શહેરના અકોટા-મુજમહુડા રોડ પર નશામાં ધૂત BMW કારના ચાલકે બાઇક પર જતાં દંપતીને ગત રાત્રે અડફેટે લીધું હતું. જેમાં પત્નીનું મોત નિપજ્યું છે. પોલીસે આ મામલે કારમાં સવાર ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. કારમાં સવાર ચારેય દારૂના નશામાં હતા.
સાઢુને મળવા જતાં અકસ્માત
વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ સિધરા એપાર્ટમેન્ટમાં રહેતા અયાજ અહેમદ શેખ અને તેમની પત્ની શાહીન ગત રાત્રે તેમના સાઢુભાઇને મળવા ગયા હતા. આ દરમિયાન રાત્રે નવ વાગ્યા આસપાસ રસ્તામાં આર.સી.એસ્ટેટ પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવી મુજમહુડા અકોટા રોડ પરથી પસાર થતાં મુજમહુડા તરફથી પૂરપાટ આવતી BMW કારે બાઇકસવાર દંપતિને ટક્કર મારી હતી. જેથી દંપતી કારના આગળના કાચ પર અથડાઇ ફંગોળાઇને નીચે પટકાયું હતું.
દંપતી રોડ પર લોહીલુહાણ થયું
અકસ્માતને પગલે અયાજ શેખને માથા, નાક અને પગે ઇજાઓ થઇ હતી તથા મોઢામાંથી લોહી નિકળવા લાગ્યું હતું. જ્યારે તેમની પત્ની શાહીનને પણ માથા તથા પગે ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ થઇ ગઇ હતી. બનાવને પગેલ ત્યાંથી પસાર થતાં લોકો એકત્ર થઇ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને કોલ કરતા દંપતિને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જેમાં શાહીન શેખનું ICUમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે અયાજ શેખની સ્થિતિ સારી છે.
કાર ચાલક દારૂના નશામાં હતો
પોલીસે આ મામલે BMWના કાર ચાલક સ્નેહલ જિગ્નેશભાઇ પટેલ (રહે. અંબિકા નિકેતન સોસાયટી, મકરપુરા, વડોદરા)ની ધરપકડ કરી છે. સ્નેહલ પટેલ છાણી વિસ્તારમાં આવેલ કારના શો રૂમમાં નોકરી કરે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કાર સ્નેહલના મિત્રની હતી અને સ્નેહલ કાર લઇને નિકળ્યો હતો.
કારમાં સવાર અન્ય ત્રણ પણ નશામાં હતા
BMW કારમાં ચાલક સ્નેલ પટેલ તો દારૂના નશામાં હતો જ પણ કારમાં સવાર અન્ય ત્રણ યુવક વિશાલ ધોંડીરામ મોરે (રહે. દર્શનમ એવન્યુ, પરશુરામ ભઠ્ઠાની બાજુમાં, સયાજીગંજ વડોદરા), સદ્દામભાઇ મોહંમદઅલી શેખ (રહે. રિઝવાન ફ્લેટ, તાંદલજા, વડોદરા) અને મકસુદ મીરસાહબ સિંધા (રહે. સોહીલ પાર્ક, મરીયમ પાર્કની સામે, તાંદલજા, વડોદરા) દારૂના નશામાં ચૂર હતા. જે.પી. રોડ પોલીસે કાર ચાલક સહિત ચારેયની ધરપકડ કરી છે.
કિશોર અવસ્થામાં બે બાળકોએ માતા ગુમાવી
કારની અડફેટે મોતને ભેટેલ શાહીન શેખને સંતાનમાં 15 વર્ષનો પુત્ર ઉમર અને 11 વર્ષની પુત્રી ફાતિમા છે. માતાનું મોત થતાં બંનેએ કિશોરાવસ્થામાં જ માતા ગુમાવતા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે અકસ્માતમાં ઘાયલ પિતા અયાજ શેખ ઓ.પી.રોડ પર આવેલ બ્લુ ડાર્ટ કુરિયરની ઓફિસમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે.
દારૂ ક્યાંથી પીધો?
અત્રે ઉલ્લેખનીય છે કે જે.પી.રોડ પોલીસે BMW કારના ચાલક સ્નેહલ પટેલ સહિત સદ્દામ, મકસુદ અને વિશાલ મોરે સામે દારૂ પી કાર ચલાવી અકસ્માત સર્જાવાનો ગુનો દાખલ કરી ચારેયની ધરપકડ કરી છે. કાર કોની હતી અને આરોપીઓએ ક્યાંથી દારૂ પીધો તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.