ભારત સરકારના આયુષ મંત્રાલય અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર-પ્રસાર માટે નવતર અભિગમ અપનાવ્યો છે. દેશમાં પ્રથમ વખત ગુજરાતના 75 સ્થળે યોગાસનોની ડોક્યુમેન્ટરી ફિલ્માવાશે. 35 મિનિટની ડોક્યુમેન્ટરીમાં યોગ કરી શકનાર તમામ લોકોને સામેલ કરાશે. રાજ્યમાંથી 15 હજારથી વધુ લોકો ભાગ લેશે. વિશ્વના 117 દેશમાં આ ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શક લક્ષ્મણ ગુરવાનીએ જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે અને યોગ સાથે સંકળાયેલી કોઈ પણ સંસ્થાના વ્યક્તિઓમાં ભાગ લઈ શકે છે. 18 થી 45 વર્ષ સુધીના લોકોને સામેલ કરાશે. યોગ બોર્ડ દ્વારા આ તમામ લોકોને ડ્રેસ અપાશે. પતંજલિ દ્વારા અલગ ડોક્યુમેન્ટરી પણ તૈયાર થઈ શકે છે.
વડોદરામાં મ.સ. યુનિવર્સિટી, રાજમહેલ, મોતીબાગ, કમાટીબાગ ખાતે 20 થી 22 તારીખ દરમિયાન સવારે 4 થી 12 સુધી રેકોર્ડિંગ કરાશે. દરેક જગ્યાએ અંદાજે બસોથી અઢીસો યોગ સાધકો યોગ ટ્રેનર અને અન્ય સંસ્થાઓના લોકો ભાગ લેશે. શહેરમાંથી 600 ઉપરાંત લોકો આ ડોક્યુમેન્ટરીમાં કામ કરશે. આસન સરળતાથી કરી શકતા હોય અને લચીલું શરીર હોય, ઓછું વજન હોય તો 55 વર્ષ સુધીના લોકોને સામેલ કરવાનું વડોદરાનાં કોર્ડિનેટર ડો.સોનાલીબેન માલવિયા એ જણાવ્યું છે.
દેશની તમામ ભાષાઓમાં ટ્રાન્સલેટ થશે
આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં 35 મિનિટમાં પહેલાં જે તે સ્થળની માહિતી જણાવાશે. ગુજરાતના 75 હિસ્ટોરિકલ પ્લેસની વિશ્વના લોકોને માહિતી મળશે. આ સાથે દેશની તમામ ભાષાઓમાં ટ્રાન્સલેટ કરાશે અને વિશ્વમાં જે દેશમાં દર્શાવવાની છે તેની ભાષામાં પણ ટ્રાન્સલેટ કરવામાં આવશે.
24 મેથી તમામ ચેનલ પર દર્શાવાશે
21 જૂન યોગ દિને ડોક્યુમેન્ટરીમાં કામ કરનાર સાધકો ગુજરાતનાં 75 સ્થળે 1 હજાર લોકો સાથે કાર્યક્રમ કરે તેવું આયોજન છે. ડોક્યુમેન્ટરી 24 મેથી ચેનલો પર દર્શાવાશે.જેમને ભાગ લેવો હોય તે સંપર્ક સાધી શકે છે.> ડો.સોનાલી માલવિયા, કોર્ડિનેટર, રાજ્ય યોગ બોર્ડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.