રાજકારણ:નારાજ 125 કાર્યકરોને શિક્ષણ સમિતિના 12 હોદ્દાની લોલીપોપ, ભાજપે ડેમેજ કંટ્રોલના નામે વચનોનો લહાણી શરૂ કરી

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે ફોર્મ પાછી લેવાની છેલ્લી તારીખ, ચિત્ર સ્પષ્ટ થશે

પાલિકાની ચૂંટણીમાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ બળવો કરતા ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો ભાજપના આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેમાં શિક્ષણ સમિતિની 12 બેઠક માટે 125 જેટલા કાર્યકર્તાઓ ને શિક્ષણ સમિતિના સભ્ય બનાવવાની લાલચ આપી હોવાનું બહાર આવ્યું છે. ટિકિટ ભલે ના મળી હોય પંરતુ શિક્ષણ સમિતિના સભ્ય બનાવવામાં આવશે તેવી લોલીપોપ આપવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ શરૂ થયા છે ત્યારે જે કોર્પોરેટર કે જેમને આ વખતે ટિકિટ મળી નથી તેવા આગેવાનો નવી પેનલ સાથે પ્રચારમાં નીકળતા નથી અને નિષ્ક્રિય થઈ ગયા છે તો બીજી બાજુ ભાજપના સંનિષ્ઠ કાર્યકરઓને ટિકિટ આપવાને બદલે સોદાબાજી નું રાજકારણ શરૂ થવાને કારણે હોબાળો સર્જાયો હતો. જેને ધ્યાનમાં રાખી ભાજપના હોદ્દેદારો અને મંત્રી ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર એ ઉમેદવારીપત્ર ભર્યું હતું તેઓને સમજાવવા ઘરે પહોંચી ગયા હતા તો બીજી બાજુ શિક્ષણ સમિતિના સભ્યને સમજાવવા નો પ્રયત્ન કર્યો હતો.

સંનિષ્ઠ કાર્યકર્તાઓને ટિકિટ નહીં મળતાં ભાજપમાં રોષ વ્યાપ્યો છે ત્યારે કાર્યકર્તાઓ ને મનાવવા માટે ભાજપના આગેવાનો એ શિક્ષણ સમિતિમાં સમાવેશ કરવાની બાહેધરી આપવાની શરૂ કરી છે શિક્ષણ સમિતિની 12 બેઠક છે તેની સામે નારાજ થયેલા અનેક કાર્યકરો છે હાલમાં 125થી વધુ કાર્યકર્તાઓને તો શિક્ષણ સમિતિમાં નિમણૂક આપવાની બાહેધરી આપી દીધી છે જેથી કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી છે.

રિસાયેલા કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર સ્ક્રૂટિનીમાં ગેરહાજર
ભાજપ કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા હતા. સ્ક્રૂટીનીના દિવસે જ ટિકિટ ના મળતા કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર હાજર રહ્યા ના હતા. ભાજપના વોર્ડ 17 ના બળવાખોર ઉમેદવારે હજુ ફોર્મ પરત નહિ ખેંચતા હજુ પણ તેમને મનાવવાના પ્રયાસો ચાલુ રહ્યા હતા. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર અને લીગલ સેલના કન્વીનર નંદુ પરદેશીની ટિકિટ કાપી નાખવામાં આવતા તેઓ નારાજ થયા હતા. છેલ્લા બે દિવસથી તેમણે કાર્યાલય આવવાનું બંધ કરીને નિષ્કિય થઇ ગયા હતા. સોમવારે ફોર્મની ચકાસણી કરવાના મહત્વના દિવસે પણ તેઓ હાજર રહ્યા ના હતા.

વોર્ડ 17માં બળવો કરનાર ઉમેદવારને મનાવવા પ્રયાસ​​​​​​​
બીજી તરફ ભાજપમાં બળવાખોરી કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર વોર્ડ નંબર 17 ના ઉમેદવાર ભાવિનાબેન ચોહાણ સોમવારે પણ તેમનું ઉમેદવારી પત્ર પરત ખેચ્યું ના હતું. રવિવારે શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રી તેમને મનાવવા માટે તેમના ઘરે ગયા હતા. જોકે તેમ છતાં સોમવારે તેમણે ફોર્મ પરત ખેંચ્યું ના હતું. મંગળવારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે તેઓ ઉમેદવારી પત્ર પરત ખેંચશે કે નહિ તેના પર સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...