઈન્દોરના કોસરબાગ રોડ પર રહેતો મોહિત જયસ્વાલ પરિવાર સાથે તા. 3 ડિસેમ્બરના રોજ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી ઇન્દોર દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં જવા નીકળ્યા હતા. ટ્રેનમાં રિઝર્વેશન કરીને જવા નીકળેલા મોહિતભાઈ પોતાનો સામાન વ્યવસ્થિત મૂકીને રાત્રે સૂઇ ગયા હતા. જ્યારે તેમને પોતાનું પર્સ સીટ પાસે રાખી સુઇ ગયા હતા.

દરમિયાન, મોડી રાત્રે ટ્રેન વડોદરાથી નીકળી હતી. ત્યારે નિંદ્રાધિન મોહિતભાઈએ સીટ ઉપર રાખેલું પર્સ કોઇ ગઠિયો ચોરી કરીને ભાગી છુટ્યો હતો. મોડી રાત્રે વડોદરા રેલવે સ્ટેશન ઉપર ઊંઘમાંથી જાગેલા મોહિતભાઈએ પોતાનું પર્સ ન જોતા ચોંકી ઉઠ્યા હતા. જેથી તેમને બનાવ અંગે વડોદરા રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેઓએ પર્સમાં રોકડ, 1 મોબાઈલ અને સોનાના ઘરેણાં મળી કુલ રૂપિયા 44,610ની મતા સહિત અન્ય જરૂરી ડોક્યુમેન્ટ હોવાનું જણાવ્યું હતું.

રેલવે પોલીસે ફરિયાદના આધારે પર્સ ચોરી જનાર અજાણ્યા ગઠિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ગોધરાથી વડોદરા રેલવે સ્ટેશન ઉપરના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે. નોંધનીય છે કે, રેલવે સ્ટેશનો પર આવતી મોડી રાતની ટ્રેનોમાંથી સામાનની ચોરીના બનાવો અવાર-નવાર બનતા હોય છે. જે બનાવોમાં ક્રમશઃ વધારો થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...