ડ્રાઇવરે દારૂ પીધો:વડોદરામાં નશાની હાલતમાં પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો: 'સાહેબ બે અજાણ્યા શખ્સો મારી પાસેથી ATMની ગાડી ચોરીને ભાગી ગયા છે'

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ATMની ગાડી ચોરાયાનો મેસેજ મળતા પોલીસ દોડતી થઇ
  • પોલીસે ડ્રાઇવરના ઘરે જઇને જોયું તો તે દારૂ પીધેલો હતો અને ગાડીની ચાવી પણ ઘરે જ હતી

વડોદરા પોલીસ કંટ્રોલ રૂમને ગઇકાલે સાંજે 9:30 વાગ્યે એક વ્યક્તિએ ફોન પર મેસેજ આપ્યો હતો કે મારી પાસેથી ATMની ગાડી અજાણ્યા શખ્સો ચોરી ગયા છે. આ મેસેજને પગલે જવાહરનગર પોલીસનો કાફલો દોડતો થયો હતો. જો કે મેસેજ આપનારના ઘરે જઇને તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ATM વાનનો ચાલક દારૂ પીધેલો હતો અને ગાડીની ચાવી પણ ઘરે જ હતી. આમ પોલીસે ખોટો મેસેજ આપવા અને દારૂ પીવા મામલે શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર મહેશભાઇ ઉદેસિંહ સોલંકી (રહે. જલારામનગર સોસાયટી, કરોડિયા રોડ, વડોદરા) એ પોલીસ કંટ્રોલ રૂમમાં રાત્રે ફોન કર્યો હતો કે, સાહેબ હું ATMની ગાડી ચલાવુ છું જેથી બે અજાણ્યા વ્યક્તિ ATMની ગાડી મારી પાસેથી ચોરી કરીને ભાગી ગયા છે. જેથી કંટ્રોલ રૂમ દ્વારા આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. જો કે પોલીસ આપેલ સરનામે પહોંચી તો ડ્રાઇવર મહેશ સોલંકી ઘરે હતો અને દારૂ પીધેલી હાલતમાં હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગાડીની ચાવી પણ ઘરે જ હતી. જેથી પોલીસે મહેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં 5 લોકો દારૂ પીધેલા અને એક મહિલા દેશી દારૂ સાથે ઝડપાઇ
(1) બોપાદ વિસ્તારમાં લક્ષ્મણભાઇ ભરતભાઇ પરમાર (રહે. બ્લોક નં-8, સોનપુર વુડાના મકાન, ભવન પાર્ટી પ્લોટ પાછળ, વાઘોડિયા રોડ, વડોદરા) દારૂ પીધેલી હાલતમાં જાહેરમાં ઝઘડો કરતો અને અસભ્ય વર્તન કરતો પકડાઇ ગયો હતો.
(2) સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનીગઢી પાસે મીનાબેન કચાભાઇ કહાર નામની મહિલા દેશી દારૂની 16 પોટલીઓ સાથે પકડાઇ હતી.
(3) ગોત્રી વિસ્તારમાં ગોકુલ પાર્ટી પ્લોટ પાસે અરવિંદભાઇ રામજીભાઇ વણકર (રહે. પંચમુખીવુડાના મકાન, વાસણા રોડ, વડોદરા)ને દારૂ પીધેલી હાલતમાં પોલીસે પકડ્યો હતો.
(4) ગોત્રી વિસ્તારમાં જ જલારામનગર સોસાયટીના નાકા પાસે રાત્રીના સમયે મહેશ મનુભાઇ શુક્લા (રહે. રાજીવનગર-1, મકરંદ દેસાઇ રોડ, વડોદરા) દારૂ પીધેલી હાલતમાં પકડાઇ ગયો હતો.
(5)ગોરવા વિસ્તારમાં રિક્ષા ચાલક વિનોદભાઇ દેવસિંહ બારીયા (રહે. શ્રીરામનગર સોસાયટી, ગંગાનગર, વડોદરા) દારૂ પીધેલી હાલતમાં રિક્ષા ચલાવતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.
(6)લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ સુરજ ગોપાલભાઇ મતલાને (રહે. શિવાંગ પાર્ક, વિજયનગર ઝૂપડપટ્ટી પાછળ, વડોદરા) દારૂ પીધેલી હાલમાં પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...