વડોદરા / ભારે વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા

X

  • શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 08:14 PM IST

વડોદરા. છેલ્લા એક સપ્તાહના અસહ્ય ઉકળાટ બાદ આજે સાંજથી વડોદરા શહેર-જિલ્લામાં ધમાકેદાર મેઘસવારીનું આગમન થયું હતું. ગાજવીજ સાથે શરૂ થયેલા ભારે વરસાદથી શહેર-જિલ્લાના લોકો ખુશખુશાલ થઇ ગયા હતા. આ સાથે લોકોએ ઉકળાટથી રાહત અનુભવી હતી. ભારે વરસાદને પગલે વડોદરા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. ધમાકેદાર વરસાદની પહેલી સવારીમાં જ પાલિકાના પ્રિ-મોન્સુન કામગીરીના દાવા પોકળ સાબિત થઇ ગયા હતા.

વહેલી સવારે છૂટાછવાયા વરસાદ બાદ સાંજે ધમાકેદાર વરસાદ પડ્યો
મંગળવારે વહેલી સવારે શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારબાદ વરસાદ બંધ થઇ ગયો હતો. વરસાદ બંધ થયા બાદ વધી ગયેલા ઉકળાટથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. અને મેઘાને વરસવા માટે માટે પ્રાર્થના કરી રહ્યા હતા. દરમિયાન સાંજે મેઘરાજાની સવારી વાજતે-ગાજતે આવી પહોંચી હતી. ધમાકેદાર મેઘ સવારીને માણવા માટે લોકો પોળો, સોસાયટીઓ અને માર્ગો ઉપર નીકળી ગયા હતા. 

માર્ગો ઉપર પાણી ભરાઇ જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
પ્રચંડ ગાજવીજ સાથે વરસેલા ભારે વરસાદને પગલે વડોદરા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરીજનોને પ્રથમ વરસાદથી જ કોર્પોરેશનની નિષ્ફળ પ્રિ-મોન્સુન કામગીરીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. શહેરના માર્ગો ઉપર પાણી ભરાઇ જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. અનેક લોકોના વાહનો પાણીમાં ગરક થઇ ગયા હતા. 

વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ 
વડોદરા શહેરની સાથે જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળ્યા છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ ધમાકેદાર આવી પહોંચેલી મેઘસવારીથી ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા હતા. તાલુકા મથકોમાં પણ લોકોએ મેઘોની સવારીને વધાવી આનંદ લૂંટ્યો હતો. આ સાથે ગ્રામ્યજનોએ ઉકળાટમાં પણ રાહત અનુભવી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી