ભાસ્કરે ફરી પત્રકારત્વ ધર્મ નિભાવ્યો:વડોદરામાં વિધર્મી યુવકનો શિકાર બનેલી યુવતીના પિતાએ કહ્યુંઃ 'દિવ્ય ભાસ્કર ડિજિટલે સત્યને ઉજાગર કર્યું, હું તેમનો આભાર માનુ છું'

વડોદરાએક મહિનો પહેલા
  • તમારી દીકરી સાથે પણ આવી ઘટના બની હોય તો તમે તેને ઉજાગર કરોઃ પીડિતાના પિતા

વડોદરાના છાણી વિસ્તારમાં વિધર્મી યુવક દ્વારા એક બિલ્ડરની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરી અને તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. વિધર્મી યુવકે યુવતીને બ્લેડના 500 ઘા મારવા સુધી મજબૂર કરી દીધી હતી. આ કેસમાં બે પોલીસ કર્મીઓએ પણ વિધર્મી યુવક સામે કાર્યવાહી કરવાના બદલે ફરજમાં બેદરકારી દર્શાવી હતી. જેથી બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને દિવ્યભાસ્કર ડિજિટલ દ્વારા સમાજ સમક્ષ રાખવામાં આવતા લોકો માટે આ કિસ્સો આંખ ઉઘાડનારો બન્યો છે, ત્યારે પીડિતાના પિતાએ આ અહેવાલ પ્રસારિત કરવા બદલ દિવ્યભાસ્કર ડિજિટલનો આભાર માન્યો છે.

દિવ્ય ભાસ્કરે સત્યને ઉજાગર કર્યું
પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, દિવ્ય ભાસ્કર ડિજિટલ તરફથી મને ખુબ સાથ સહકાર મળ્યો છે, ખુબ મદદ મળી છે. હું દિવ્ય ભાસ્કર ડિજિટલ ટીમનો આભાર વ્યક્ત કરું છું. તમે અહેવાલ પ્રસારિત કરી અને સમાજ સમક્ષ સત્યને ઉજાગર કર્યું છે. ઘણા મુદ્દાઓને તમે ઉજાગર કર્યાં છે. હું દરેક મા-બાપને વિનંતી કરું છું કે, જો તમારી દીકરી આવી ઘટનાનો ભોગ બની હોય તો તમે સમાજનો અને આબરૂ જવાનો ડર રાખ્યા વગર સામે આવો અને તમારી સાથે જો આવી ઘટના બની હોય તો તેને ઉજાગર કરો. જેથી સમાજમાં અન્ય દીકરીઓ સાથે થતો અન્યાય પણ અટકે. જો કોઇના ડરથી તમે દબાઈ રહેશો તો તમારે વધારે દુઃખ ભોગવવુ પડશે. તમે ઉજાગર કરશો તો તમે તે દુઃખમાંથી બહાર નીકળી શકશો. તેવી સર્વે નાગરિકોને મારી વિનંતી છે.

વિધર્મી યુવકનો શિકાર બનેલી યુવતીના પિતા.
વિધર્મી યુવકનો શિકાર બનેલી યુવતીના પિતા.

ધો-10 નાપાસ સેલ્વિન પરમારે ફાંકા ઠોકી દીકરીને ફસાવી હતી
પોતાની દીકરી પર થયેલા અત્યાચારને દિવ્ય ભાસ્કર સમક્ષ વર્ણવતાં તેમણે કહ્યું હતું કે મારી દીકરી 2019માં MS યુનિવર્સિટીમાં થર્ડ LLBમાં ભણતી હતી. એ સમયે 10મું ફેલ વિધર્મી યુવક સેલ્વિન પાઉલ પરમારે તેને પ્રેમજાળમાં ફસાવી. સેલ્વિનનાં કપડાં અને ચપ્પલ પહેરવાનાં પણ ઠેકાણાં નહોતાં, પરંતુ પોતે 250 કરોડની સંપત્તિનો માલિક છે અને ફેક્ટરી, રેતીની લીઝો, પેટ્રોલ પંપ છે એમ કહીને મારી દીકરી પ્રિયંકાને (બદલેલું નામ) ભોળવી હતી.

