રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે ગત 7 ઓગષ્ટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના સયાજીનગર ગૃહમાં રાજ્યના મંત્રી યોગેશ પટેલના હસ્તે 382 હાઉસિંગ મકાનોનો કોમ્પ્યુટરાઇઝડ ડ્રો રાખવામાં આવ્યો હતો. આ ડ્રોના 382 લાભાર્થીઓના નામની યાદી ભાજપના બે કાઉન્સિલરોઓએ પોતાના માનીતા વ્યક્તિઓને આવાસનો લાભ અપાવવા માટે બદલી હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા
7 ઓગષ્ટના રોજ યોજાયેલા 382 મકાનોના આવાસોના ડ્રોમાં થયેલી ગેરરીતીના બહાર આવેલા કૌભાંડમાં ભાજપના બે કાઉન્સિલરોએ પોતાના માનીતા વ્યક્તિઓને આવાસનો લાભ અપાવવા માટે કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાને ડ્રોની યાદી બદલવાની ફરજ પાડી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો ક્રાઇમ બ્રાંચ દ્વારા આ કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક રાજકીય અને બિનરાજકીય વ્યક્તિઓના નામો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત લાભાર્થીઓને તેઓની મનગમતી સાઇટ પર મકાન મળે તે માટે કેટલા રૂપિયાનો ભાવ બોલાતો હતો તે અંગે પણ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય નહીં.
આરોપીઓની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી
અત્રે નોંધનીય છે કે, આવસોના ડ્રોની યાદી બદલવાના કૌભાંડની તપાસ પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાંચને સોંપવાનો હુકમ કર્યો છે, ત્યારે નવાપુરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા કાર્યપાલક ઇનજનેર પ્રમોદ વસાવા અને એમઆઇએસ એક્સપર્ટ નિશિથ પીઠવાનો ક્રાઇમ બ્રાંચે નવાપુરા પોલીસ પાસેથી કબજો લઇ તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રી ફરિયાદ કરી હતી
ઉલ્લેખનિય છે કે, નવાપુરા પોલીસ મથકમાં કોર્પોરેશનના સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજ્યના સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમોનું 7 ઓગસ્ટના રોજ સયાજીનગર ગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 382 આવાસોનો ડ્રો રાખવામાં આવ્યો હતો. આ ડ્રો કરવાની જવાબદારી એમઆઇએસ એક્સપર્ટ(PMAY CLTC)ના નિશિથ પીઠવાને સોંપવામાં આવી હતી અને તેઓની મદદમાં ક્લાર્ક અશ્વિન રાજપૂત હતા.
કાર્યપાલક ઇજનેરની સૂચનાથી બોગસ યાદી મૂકાઇ
ડ્રો થયા બાદ લાભાર્થીઓની યાદી કોર્પોરેશનની વેબસાઇટ ઉપર મૂકવાની હતી. એમઆઇએસ એક્સપ્રટ નિશિથ પીઠવાએ I.T.શાખા સાથે સંકલન કરીને 382 હાઉસિંગ મકાનોની યાદી વેબસાઇટ ઉપર અપલોડ કરી હતી. દરમિયાન તેઓએ કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા(એફોર્ડેબલ હાઉસિંગ)ની સૂચનાથી નવી યાદી તૈયાર કરીને વેબસાઇટ ઉપર મૂકી હોવાની વિગતો બહાર આવી હતી.
વડોદરા શહેર કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ તપાસની માગ કરી
વડોદરામાં આવાસો યોજનાઓમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને આવાસ યોજનાઓની વિજિલન્સ તપાસની માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.