છેતરપિંડી:વડોદરામાં ડુપ્લિકેટ લાયસન્સથી જંતુનાશક દવાનું વેચાણ કરતા સંચાલક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ, ખેતીવાડી વિભાગે દવાનો જથ્થો સીઝ કર્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખેતીવાડી વિભાગના અધિકારીઓએ સ્થળ પર જઇને ચકાસણી કરતા ડુપ્લિકેટ લાયસન્સ મળી આવ્યું

વડોદરા શહેરમાં ડુપ્લિકેટ સર્ટીફિકેટના આધારે જંતુનાશક દવાનું વેચાણ કરવા બાબતે ખેતીવાડી વિભાગે કંપનીના સંચાલક વિરૂદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે કંપનીના પ્રોપરાઇટર ધ્રુવ કોટેચા સામે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દવાનો જથ્થો સીઝ કર્યો છે.

જંતુનાશક દવાના વેચાણ માટે લાયસન્સ મેળવવા અરજી કરી
વડોદરા શહેરના ધ્રુવ છબીલભાઈ કોટેચા(રહે, સિટીઝન સોસાયટી, ઇલોરાપાર્ક, વડોદરા) કુબેર એન્ટરપ્રાઇઝના નામે વડોદરા શહેરના ગાંધી ઓઇલમીલ કમ્પાઉન્ડ નજીક ભગવતીનગર ખાતે કંપની ધરાવે છે. તેમણે જંતુનાશક દવાના વેચાણ માટે લાયસન્સ મેળવવા ઓનલાઇન અરજી કરી હતી. જે અરજીમાં શંકા જણાતા તેની પૂર્તતા હેતુ રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ વડોદરા જિલ્લામાં નાયબ ખેતી નિયામક કચેરીમાં ઇન્ટ્સેક્ટિસાઈડ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા કોમલબેન પટેલએ ધ્રુવ કોટેચાનો સંપર્ક સાધ્યો હતો.

કોઈ લાયસન્સ ઇસ્યુ ન થયું હોવાનું બહાર આવ્યું
આ દરમિયાન ધ્રુવ કોટેચાએ જણાવ્યું હતું કે, મને જંતુનાશક દવાના વેચાણ માટેનું લાયસન્સ મળી ગયું છે. ચોંકી ઉઠેલા અધિકારીએ ઓનલાઇન પ્રક્રિયા ચેકિંગ કરતા આ પ્રકારનું કોઈ લાયસન્સ ઇસ્યુ ન થયું હોવાનું બહાર આવ્યું હતું. જેથી ખેતીવાડી વિભાગના અધિકારીઓએ સ્થળ પર જઇને ચકાસણી કરતા જંતુનાશક દવાના વેચાણનું ડુપ્લિકેટ લાયસન્સ મળી આવ્યું હતું.

નોટિસ ફટકારી દવાનો જથ્થો સીઝ કર્યો
આ ડુપ્લિકેટ લાયસન્સમાં જે.એમ.પરમાર નામે અધિકારીની ડિજિટલ સિગ્નેચર દર્શાવવામાં આવી હતી. ખરેખર સરકારી નીતિમાં ડિજિટલ સાઇન કરવાની પદ્ધતિ ઉપલબ્ધમાં નથી અને જે.એમ.પરમાર નામે કોઈ અધિકારી પણ નથી. જંતુનાશક દવા નિયમોના ભંગ તેમજ જંતુનાશક દવા અધિનિયમ હેઠળ નોટિસ ફટકારી દવાનો જથ્થો સીઝ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...