હોટલમાં લઈ જઈ અંગત પળોનો વીડિયો બનાવ્યો
થોડીક મુલાકાતો આકર્ષણમાં પલટાઈ ને સેલ્વિન મારી દીકરી પ્રિયંકાને એક હોટલમાં લઇ ગયો. ત્યાં તેની સાથે માણેલી અંગત પળોનો વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ સેલ્વિને પ્રિયંકાને એટલી હદે વશમાં કરી હતી કે તે પ્રિયંકાને તેના હાથ પર બ્લેડથી 30 કાપા મારી તેનો વીડિયો બનાવી મોકલી આપવા વિવશ કરતો હતો. હદ તો ત્યારે થઈ, જ્યારે પ્રિયંકાને તે શરીર પર 200 કાપા તો ક્યારેક બ્લેડના 400 કાપા મારવા પડશે અને તેના ફોટો મોકલવા પડશે એ રીતે મજબૂર કરતો. આ અંગેની તમામ વ્હોટ્સએપ ચેટ પણ અમારી પાસે છે.

ડોક્ટરે કહ્યું: તમારી દીકરી તો આખા શરીરે ચીરાઈ ગઈ છે
જ્યારે પ્રિયંકા સેલ્વિનના અત્યાચાર સહન ન કરી શકી, ત્યારે તેને શહેરના એક જાણીતા મનોચિકિત્સક પાસે સારવાર માટે લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરે જ્યારે તેનું કાઉન્સેલિંગ કર્યું, ત્યારે તેણે પોતાના શરીર પર રહેલા બ્લેડના ઘા બતાવ્યા. આ જોઇ ડોક્ટર પણ ડઘાઇ ગયા હતા અને અમને કહ્યું કે તમારી દીકરી તો આખા શરીરે ચીરાઈ ગઈ છે, ત્યારે અમને જાણ થઇ કે પ્રિયંકાની હાલત અમારાથી તો જોઇ શકાય એવી પણ ન હતી. પ્રિંયકા હાથે આખી બાયનાં કપડાં પહેરી રાખતી, જેથી અમને આ અંગે જાણ જ ન થવા દીધી.

વિધર્મી યુવકે યુવતીને બ્લેડના 500 ઘા મારવા સુધી મજબૂર કરી દીધી હતી.
વિધર્મી યુવકે યુવતીને બ્લેડના 500 ઘા મારવા સુધી મજબૂર કરી દીધી હતી.

સેલ્વિને મારી દીકરીને ભગાડીને લગ્ન કર્યા
સેલ્વિને પ્રિયંકાને એવી વશમાં કરી લીધી હતી કે તે તેનું કહ્યું માનતી હતી. સેલ્વિન પ્રિયંકાને સપ્ટેમ્બર 2019માં ભગાડી ગયો અને તેની સાથે આણંદ લઇ જઇ લગ્ન કરી લીધા. સેલ્વિન જ્યારે અમારી દીકરીને ભગાડી ગયો ત્યારે અમે ઘરમાં એક શુભ પ્રસંગ લઇને બેઠા હતા, જેથી અમે તેની સામે તાત્કાલિક ફરિયાદ પણ કરી શકીએ એમ ન હતા. શુભ પ્રસંગ પૂર્ણ થયા બાદ અને સેલ્વિન-પ્રિયંકાના લવ-મેરેજના થોડા મહિના બાદ અમને તેમના પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે પ્રિયંકા સાથે મારઝૂડ થાય છે અને માંસાહાર કરવા દબાણ કરવામાં આવે છે તેમજ મજૂરની જેમ કામ કરાવવામાં આવે છે.

પોલીસે કહ્યું: તમારી દીકરીને ઘરે લાવીને શું કરશો?
પ્રિયંકાના પિતાએ પોતાની દર્દનાક હકીકતને આગળ વધારતાં કહ્યું હતું કે દીકરીની આવી હાલત જોઇ ન શકતાં અમે ઓગસ્ટ 2021માં પોલીસની SHE ટીમનો સંપર્ક કર્યો હતો, જેથી અમારા ઘરે છાણી પોલીસ સ્ટેશનથી SHE ટીમ આવી હતી, જેમાં એક નોયલ સોલંકી નામનો પોલીસકર્મી પણ હતો. નોયલે અમારી સાથે વાતચીત કર્યા બાદ દૂર જઇ સામેના યુવક સાથે ફોન પર વાત કરી હતી. એ પછી નોયલે અમારી સાથે ચર્ચા દરમિયાન મને પૂછ્યું કે તમારી દીકરીને તમારે ઘરે પાછી લાવીને તમે શું કરવા માગો છો? હકકીતમાં તો SHE ટીમના સભ્ય તરીકે અમને આવા સવાલ પૂછવા આવકારદાયક નથી.

