આક્ષેપ:ડોર ટૂ ડોરે 38,218 પોઇન્ટ મિસ કર્યાં છતાં રૂા. 2.29 કરોડની પેનલ્ટી નહીં

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ બાદ હવે પશ્ચિમ ઝોનમાં ડોર ટુ ડોર કચરાનું કૌભાંડ
  • 12 દિવસે નોટિસ આપી, ઇજારદારે જૂના ડેટા ગુમ કર્યાના આક્ષેપ

પૂર્વ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતાં વાહનોએ માત્ર મે મહિનામાં જ 6537 પોઇન્ટ મિસ કર્યા હોવા છતાં જીપીએસ ટ્રેકિંગ કરતી કંપનીએ તમામ સ્થળોએ વાહનો પહોંચ્યાના રિપોર્ટ બનાવતા હોવાનો ભાજપના જ કાઉન્સિલરે ભાંડો ફોડ્યો હતો. ત્યારે પૂર્વ વિસ્તાર બાદ હવે પશ્ચિમ વિસ્તારમાં પણ એક જ મહિનામાં 38,219 પોઇન્ટ મિસ કરી ઇજારદારને રૂા. 2.28 કરોડની પેનલ્ટી નહિ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના પગલે પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે હવે બંને ઝોનના ઇજારદારને ખુલાસો કરવા નોટિસ આપી છે.

ભાજપના વોર્ડ 15ના કાઉન્સિલર આશિષ જોષીએ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા ઇજારદારો અને વાહનોમાં લગાવેલા જીપીએસ ટ્રેક કરતી કંપનીની મિલીભાગતનો ભાંડો ફોડયો છે. પૂર્વ વિસ્તારમાં કચરો એકત્ર કરતા ઇજારદાર સીડીસીના વાહનોએ 6537 પોઇન્ટ મિસ કર્યા હોવા છતાં જીપીએસ ટ્રેકિંગ કરતી કંપની એ.એન.એસ સિસ્ટમ નામની કંપની દ્વારા ઓલ રૂટ ક્લિયરનો રિપોર્ટ બનાવી રૂ. 40.40 લાખની પેનલ્ટી નહિ કરી હોવાના આક્ષેપ કર્યા હતા.

તેઓએ તમામ પુરાવા મ્યુનિસિપલ કમિશનર સામે મુક્યાં હતા. પશ્ચિમ વિસ્તારમાં માત્ર મે મહિનામાં જ ડોર ટુ ડોરના વાહનોએ પૂર્વ ઝોનથી 6 ગણા વધુ 38,219 પોઇન્ટ મિસ કર્યા હોવા છતાં તેને નિલ બતાવી રૂ. 2.29 કરોડની પેનલ્ટી નહિ કરી હોવાનું સપાટી પર આવતા ભારે ખળભળાટ મચ્યો છે.

તેટલું જ નહીં ઇજારદારે જુના ડેટા ગુમ કર્યા હોવાના પણ ગંભીર આક્ષેપ થયા છે. ત્યારે ભાજપના રાજમાં જ ચાલતી કૌભાંડી પ્રવૃત્તિ ઉજાગર થતા હવે પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે તપાસના નામે 12 દિવસ બાદ પૂર્વ ઝોનના ઇજારદાર મે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન અને પશ્ચિમ ઝોનના ઇજારદાર મે. ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને 7 દિવસમાં આ બાબતે પુરાવા સાથે ખુલાસો કરવા નોટિસ આપી છે. બીજી તરફ પારદર્શક વહીવટની ગુલબાંગો પોકારતા ભાજપના શાનનમાં ડોર ટુ ડોર કચરાનું કૌભાંડ સપાટી આવ્યા બાદ હવે અધિકારીઓએ પણ આ બાબતે મૌન સેવી લીધું છે.

અન્ય સમાચારો પણ છે...