કિશનવાડી ખાતે રહેતા સંજય ડોડીયા નામના યુવાને પોતાના મૃત્યુ બાદ પણ જરૂરીયાતમંદોને જીવનદાન આપ્યું છે. સંજયભાઇ ગતરાત્રે તેમના મિત્રો સાથે પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે જઇ રહ્યા હતાં. ત્યાં તેમનો અક્સ્માત થયો હતો. જેથી તેમને સારવાર માટે હાલોર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યારે ત્યાંથી તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમનું ટૂંકી સારવાર બાદ બ્રેનડેડ થતાં મૃત્યુ થયું હતું. ત્યારે તેમની ઈચ્છા મુજબ તેમના પરિવાર દ્વારા તેમના શરીરના 4 અંગોનું જરૂરીયાતમંદોને દાન કરવામાં આવ્યું હતું.
શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા સંજય ડોડીયા (ઉ.વ-27) ઈલેક્ટ્રીકની દુકાન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત મોડી રાત્રે તેઓ તેમના મિત્રો સાથે પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે મોટરસાઇકલ પર જ ગયા હતા. તે દરમિયાન હાલોલ-પાવગઢ વચ્ચે ચાંપાનેર ગેટ પાસે તેમની મોટર સાઈકલનું બેલેન્સ બગડતા તેઓ ગેટ સાથે અથડાયા હતા.
જોરથી મોટરસાઇકલ ફટકાવાને કારણે તેમને માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે પાછળથી આવી રહેલાં તેમના મિત્રોએ તેમને તાત્કાલિક હોલોલ સરકારી હોસ્પિટલમાં લઈ જઇ સારવાર શરૂ કરાવી હતી. જોકે હાલોલ રેફરલ હોસ્પિટલ દ્વારા તેમને મોડી રાત્રે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું બ્રેનડેડને થયું હોવાને કારણે ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયુ હતું.
સંજય ડોડીયાના પરિવાર અને સંજયભાઇની પોતાની ઈચ્છા હોવાને કારણે તેમની 2 કિડની, લીવર અને તેમની આંખોનુ દાન કરવામાં આવ્યું હતું. આ તમામ અંગોને અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાંક સમયથી વડોદરામાં બ્રેનડેડ થતાં મૃત્યુ પામતાં લોકોના પરિવારો દ્વારા મૃતકોની તથા પરિવારની ઇચ્છા અનુસાર અંગ દાન કરવામાં આવી રહ્યું છે. જે અંગદાન અંગેની વધી રહેલી જાગૃતિ સૂચવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.