પોલીસકર્મીએ ઇશારાથી રૂ. 5 હજારની માગણી કરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નોયલે તે રાત્રે અમારી સાથે વાત કરી અને ચર્ચા દરમિયાન તેણે હાથના ઇશારાથી પાંચ હજાર માગ્યા. હું આ ઈશારો સમજી જતાં પોલીસ જીપની પાસે જઇ તેને આપ્યા અને તેણે રૂપિયા ગાડીમાં મૂકવા ઇશારો કર્યો. મેં રૂપિયા ગાડીની સીટ પર મૂક્યા હતા. ગાડીમાં આ રૂપિયા મૂક્યા એના CCTV પણ અમારી પાસે છે. નોયલ અને સેલ્વિન એક જ ધર્મના હોવાથી અમને તેની કામગીરી પર શંકા ઊપજી હતી, જેથી SHE ટીમના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરતાં તેમણે મારી દીકરીનું કાઉન્સેલિંગ કરાવ્યું. આખરે દીકરી અમારા ઘરે પરત આવી હતી અને સેલ્વિને ગુજારેલા અત્યાચારની વાત કરી. એ અંગે તેની વિરુદ્ધ સપ્ટેમ્બર 2021માં છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી સેલ્વીન અને સસ્પેન્ડેડ પોલીસકર્મી નોયલ સોલંકી.
આરોપી સેલ્વીન અને સસ્પેન્ડેડ પોલીસકર્મી નોયલ સોલંકી.

નોયલની કામગીરી શંકાસ્પદ નીકળતાં સસ્પેન્ડ
નોયલ સામે પ્રિયંકાના પિતાએ છેક વડાપ્રધાન કાર્યાલયમાં અરજી આપી હતી. જેથી વડાપ્રધાન કાર્યાલયથી પણ અમને યોગ્ય ન્યાય મળે એ દિશામાં કાર્યવાહી થશે એવો પ્રત્યુત્તર મળ્યો હતો, સાથે જ તેની શંકાસ્પદ કામગીરી અંગે તપાસ કરવા તેમજ રૂપિયા લીધાના CCTV ફૂટેજ પણ આપ્યા હતા. આ અંગે વડોદરાના DCP ઝોન-2 અભય સોનીની તપાસમાં જણાયું હતું કે નોયલની કામગીરી શંકાસ્પદ હતી તેમજ તેની સાથે છાણીનો કોન્સ્ટેબલ સંજયકુમાર પણ ગયો હતો. જેની નોકરી SHE ટીમમાં ન હોવા છતાં બિલ્ડરના ઘરે પોલીસની ગાડીમાં ગયો હતો, જેથી નોયલ અને સંજયકુમારને ગત 22 જૂન 2022ના રોજ સસ્પેન્ડ કરી દેવાયા છે.

દીકરીને અમેરિકા મોકલી, હવે તેને પાછા આવવું જ નથી
પોતાના ઘરે પરત લાવ્યા બાદ પિતાએ દીકરીના સારા ભવિષ્ય માટે અમેરિકા ઉચ્ચ અભ્યાસ માટે મોકલી દીધી છે. યુવતીના પિતાના જણાવ્યા અનુસાર, અમારે દીકરી સાથે ફોન પર નિયમિત વાત થાય છે અને અમારી દીકરી કહે છે કે હવે હું ભારત પરત ફરવા માગતી નથી. અમે પણ તેને પાછી બોલાવવા માગતા જ નથી. કદાચ અમારી દીકરીના ભવિષ્ય માટે એ જ સારું રહેશે કે તે હવે ભારત પાછી આવે જ નહીં.

અન્ય સમાચારો પણ છે...