કામગીરી:ખટંબા PM આવાસના રહીશોને વુડાએ નોટિસ આપતાં દોડધામ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1286 આવાસોમાં તંત્રે ચેકિંગ કરી નોટિસો ચીપકાવી દીધી
  • એસોસિયેશન​​​​​​​ ન હોવા છતાં પ્રમુખ-મંત્રીની સહી સાથે પુરાવાની માગ

ખટંબા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડે અને વેચાણથી મકાનો આપવામાં આવ્યા હોવાની ફરિયાદને પગલે વુડાએ અનેક મકાનોને નોટિસ આપતાં લાભાર્થીઓમાં દોડધામ મચી હતી. અાવાસોનું એસોસિયેશન અસ્તિત્વમાં ન હોવા છતાં નોટિસમાં પ્રમુખ અને મંત્રીની સહી સાથેના પુરાવા મૂકવાનું કહેતાં વિવાદ થયો છે. બીજી તરફ મેન્ટેનન્સના નાણાની પઠાણી ઉઘરાણી માટે વુડાના અધિકારીઓ અને આવાસ યોજનાના હોદ્દેદારોએ ગ્રૂપમાં મેસેજ મૂક્યો હોવાના આક્ષેપ થયા છે.

બે દિવસથી ખટંબા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1286 આવાસોમાં વુડાની ટીમોએ ચેકીંગ હાથ ધરી નોટિસ આપતા ખળભળાટ મચ્યો હતો. જેમાં કેટલાક લોકોએ મકાન ભાડેથી આપ્યા હોવાની અને વેચાણ કર્યા હોવાની આવાસ યોજનમાંથી જ મળેલી ફરિયાદના પગલે વુડાની ટીમોએ બંધ મકાનોના દરવાજા પર નોટિસ ચિપકાવી હતી.

જોકે આ અંગે વુડાએ અગાઉ કોઈ સર્વે કર્યો નથી અને તેના કારણે બહારગામ ગયેલા લોકોના મકાનને પણ નોટિસ આપતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આવાસ યોજનામાં મેન્ટેનન્સના મામલે પણ વિવાદ સર્જાયો છે. નિયમ મુજબ એસોસિયેશન બનાવવાનું હોવા છતાં હજી લોકોએ એસોસિએશન બનાવ્યું નથી. જેના કારણે વુડાએ 4 કરોડ જેટલી મેન્ટેનન્સની રકમ આપી નથી. આવસોમાં મેન્ટેનન્સ માટે 300ની ઉઘરાણી કરાતા રહીશોમાં રોષ વ્યાપ્યો છે.

મેં 35 હજાર ભર્યા છે, હવે મેન્ટેનન્સ શેનું
હું લાઈટ બિલ ભરવા ગઇ હતી અને મારા ઘરે નોટિસ મારી ગયા છે.મેં વુડામાં મકાનની પ્રક્રિયા વખતે 35 હજાર ભર્યા છે. પરંતુ દર મહિને રૂા.300 મેન્ટેનન્સના લેવામાં આવે છે. અમે સામાન્ય પરિવારના છે. જેથી અમને પરેશાની થાય છે. - અનિતાબેન સેલાર, સ્થાનિક રહીશ

બિલ્ડિંગમાં સફાઈનાં નાણાં કોણ ભરશે?
આવાસોમાં કોઈ પણ પ્રકારનું એસોસિયેશન બનાવવામાં આવ્યું નથી. અને જે મેન્ટેનન્સનાં નાણાં છે તે વુડા પાસે છે. તેમાં પણ ભવિષ્યમાં થનારા ખર્ચ માટેનું ભંડોળ છે. હાલમાં નાણાં વુડા પાસે છે તો સાફ સફાઈ, સીસીટીવી કેમેરા, નામના બોર્ડ બનાવવા જેવા નાનાં-મોટાં કામો માટે તો પૈસાની જરૂર પડે. તેના માટે રૂા. 300 મેન્ટેનન્સ પેટે લેવામાં આવે છે અને તે તમામ નાણાંનો હિસાબ પણ રાખવામાં આવે છે.
- ધવલ ઠાકોર, પ્રમુખ, બી-9

પાણીની સમસ્યા છે, એટલે કોઈ રહેતું નથી
આવાસોમાં પાણીની ભારે સમસ્યા છે. પાણી લો પ્રેશરથી આવે છે. એટલે જ કોઈ અહીંયાં રહેવા રાજી નથી. વુડાએ નોટિસ આપી એની અમને જાણ નથી કરાઈ. અમને સવારના લોકોના ફોન આવે છે. ભાડુઆતને નોટિસ આપી છે તે યોગ્ય છે. - રમેશ પટેલ, પ્રમુખ, ટાવર બી-7

અન્ય સમાચારો પણ છે...