શહેર નજીક આવેલા ભાયલી ટીપી સ્કીમ નંબર 5માં બનાવવામાં આવેલા એસટીપીના ટ્રીટ કરેલા પાણીથી સમિયાલા ગામના રહીશોને ભારે પરેશાની ભોગવવી પડી રહી હતી, જેના પગલે રૂપિયા 4 કરોડના ખર્ચે સમયાલા ગામથી રેલવે લાઇન સુધીની પાઇપ લાઇન નાખવાનું નક્કી કરાયું છે.ભાયલી ટીપી સ્કીમ નંબર 5થી સમિયાલા સુધી પસાર થતી આરસીસીની પાકી કાંસ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. જોકે ભાયલી ટીપી 5માં બનાવવામાં આવેલા 5 એમએલડી એસટીપીનું ટ્રીટ કરેલું પાણી કાંસ મારફતે વિશ્વામિત્રી સુધી લઈ જવામાં આવે છે.
એસટીપીનું પાણી કાંસમાં જવાના કારણે સમિયાલા ગામ પાસે રેલવે ગરનાળા નજીક લોકોને અવર-જવરમાં પરેશાની થતી હતી તેમજ વિસ્તારમાં ગંદકીનો ભારે ત્રાસ હતો. અગાઉ ગામના રહીશોએ વરસાદી કાંસ પર પાળો બનાવી પાણી રોકતાં ભાયલી વિસ્તારમાં કાંસનું પાણી ઓવરફ્લો થયું હતું. આ સમસ્યાનું નિવારણ લાવવા માટે હવે વુડાએ ડ્રેનેજ લાઇન નાખવાનું નક્કી કર્યું છે.
જેમાં ડ્રેનેજના પાણીથી વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે ડ્રેનેજ વોટર પસાર કરવા માટે કાંસની અંદર રૂા. 4.06 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાનું નક્કી કર્યું છે. આ કામની દરખાસ્ત વુડાની બોર્ડ બેઠકમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે.
ખાનપુર-સેવાસીમાં 2 અને નિમેટા, અંકોડિયામાં 1-1 બગીચો બનાવાશે
ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના કારણે નિમેટા ટીપી 1, ખાનપુર-સેવાસી ટીપી 1, ખાનપુર-સેવાસી ટીપી 1 અને ખાનપુર-અંકોડિયા ટીપી 2 રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ ઝડપથી વધી રહ્યા છે. જેના પગલે રૂા. 35.46 લાખના ખર્ચે ખાનપુર-સેવાસી વિસ્તારમાં 2 અને નિમેટા તેમજ ખાનપુર-અંકોડિયા વિસ્તારમાં 1-1 બગીચો બનાવવામાં આવશે. જેમાં વૃક્ષારોપણ, પાણીનો બોર અને પંપ રૂમમાં 3 વર્ષનુંં ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.