• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Dispute Between Two Groups Over The Throne Of Haridham Sokhada Temple Premswarup Swami And Prabodh Swami Clarifies That No Meeting Was Held To Decide The Heir

ગાદીપતિનો વિવાદ:હરિધામ સોખડા મંદિરની ગાદીને લઇને બે જૂથ વચ્ચે વિવાદ, વારસદાર નક્કી કરવા કોઇ બેઠક યોજાઇ ન હોવાની પ્રેમસ્વરૂપ સ્વામી-પ્રબોધ સ્વામીની સ્પષ્ટતા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હરિપ્રસાદસ્વામીના અક્ષરવાસી થયા બાદ ગાદી માટે બે જૂથ વચ્ચે ખેંચતાણને લઇને વિવાદ થયો હોવાનું બહાર આવ્યું - Divya Bhaskar
હરિપ્રસાદસ્વામીના અક્ષરવાસી થયા બાદ ગાદી માટે બે જૂથ વચ્ચે ખેંચતાણને લઇને વિવાદ થયો હોવાનું બહાર આવ્યું
  • અક્ષરનિવાસી હરિપ્રસાદ સ્વામીના દ્વિમાસિક સ્મૃતિદિને હરિભક્તો હરિધામ મંદિરમાં પહોંચ્યા હતા
  • હરિધામ સોખડા મંદિરના સુકાન બાબતે હરિભક્તોએ લાગણી વ્યક્ત કરીહતી

યોગી ડીવાઇન સંસ્થાના સ્થાપક હરિપ્રસાદસ્વામીના અક્ષરવાસી થયા બાદ ગાદી માટે બે જૂથ વચ્ચે ખેંચતાણને લઇને વિવાદ થયો હોવાનું બહાર આવ્યું હતું. જોકે, આ બાબતે સ્પષ્ટતા કરતાં હરિધામ મંદિરમાંથી પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધજીવન સ્વામીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, યોગી ડિવાઇન સોસાયટીના અધિષ્ઠાતા હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો અક્ષરધામગમન બાદ વારસદાર નક્કી કરવા કોઇ જ બેઠકનું આયોજન કરવામાં આવ્યું નહોતું. 26 સપ્ટેમ્બરે હરિપ્રસાદ સ્વામી મહારાજના અંતર્ધાન થયાનો દ્વિમાસિક સ્મૃતિદિન હોવાથી તેની પૂર્વસંધ્યાએ સ્મૃતિસ્થાને શાંતિથી દર્શન-ભજન થઈ શકે તે માટે કેટલાક ભક્તો એક દિવસ અગાઉ હરિધામ પહોંચ્યા હતા. ઉપસ્થિત ભક્તોમાંથી કેટલાક આગેવાન હરિભક્તોએ હરિધામ પરંપરાના ગાદીપતિ બાબતે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જેને વડીલ સંતો-હરિસ્મક્તોની ઉપસ્થિતિમાં સાંભળવામાં આવી હતી. આ નિવેદનમાં આગળ જણાવાયું છે કે, હરિપ્રસાદ સ્વામીજી મહારાજે 50 વર્ષ પહેલાં યુગકાર્યની શરૂઆત કરી હતી. તેથી સ્વાભાવિક રીતે જ દેશ-વિદેશમાં બહોળો ભક્ત સમુદાય છે. સ્વામીજીની આજ્ઞાથી સંતો વિવિધ વિસ્તારો-પ્રદેશો-દેશોમાં વિચરણમાં જતા હોવાથી ત્યાંના ભકતોને તેમના પ્રત્યે વિશિષ્ટ લાગણી હોય શકે છે. ભક્તો કોઇપણ પ્રસંગે એકત્ર થાય ત્યારે ઉચ્ચ સ્વરે 'સ્વામિનારાયણ' મહામંત્રની ધૂન કરીને કાર્યમાં પ્રભુની કૃપા માટે પ્રાર્થના કરે તે સંપ્રદાયની પ્રણાલિકા છે. એ પ્રમાણે 25 સપ્ટેમ્બરે સાંજે પહેલાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કર્યા બાદ કેટલાક ભક્તોએ વડીલો પાસે પોતાની વાત મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ ભક્તોએ વિવેકપૂર્વક રજૂ કરેલી લાગણી વડીલ સંતોએ શાંતિથી સાંભળી છે. હરિધામ પરંપરાના સૂત્રધારનો નિર્ણય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જીવનપર્યંત આપેલા આત્મીયતા તેમજ સંપ, સુહૃદભાવ, એકતા અને દાસત્વના ઉપદેશને દ્રષ્ટિમાં રાખીને જ કરવામાં આવશે તે સ્પષ્ટ છે. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં દિવ્ય અસ્થિને સ્વામિનારાયણ પરંપરાનાં પ્રાસાદિક સ્થળો ગઢડા, ગોંડલ, ચાણોદ, જુનાગઢ તેમજ હરિદ્વાર-ઋષિકેશ ખાતે વિસર્જિત કરવામાં આવનાર છે.

તમામ ભક્તોને આ દિવ્ય પ્રસંગનો સારી રીતે લાભ મળે તે પ્રકારનાં આયોજન માટે વિચાર વિમર્શ કરવાના હેતુથી 26 સપ્ટેમ્બરે સાંજે કાર્યકર્તાઓની એક બેઠક રાખવામાં આવી હતી. ભારે વરસાદની આગાહીને કારણે આ બેઠક મુલતવી રાખવામાં આવી છે. હરિધામના સૂત્રધારની વરણીનો કોઈ જ કાર્યક્રમ રાખવામાં આવ્યો નહોતો. તેવું આ નિવેદનના અંતમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...