વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:બાપોદમાં પરિણીતા પાસે દહેજની માંગ, કારેલીબાગમાં 2.99 લાખની ચોરી

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂતડી ઝાંપા પાસેથી ક્રિકેટ પર સટ્ટો રમતા શખ્શ ઝડપાયો
  • આજવા રોડ કલ્યાણનગરમાં છત પરથી દારૂ જપ્ત

શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ અને સાસરીયાએ દહેજ માંગ્યા તેમજ શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાએ બાપોદ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન વર્ષ 2019માં મંગલસિંહ તારાસિંહ તોમર (રહે. સર્વોદય ટાઉનશીપ, મકરપુરા) પાસે થયા હતા. લગ્ન બાદ સાસરિયા અવારનવારા દહેજની માંગણી કરતા હતા. પરિણીતા ગર્ભવતી થતાં સાસુએ સીમંત કરવાની પણ ના પાડી અને કહ્યું કે તારા પિતાને ત્યાથી દહેજ લઇ આવ, અમને 50 લાખ રૂપિયા દહેજ મળે તેવી છોકરી મળતી હતી. મહિલાએ પુત્રને જન્મ આપ્યા બાદ પણ પતિ અને સાસરીયાનો ત્રાસ જારી રહ્યો હતો. પતિએ તેના સસરાને ફોન કર્યો હતો કે તમારી દીકરીને અહીંથી લઇ જાવ મારે રાખવી નથી. જેથી પરિણીતા પિયરમાં આવી ગઇ હતી અને સાસરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કારેલીબાગમાં ફ્લેટમાંથી 2.99 લાખની ચોરી
શહેરના કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર આવેલ પાશ્વનાથ ફ્લેટમાં રહેતા સંદીપભાઇ શાહ ઘર બંધ કરી બહાર ગયા હતા. દરમિયાન તેમના ઘરનો દરવાજો તોડી તસ્કરો પ્રવેશ્યા હતા અને સોના-ચાંદીના દાગીના સહિત 2 લાખ 99 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ભૂતડીઝાંપા પાસેથી સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે મુસ્તકીમ જંત્રીયાલ નામના શખ્શને ભૂતડીઝાંપા મણિયાર મહોલ્લામાંથી શ્રીલંકા પાકિસ્તાન વચ્ચેની મેચ પર મોબાઇલ પર સટ્ટો રમતો ઝડપી લેવામાં આવ્યો છે. તેણે સટ્ટો રમવા માટે આઇડી માજીદ શેખના સંપર્કમાં રહી મેળવ્યું હતું તેમ કબૂલ્યું છે.

આજવા રોડ કલ્યાણનગર સોસાયટીમાં છત પરથી દારૂ મળ્યો
શહેરના આજવા રોડ પર આવેલ કલ્યાણનગર સોસાયટીમાં રહેતા વરૂણ રાજેન્દ્ર ગુપ્તાના ઘરની છત પરથી 1 લાખ 25 હજારની કિંમતનો વિદેશી દારૂ જપ્ત થયો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ મામલે રાજેન્દ્ર ગુપ્તા અને તેના સાગરીત જીતુ કનૈયાલાલ મોટવાણી (રહે. સાઇનાથ ફ્લેટ, વારસીયા)ને ઝડપી લીધા છે. તેમજ રિતેશ ઉર્ફે વિક્કુ દાતરોને વોન્ટેડ જાહેર કર્યા છે.

ભાડે ગાડી લઇ ફરાર થયેલ શખ્શ અમદાવાદથી ઝડપાયો
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના આસ્ટોડિયાના બુરહાની ફ્લેટમા રહેતા છેતરપિંડીના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી જાવેદ કેરુવાલાએ વર્ષ 2018માં માંજલુપરમાંથી માસિકા ભાડા પેટે બે કાર લીધી હતી. જેનું ભાડું પણ નહીં ચુકવી તેમજ કાર પણ પરત કરી ન હતી. આ બનાવ બાદ આરોપી ફરાર હતો. જેને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે.