કોરોનાએ ટ્રેન્ડ બદલ્યો:ખાનગી સ્કૂલોથી મોહભંગ,સરકારી શાળામાં રેકર્ડબ્રેક 5,305 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો

વડોદરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
છેલ્લા 5 વર્ષમાં ખાનગીમાંથી સમિતિની શાળામાં આવેલા વિદ્યાર્થીઓ - Divya Bhaskar
છેલ્લા 5 વર્ષમાં ખાનગીમાંથી સમિતિની શાળામાં આવેલા વિદ્યાર્થીઓ
 • તગડી ફીનાં ઉઘરાણાં માટે થતી દાદાગીરીથી વાલીઓ કંટાળ્યાનું અનુમાન
 • ગત વર્ષ કરતાં વધુ 4491 વિદ્યાર્થીઓની ખાનગી સ્કૂલને તિલાંજલિ: ધો.1માં પણ પ્રવેશ લેનારાની સંખ્યા વધી

કોરોનાકાળ બાદ ખાનગીમાંથી સરકારી સ્કૂલ તરફ વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે રેર્કડ બ્રેક 5305 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ગત વર્ષે માત્ર 814 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. ધોરણ 1 માં પણ નવા પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યા 4684 પહોંચી છે. સમિતિની શાળામાં કુલ 4 હજાર વિદ્યાર્થીઓનો વધારો થયો છે. ખાનગી સ્કૂલોમાં વસીુલાતી તગડી ફીને લઇને વાલીઓનો ઝુકાવ હવે સરકારી શાળાઓ તરફ વધી રહ્યો હોવાનું આંકડાઓ પરથી ફલિત થઇ રહ્યું છે.

કોરોના કાળમાં આર્થિક ભીંસ અને ખાનગી સ્કૂલોની ફી માટેની દાદાગીરી વચ્ચે શિક્ષણ સમિતિની સ્કૂલોમાં 5305 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. ગત વર્ષે માત્ર 814 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો હતો હતો. ગત વર્ષ કરતાં 4491 વધુ વિદ્યાર્થીએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. કોરોના મહામારીના કારણે ખાનગી શાળા સંચાલકો દ્વારા ઓનલાઇન શિક્ષણ અપાતું હોવા છતાં વાલીઓ પાસે ફી ના નામે લૂંટ ચલાવાઇ રહી છે.

બીજી તરફ શિક્ષણ સમિતિની શાળાઓએ પણ ખાનગી સ્કૂલોને ટક્કર આપે તે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો છે. જેના કારણે દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક ખાનગી સ્કૂલમાંથી ધોરણ 2 થી 8 માં 5305 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ધોરણ 1 માં નવા પ્રવેશનો આંકડો અત્યાર સુધીમાં 4684 પહોંચ્યો છે. ગત વર્ષે 3319 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો હતો. ચાલુ વર્ષે શિક્ષણ સમિતિમાં ધોરણ 1 માં 1365 વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. સમિતિની શાળામાં કુલ વિદ્યાર્થીની સંખ્યા 34712 પહોંચી છે.

સરકારી સ્કૂલોમાં કઇ કઈ સુિવધાઓ

 • દરેક સ્કૂલમાં 50% સ્માર્ટ કલાસ
 • કોમ્પ્યુટર લેબોરેટરી જેમાં તમામ સોફટવેર ઉપલબ્ધ છે
 • 90% સ્કૂલમાં કોમ્પ્યુટર લેબોરેટરી
 • સ્કૂલોના અત્યાઅાધુનિક બિલ્ડિંગ
 • દરેક સ્કૂલ ફાયર સેફટીની સુવિધાથી સજ્જ છે
 • સ્માર્ટ કલાસમાં ઓડિયો-વીઝયુઅલ પ્રેઝન્ટેશન
 • તમામ સ્કૂલોમાં આરઓનું પાણી
 • તમામ બાળકોને પુસ્તકો, ચોપડા, વોટરબેગ,સ્કૂલ યુનિફોર્મ, શૈક્ષણિક કિટ જેમાં પેન,કંપાસ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે

શિક્ષણની ગુણવત્તા અને સ્માર્ટ ક્લાસ વાલીઓને આકર્ષી રહ્યા છે
શિક્ષણ સમિતિની શાળામાં ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવા સ્માર્ટ કલાસ વાલીઓને આકર્ષી રહ્યા છે. 90 ટકા સ્કૂલોમાં લેબ છે. - ધમેન્દ્રસિંહ ચુડાસમા,શાસનાધિકારી

ખાનગીમાં કોઇ ધ્યાન આપતંુ ન હતું
પરિવારના 4 છોકરાની ખાનગી સ્કૂલમાં ફી મહિને 2 હજાર જેટલી થતી હતી છતાં અભ્યાસમાં પણ ધ્યાન આપવામાં આવતું ના હતું. - સુરેશ માળી, વાલી

અન્ય ખર્ચ પણ પોસાતા ન હતા
​​​​​​​ મારી પુત્રી ખાનગી સ્કૂલમાં જતી હતી જયાં ફી સિવાય અન્ય ખર્ચા વધી જતા હતા. સરકારી સ્કૂલમાં સારા શિ્ક્ષણ સામે તમામ વસ્તુઓ ફ્રી મળી રહી છે.- સુફીયા પઠાણ , વાલી

અન્ય સમાચારો પણ છે...