ગુજરાત વિધાનસભા ચૂંટણી:પ્રજ્ઞાચક્ષુઓ બ્રેઇલ લિપિની મદદથી કરશે મતદાન, શ્રમયોગીઓને સવેતન રજા, દૂધની કોથળીઓ પર મતદાનની અપીલ

વડોદરા3 મહિનો પહેલા
4.91 લાખ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અવશ્ય મતદાન કરે તે માટે સંકલ્પપત્ર ભરાવશે.

' પ્રજ્ઞા ચક્ષુ હોવાથી અમે અગાઉ મતદાન તો કરી શકતા પરંતુ અમારે સહાયક પર નિર્ભર રહેવું પડતું.સહાયક તરીકે મોટાભાગે કુટુંબના સભ્યો રહેતા.પરંતુ ક્યારેક અન્ય લોકોની સહાયક તરીકે મદદ લેવી પડતી.ત્યારે મનમાં ચચરાટ રહેતો કે સહાયકે અમારા કીધા પ્રમાણે ના ઉમેદવારને જ મત આપ્યો હશે ને!! જો કે હવે ઈ.વી.એમ.પર બ્રેઈલ લિપિમાં ઉમેદવારોના ક્રમાંક લખવામાં આવે છે.એટલે અમે સ્વતંત્ર રીતે પસંદગીના ઉમેદવારને વિશ્વાસ સાથે મત આપી શકીએ છે.' આ શબ્દો છે બ્રેઈલ શિક્ષિત પ્રજ્ઞાચક્ષુ વ્યાખ્યાતા યાહ્યા સપાટવાલા અને રાકેશ દવેના.

આ બંને લોકશાહીના અડગ ટેકેદાર મતદારો અંધત્વની પ્રકૃતિદત્ત ખામીથી હતાશ થયા વગર નિયમિત મત આપે છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં તાલીમાર્થી શિક્ષકોને ગુજરાતી અને અન્ય વિષયોનું શિક્ષણ આપતા યાહ્યાભાઈ કહે છે કે 1999 માં વડોદરા આવ્યા પછી મેં મહાનગર પાલિકા, સંસદ અને વિધાનસભા ચૂંટણીઓમાં અવશ્ય મત આપ્યો છે. પહેલા ઉપર જણાવ્યું એ પ્રમાણે અન્યના આધારે મત આપવો પડતો. પરંતુ હવે ભારતના ચૂંટણી પંચે ખૂબ સંવેદના દાખવીને, પ્રત્યેક દિવ્યાંગ મત આપી શકે એવા સંકલ્પ સાથે,અમારા માટે મતદાન સરળ બનાવતી જે સુવિધાઓ આપી છે તેનાથી હવે માત્ર પ્રજ્ઞાચક્ષુ નહિ કોઈપણ દિવ્યાંગ સરળતાથી મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.

યાહયાભાઈને એમની બિલ્ડિંગ ના નિવાસીઓએ જાગૃત નાગરિકનું ઉપનામ આપ્યું છે. યાહ્યાભાઇ જાતે મતદાન કરે છે અને પોતાના પરિવારજનો મત આપે એવો આગ્રહ રાખે છે,તેની સાથે તેઓ મતદાનના દિવસે બિલ્ડિંગમાં ફરીને તમામ પરિવારોને મતદાન કરવા આગ્રહ કરે છે.એટલે પાડોશીઓ અને બિલ્ડિંગમાં અન્ય નિવાસીઓએ એમને 'જાગૃત નાગરિક ' નું ઉપનામ આપ્યું છે. મતદાન મથકમાં બ્રેઈલ લિપિમાં મુદ્રણ ધરાવતું નમૂનાનું મત પત્રક રાખવામાં આવે છે ભારતના ચૂંટણી પંચે પ્રજ્ઞાચક્ષુ મતદારોની સરળતા માટે એક આગવા કદમ રૂપે મતદાન મથકમાં ઉમેદવારના નામ,બેલેટ પર ક્રમાંક ઇત્યાદિનું બ્રેઈલ લિપિમાં મુદ્રણ ધરાવતું નમૂનાનું મત પત્રક રાખવાની સુવિધા કરી છે. બ્રેઈલ શિક્ષિત પ્રજ્ઞાચક્ષુ મતદારો આ મત પત્રકને સ્પર્શીને મનપસંદ ઉમેદવારનો ક્રમાંક જાણી શકે છે. ઈ.વી.એમ.યંત્ર પર બ્રેઈલ લિપિમાં પણ ઉમેદવારના નંબર અંકિત કરવામાં આવે છે.એટલે આંગળીના ટેરવા પાસે આંખોનું કામ લઈને આ મતદારો પસંદગી ના ઉમેદવારના ક્રમાંક સામે ચાંપ દાબીને મત આપી શકે છે. દિવ્યાંગ અને વૃદ્ધ વડીલ,અશક્ત અને સગર્ભા મહિલા મતદારો ને મતદાન મથકે કતારમાં ઉભા ન રાખતા અગ્રતા ક્રમે મતદાન કરાવવા જેવી જોગવાઈઓ છે. એમ.એસ.યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના વ્યાખ્યાતા રાકેશ દવે તો મતદાર ક્રમાંક,વિધાનસભા વિસ્તાર અને તેના નંબરનું બ્રેઈલ લિપિમાં અંકન ધરાવતું મતદાર ઓળખ પત્ર ધરાવે છે. તેઓએ અગાઉ દિવ્યાંગ મતદારો માટે રોલ મોડેલ તરીકે ચૂંટણી પંચને મદદ કરી છે.

ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિની વધુ જરૂર
યાહ્યાભાઈ કહે છે કે શહેરી વિસ્તારના પ્રજ્ઞાચક્ષુ અને અન્ય દિવ્યાંગ મતદારોમાં સારી જાગૃતિ જોવા મળે છે.જો કે દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓ અને સ્વયં સેવકો ગ્રામીણ દિવ્યાંગ મતદારોમાં મતદાન જાગૃતિ કેળવવાનું અને એમનું મતદાન સરળ બનાવવાનું કામ કરે એ ઇચ્છનીય છે.

યાહ્યાભાઈ અને રાકેશભાઈ બંને દિવ્યાંગ મતદારોનું અને 80 વર્ષથી ઉપરના વડીલ મતદારોનું મતદાન સરળ બનાવવા ભારતના ચૂંટણી પંચે સહાયક સહિતની જે જોગવાઈઓ કરી છે એને હૃદયપૂર્વક બિરદાવે છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંકભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે જિલ્લામાં દિવ્યાંગ મતદારો પૈકી 4456 પ્રજ્ઞાચક્ષુ મતદારો છે.તેમના સહિત તમામ દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચના દિશા નિર્દેશો અને જોગવાઈઓ પ્રમાણે હાલમાં સ્વયં સેવકોની તાલીમ સહિત વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.

શ્રમયોગીઓને સવેતન રજા
શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી આગામી તા. 5 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આ માટે વડોદરા શહેર જિલ્લાના જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-2019 હેઠળ નોંધણી થયેલ શ્રમયોગીઓ, કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજૂર કરવાની રહેશે. કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. આ જોગવાઈ અનુસાર રોજમદાર, કેજ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકદાર રહેશે. આ અંગે જો કોઈ માલિક જોગવાઈ વિરૂધ્ધ વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર થશે.

દૂધની થેલી થકી રોજ સાડા પાંચ લાખ ઘરોમાં મતદાન જાગૃતિનો સંદેશો જશે
ગુજરાત વિધાનસભાની વર્તમાન સામાન્ય ચૂંટણીમાં વડોદરા શહેર અને જિલ્લામાં મહત્તમ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદરવામાં આવેલા જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે બરોડા ડેરી દ્વારા દૂધના પાઉચ ઉપર અવસર અભિયાનના લોગો પ્રિન્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. પ્રતિદિન સાડા પાંચ લાખ ઘરોમાં મતદાન કરવા માટેનો સંદેશો પહોંચતો થશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરની સૂચનાના પગલે અવસર (ઓલ વોટર્સ સ્પિરિટેડ, અવેર એન્ડ રિસ્પોન્સીબલ) અભિયાનના નોડેલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ જિલ્લા સહકાર વિભાગ અને બરોડના ડેરીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તેમાં આ અભિયાનને ઘરઘર સુધી પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી હતી.

જેના ભાગ રૂપે 500થી પણ વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ચૂંટણી તંત્ર દ્વારા સમજૂતી કરારો કરી મતદાન કરવા અને કરાવવા માટે અભિયાનમાં જોડવવાનું નિયત કરવામાં આવ્યું હતું.

મતદાન કરી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવાનો સંદેશો ઘરઘર સુધી પહોંચાડવા માટે બરોડા ડેરી દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ડેરી દ્વારા દૂધના પાઉચમાં અવસરના લોગો પ્રિન્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. બરોડા ડેરી દ્વારા પ્રતિદિન સાડા પાંચ લાખ પાઉચ દૂધનું વિતરણ કરવામાં આવે છે. એનો મતલબ એ કે રોજના આટલા ઘરો સુધી મતદાન કરવાનો સંદેશો જશે. વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત છોટા ઉદેપુર તથા તિલકવાડા સુધી બરોડા ડેરીના દૂધનું વિતરણ કરવામાં આવે છે. પ્રતિદિન 140થી જેટલા મિલ્ક કેરિયર દ્વારા આટલા વિસ્તારને આવરી લેવામાં આવે છે.

4.91 લાખ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અવશ્ય મતદાન કરે તે માટે સંકલ્પપત્ર ભરાવશે
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે.વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તા.5.12.2022 ના રોજ અને મતગણતરી તા.8.12.2022 ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરના સીધા માર્ગદર્શન હેઠળ સ્વિપના નોડલ અધિકારી રાકેશ વ્યાસ અને તેમની ટીમ દ્વારા વડોદરા શહેર જિલ્લાની દસ બેઠકો પર મહત્તમ મતદાન થાય તે માટે સ્વિપ હેઠળ વિવિધ મતદાન અને મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

વડોદરા શહેર જિલ્લામાં પ્રાથમિક શાળાના 1,31,195 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 2,14,928 અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના 1,45,970 સહિત કુલ 4,91,893 વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ પાસેથી આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કુટુંબના બધા જ મતદારો અવશ્ય મતદાન કરે તે માટે સંકલ્પપત્ર ભરાવશે.

હાલમાં વિદ્યાર્થીઓને આ સંકલ્પ પત્રો આપવામાં આવી રહ્યાં છે જે વાલીઓ પાસે ભરાવીને એમની સહી સાથે શાળાઓને પરત કરશે. આ ઉપરાંત શહેર જિલ્લામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી,સાયકલ રેલી,ચિત્ર સ્પર્ધા દ્વારા મતદાર જાગૃતિ અંગેનો વ્યાપક સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે.