એક્સિડન્ટ:વડોદરા પૂર્વમાં ડોર ટુ ડોર કચરો ઉઠાવતા ટેમ્પોના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવતાં કારનો કચ્ચરઘાણ વાળ્યો

વડોદરાએક મહિનો પહેલા
ટેમ્પો બેફામ બનીને કાર પર ચડી ગયો હતો.
  • પાર્ક થયેલી કાર પર ટેમ્પો ચડી જતાં અકસ્માત સર્જાયો

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉઠાવવાની કામગીરી કરતા ટેમ્પાના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા નજીકમાં ઊભેલી અન્ય કાર ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી., પરંતુ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

કચરાના ટેમ્પોને કાર પરથી હટાવવા માટે જેસીબી બોલાવાયું હતું.
કચરાના ટેમ્પોને કાર પરથી હટાવવા માટે જેસીબી બોલાવાયું હતું.

હોન્ડા સિટી કારને નુકસાન
સવારે રાબેતા મુજબ ડોર ટુ ડોર નો ટેમ્પો ફતેપુરા હરણી રોડ પરથી પસાર થતો હતો. ત્યારે જૂની રૂપમ ટોકીઝ પાસે આવેલા ચાણક્ય કોમ્પ્લેક્સ પાસે ડોર ટુ ડોર કચરાની ગાડી પૂર ઝડપે પસાર થઇ રહી હતી. લબરમૂછયા ડ્રાઇવર દ્વારા હંકારતા ટેમ્પાની બાજુમાં કશુંક અથડાતા ટેમ્પા પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો હવામાં ફંગોળાઈ ગયો હતો. આજુબાજુ ઉભેલા લોકો કઈ સમજે એ પહેલાં આ કચરાની ગાડી નજીકમાં ઉભેલી હોન્ડા સિટી કાર પર ચઢી ગઇ હતી.

કારના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું.
કારના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું.

જાનહાનિ ટળી
આ ઘટના બનતા આજુબાજુ ઉભેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અકસ્માત સર્જાયો એ વખતે હોન્ડા સીટી કારમાં કોઈ બેઠું ન હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઇજા થઇ ન હતી. પરંતુ કારને ભારે નુકશાન થયું હતું. કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અને પાછળ ઉભેલી બીજી કારને પણ નુકસાન થયું હતું. ડ્રાઇવરને પૂછતાં એને પણ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. અકસ્માતના બનાવની જાણ કારેલીબાગ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.