હાઇવે ઉપરથી પસાર થતા લોખંડના સળીયા ભરેલા ટ્રેલરોમાંથી લાખો રૂપિયાના સળીયાની ચોરીમાં બાપોદ પોલીસે ભીનું સંકેલ્યું હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ જિલ્લા પોલીસ પણ આ મામલે વિવાદમાં આવી છે.
27મેએ જિલ્લા પોલીસે વાઘોડિયા પોલીસની હદના સિકંદરપુરાના રસ્તે રાત્રે લોખંડના સળીયા ભરેલા ટ્રેલરમાંથી સળીયા ખેંચતા 3ને પકડી કાર્યવાહીની શરૂ કરી હતી. ગુનાની જગ્યા બાપોદ પોલીસ મથકમાં અને જિલ્લા પોલીસની હદ 45 ફૂટ દુરથી શરૂ થતી હોવાનું લાગતા જિલ્લા કંટ્રોલને જાણ કરી શહેર કંટ્રોલને સળીયા ચોરીની જાણકારી આપવા જણાવ્યું હતું. જિલ્લા પોલીસ કંટ્રોલે ફેકસ કરી સિટી પોલીસને જાણ કરી હતી.
ટીમ ટ્રેલર અને ચાલક રાયમલ મદરામ જાટ રહે. રાજસ્થાન, ક્લીનર ગનારામ જાટને લઈ બાપોદ પોલીસ મથકે ગયા હતા. જ્યાં જિલ્લા પોલીસે 4 કલાક રાહ જોવા છતાં કેસના કાગળો સ્વીકારાયા ન હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આવતાં કાર્યવાહી માટે કાગળો સ્વીકાર્યા હતા. જિલ્લા પોલીસે રંગેહાથે સળીયા ચોરતા ઝડપ્યા હોવાનું સ્પષ્ટ હોવા છતાં બાપોદ પોલીસે કહેવાતા મેનેજરનો જવાબ લઈ ટ્રેલર અને ઈસમોને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરીને છોડતાં બાપોદ પોલીસે ભીનું સંકેલ્યું હોવાની શંકા છે. જો કે જિલ્લા પોલીસે 4 કલાકની રાહ જોતાં તેમની સામે પણ શંકા ઉપજી છે.
સમખ્યાડીથી દહેજ જતું ટ્રેલર સિકંદરપુરા પાસે કેવી રીતે પહોચ્યું?
બાપોદ પોલીસ મથકે ટ્રાન્સપોર્ટ કંપનીના કહેવાતા મેનેજર દેવરામ જાટે નોંધાવેલા નિવેદનમાં જણાવ્યું છે કે, ટ્રેલરમાં ડીઝલ પુરાવા ટ્રેલર હાઇવેથી અંદર બે કિલોમીટર ગયું હતું. ખરેખર હાઇવે ઉપર અસંખ્ય પેટ્રોલ પંપ છે તો પણ એ હાઇવે છોડી અંતરિયાળ માર્ગ ઉપર કેમ ગયું? એ સમયે કેટલું ડીઝલ ટ્રેલરમાં હતું? એની તપાસ કરી શંકાસ્પદ ચોરીની ફરિયાદ 41 (1)ડી હેઠળ કાર્યવાહી નહી કરતા મામલો ગરમાયો છે.
જિલ્લાની હદમાં ચાલતું સળિયાચોરીનું કૌભાંડ બંધ થતાં ચોરો શહેરની હદમાં આવવા લાગ્યા
વરણામા-પોર વચ્ચેની ખાલસા હોટેલ ઉપર ટ્રેલરમાંથી લોખંડના સળીયા કાઢી ચોરવાનંુ કૌભાંડ લાંબા સમયથી ચાલતું હતું. વિવાદ થતાં એલસીબીના બધાજ સ્ટાફની બદલીઓ થતાં એ જગ્યાએ ચોરીઓ બંધ થતાં હવે હાઇવેની આસપાસ શહેર પોલીસની હદમાં આવી પ્રવૃ્ત્તિઓ શરૂ થઈ છે. જેની હદનો ખ્યાલ નહિ આવતા જિલ્લા પોલીસે ટ્રેલર ઝડપ્યું હતું પરંતુ બાપોદ પોલીસે ભીનું સંકેલી લીધું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.