વડોદરા આવૃતિ 19માં વર્ષમાં મંગલપ્રવેશ કરશે:વડોદરાવાસીઓની સુખાકારી અને સમૃધ્ધિ માટે દિવ્યભાસ્કરે શ્રી ધન્વંતરિ વિષ્ણુયાગનું આયોજન કર્યું

19 દિવસ પહેલા
  • મહાયજ્ઞમાં 51 વિદ્વાન ભૂદેવો દ્વારા 18 વિશેષ હુતદ્રવ્યથી 21 ફુટના વિશાળ કુંડ સહિત 11 યજ્ઞ કુંડમાં તમામ દર્શનાર્થીઓને સ્વહસ્તે આહુતિ આપવાનો અવસર પ્રાપ્ત થશે.

દિવ્યભાસ્કરની વડોદરા આવૃત્તિ 12 સપ્ટેમ્બરના રોજ 18 વર્ષ પૂર્ણ કરીને 19માં વર્ષમાં મંગલપ્રવેશ કરી રહી છે. આ પ્રસંગે વડોદરાવાસીઓની સુખાકારી, સમૃધ્ધિ અને સ્વાસ્થ્ય માટે દિવ્યભાસ્કરે ખાસ આયોજન કર્યું છે. તારીખ 11 સપ્ટેમ્બર,રવિવારના રોજ સુભાનપુરા ઝાંસીની રાણી મેદાન ખાતે સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન શ્રી ધન્વંતરિ વિષ્ણુયાગનું આયોજન કર્યું છે. આ મહાયજ્ઞમાં 51 વિદ્વાન ભૂદેવો દ્વારા 18 વિશેષ હુતદ્રવ્યથી 21 ફુટના વિશાળ કુંડ સહિત 11 યજ્ઞ કુંડમાં તમામ દર્શનાર્થીઓને સ્વહસ્તે આહુતિ આપવાનો અવસર પ્રાપ્ત થશે.

આ શુભ પ્રસંગે બીએપીએસ અટલાદરાના જ્ઞાનવત્સલ સ્વામી, વ્રજધામ સંકુલના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય ગોસ્વામી વ્રજરાજકુમાર મહારાજ,માંડવી કલ્યાણરાયજી હવેલીના ષષ્ઠપીઠાધીશ્વર દ્વારકેશલાલજી મહારાજ, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા સહિતના સંતો-મહંતો દ્વારા વડોદરાવાસીઓને દિવ્યભાસ્કર દ્વારા આયોજીત શ્રી ધન્વંતરિ વિષ્ણુયાગમાં આહુતી આપવા માટે અપીલ કરી છે. ઉપરાંત આ તમામ સંતો-મહંતો મહાયજ્ઞમાં જાતે આહુતી આપવા માટે પણ પધારશે.

દિવ્યભાસ્કર આયોજીત શ્રી ધન્વંતરિ વિષ્ણુયાગમાં ઈસ્કોન મંદિર, ગાયત્રી પરિવાર, બ્રહ્માકુમારીના ભાઈઓ-બહેનો,સ્વાધ્યાય પરિવાર, અખીલ ભારતીય સંત સમિતિ હેઠળની હિંદુ ધર્મ સેનાના કાર્યકરો, વડતાલ સ્વામિનારાયણના હરિભક્તો,વિવિધ વિસ્તારની મહિલાઓની ભજન મંડળી તેમજ ગણેશ મંડળોના આયોજકો મળીને 10 થી વધુ વિવિધ સંપ્રદાયો અને 20થી વધુ સંસ્થા,મંડળોના 10 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે.

ઝાંસીની રાણી મેદાન ખાતે આયોજીત મહાયજ્ઞમાં જોડાનાર તમામ શહેરીજનો 21 ફુટના વિશાળ યજ્ઞકુંડમાં જાતે આહુતી આપીને પ્રદક્ષિણા ફરીને ધન્યતા પ્રાપ્ત કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...