• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Due To Mismanagement Of Vadodara Municipal Corporation, Despite The Onset Of Monsoon, The People Living On The Sidewalks Were Deprived Of The Benefits Of Ranbashera.

શોભાના ગાંઠીયા સમાન બન્યા રેનબશેરા:વડોદરા મહાનગર પાલિકાના અંધેર વહીવટના કારણે ચોમાસાની શરૂઆત થવા છતાં ફૂટપાથવાસીઓ રેનબશેરાના લાભથી વંચિત રહ્યા

વડોદરાએક મહિનો પહેલા
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રેઇન બશેરા બનાવવામાં આવ્યા છે - Divya Bhaskar
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રેઇન બશેરા બનાવવામાં આવ્યા છે
  • રેનબશેરા માટે સામાન ખરીદવાનો હોવાથી બંધ છે, અધિકારી
  • જુના પાંચ રેનબશેરામાં 120 જેટલા લોકો રહે છે

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ફૂટપાથવાસીઓ તેમજ ગરીબ ઝૂંપડાવાસીઓને કુદરતી આપત્તી સામે લોકોને આશરો આપી શકાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પાંચ નવા સહિત 10 જેટલા રેનબશેરા છે. જોકે, કલાલી બ્રિજ, સોમા તળાવ, અટલાદરા સહિત પાંચ નવા બનાવવામાં આવેલા રેનબશેરા માટે પલંગ, ગાદલા, વાસણો સહિતનો સામાન ખરીદવાનો હોવાથી હાલ બંધ હાલતમાં છે. ઉલ્લેખનિય છે કે, આ રેનબશેરા તૈયાર થયે એક-દોઢ વર્ષ જટેલો સમય થઇ ગયો છે. પરંતુ, કોર્પોરેશન દ્વારા માલસામાન ખરીદવા માટે સમયસર ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન કરતા આ રેનબશેરા ધૂળ ખાઇ રહ્યું છે. અને ગરીબ લોકો પ્રવર્તમાન ચોમાસામાં પણ તેનો લાભ લઇ શકતા નથી.

બે વર્ષ પહેલાં કલાલી બ્રિજ નીચે રેનબશેરાનું ખાતમૂહુર્ત કરાયુ હતુ
બે વર્ષ પહેલાં કલાલી બ્રિજ નીચે રેનબશેરાનું ખાતમૂહુર્ત કરાયુ હતુ

રેનબશેરા તૈયાર હોવા છતાં, ગરીબો-ફૂટપાથવાસીઓને બ્રિજ નીચે ખૂલ્લામાં રહેવાનો વખત
વડોદરા શહેરમાં આવેલ અક્ષર ચોક કલાલી બ્રિજ નીચે તા. 29/6 /2020 ના રોજ રેનબશેરાનું રૂપિયા 2.21 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પૂર્વ મેયરના હસ્તે કલાલી બ્રિજ નીચે રેનબસેરા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું નામ સ્વામીનારાયણ સેતુ આપવામાં આવ્યું છે. પરંતુ આજ દિન સુધી રેનબશેરા ગરીબ ઘર વિહોણા લોકો તેમજ ફૂટપાથવાસીઓને રહેવા માટે ખૂલ્લુ મુકવામાં આવ્યું નથી. તેજ રીતે સોમા તળાવ, અટલાદરા, લાલબાગ બ્રિજ સહિત પાંચ નવા રેન બશેરા બનાવવામાં આવ્યા છે. પરંતુ, આ રેનબશેરામાં પલંગ, ગાદલા, વાસણો જેવી કોઇ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી રેનબશેરા બંધ હાલતમાં છે. પરિણામે ઘર વિહોણા ગરીબોને બ્રિજ નીચે ખુલ્લામાં સૂઈ રહેવાનો વખત આવ્યો છે. તે સાથે નાના ભૂલકાઓને પણ પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં ફૂટપાથ અથવા બ્રિજની નીચે ખૂલ્લા જગ્યામાં રાત પસાર કરવાનો વખત આવ્યો છે. નોંધનીય છે કે, શહેરના વિવિધ બ્રિજ નીચે બનાવવામાં આવેલા નવા પાંચ રેનબશેરા પૈકી લાલબાગ બ્રિજ નીચેનું રેઇન બશેરા શરૂ કરી દેવામાં આવ્યું છે.

કલાલી બ્રિજ નીચે તૈયાર રેઇન બશેરા ધૂળ ખાઇ રહ્યું છે
કલાલી બ્રિજ નીચે તૈયાર રેઇન બશેરા ધૂળ ખાઇ રહ્યું છે

વહેલી તકે રેનબશેરા શરૂ કરવામાં નહિં આવે તો રેઇન બશેરા ખૂલ્લુ મૂકી દેવાની ચિમકી
સામાજિક કાર્યકર કમલેશ પરમારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ રેનબશેરા કોઈ નેતા દ્વારા ઉદઘાટન કરવાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે., પરંતુ, ગરીબ લોકો અને ફૂટપાથવાસીઓ વર્તમાન ચોમાસાની મોસમમાં બ્રિજ નીચે અથવા ફૂટપાથો ઉપર દિવસ પસાર કરી રહ્યા છે. આમ છતાં કોર્પોરેશન દ્વારા કલાલી બ્રિજ નીચે બનાવવામાં આવેલ રેનબશેરા સહિત વિવિધ બ્રિજ નીચે બનાવવામાં આવેલા રેનબશેરા શરૂ કરવામાં આવ્યા નથી. જો આ રેનબશેરા વહેલી તકે ખૂલ્લુ મુકવામાં નહિં આવેતો સ્થાનિક લોકોની મદદ લઇને આ રેનબશેરા ખૂલ્લુ મુકી દેવાની ચિમકી ઉચ્ચારી છે.

અધિકારી કહે છે, માલા-સામાન ખરીદવા માટેનું કામ ટેન્ડર પ્રક્રિયામાં હોવાથી રેનબશેરા બંધ છે
આ રેનબશેરા અંગે યુ.સી.ડી. પ્રોજેક્ટના અધિકારી ક્રિષ્ણાબહેન સોલંકીએ જણાવ્યું હતુ કે, કલાલી બ્રિજ નીચે બનાવવામાં આવેલા રેનબશેરામાં પલંગ, ગાદલા, વાસણો જેવી ચિજવસ્તુઓની ખરીદી માટે ટેન્ડર મંગવવામાં આવેલું છે. અને ટેન્ડર સ્થાયિ સમિતીમાં મંજૂરી માટે છે. સ્થાયિ સમિતી દ્વારા ટેન્ડર મંજૂર કરતાની સાથેજ આ ચિજવસ્તુઓ જેતે ઇજારદારનું ટેન્ડર મંજૂર થશે તેની પાસેથી મંગાવી લેવામાં આવશે. અને ચિજવસ્તુઓ મૂકતાની સાથેજ આ રેનબશેરા શરૂ કરી દેવામાં આવશે. વડોદરા શહેરમાં વડસર બ્રિજ, નવાયાર્ડ અમરનાથ નગર, મધુનગર બ્રિજ, વિશ્વામિત્રી બ્રિજ અને જી.આઇ.ડી.સી. મળી પાંચ રેનબશેરા છે. અને આ તમામ રેનબશેરા હાલમાં કાર્યરત છે. અને આ રેનબશેરામાં 120 જેટલા લોકો રહે છે. તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

નવા બનેલા રેનબશેરામાંથી હાલમાં લાલબાગ બ્રિજ નીચેનું કાર્યરત છે
રેનબશેરા અંગે સ્થાયિ સમિતીના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડોદરાના સોમા તળાવ બ્રિજ, કલાલી બ્રિજ, લાલબાગ બ્રિજ, અટલાદરા બ્રિજ સહિત વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા નવા રેનબશેરામાં પલંગ, ગાદલા, વાસણો જેવી ચિજવસ્તુઓ મુકવાની બાકી છે. આ ચિજવસ્તુઓ ખરીદવા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ રેનબશેરા શરૂ કરી દેવામાં આવશે. હાલમાં નવા બનાવેલા રેનબશેરા પૈકી લાલબાગ બ્રિજ નીચેનું રેઇન બશેરા શરૂ કરી દેવામાં આવ્યું છે.

એક વર્ષથી રેનબશેરા તૈયાર હોવા છતાં કોર્પોરેશને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન કરી
ઉલ્લેખનિય બાબત એ છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા લાલબાગ બ્રિજ, કલાલી બ્રિજ, અટલાદરા બ્રિજ, સોમા તળાવ સહિત પાંચ સ્થળોએ નવા રેનબશેરા બનાવીને પણ એક-દોઢ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. પરંતુ, આ રેનબશેરામાં પલંગ, ગાદલા, વાસણો સહિત વિવિધ ચિજવસ્તુઓ ખરીદવા માટે સમયસર ટેન્ડર પ્રક્રિયા કરવામાં ન આવી નથી. હાલ ચોસામું શરૂ થઇ ગયું છે., કોર્પોરેશન દ્વારા માલસામાન ખરીદવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે.