વર્ષ 2023ના પહેલો દિવસ અને રવિવારની રજાના પગલે કમાટીબાગ ખાતે ડબલ સેલિબ્રેશન માટે 60 હજારથી વધુ મુલાકાતીઓ ઉમટી પડ્યાં હતા. સવારથી મોડી સાંજ સુધી કમાટીબાગમાં મોડી સાંજે 5.00 વાગ્યાના સુમારે પણ પક્ષીઘર-એવિયરી અને વાઘખાના માટે પણ 50થી વધુ મુલાકાતીઓની લાઇનો જોવા મળી હતી.
બીજી તરફ કમાટીબાગ પ્લેનેટેરિયમનું મશીન છેલ્લા બે દિવસથી જ અણિના સમયે જ બગડી જતાં એક પણ શો થયો ન હતો જેના પગલે પાલિકાને હજારો રૂપિયાની આવક તો ગુમાવાનો વારો આવ્યો હતો પણ સાથે જ શો જોવા આવેલા સેંકડો લોકોને નિરાશ થઇને પરત ફરવું પડ્યું હતું, જેમાં જામનગરના ધુતાપરની સરસ્વતી સ્કૂલના કમાટીબાગ ખાતે આવેલા 124 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો. આ વિદ્યાર્થીઓને મ્યુઝિયમ અને ઝૂ જોઇને જ સંતોષ માનવો પડ્યો હતો.
કમાટીબાગમાં આવેલા બરોડા મ્યુઝિયમની ટિકિટ સરકારે કોરોના સમયે સોશિયલ ડિસ્ટન્સ અને ભીડના બહાના હેઠળ 10 ગણી વધારીને રૂ.100 કરી દીધી હતી. જે યથાવત જ રાખી છે. આમ છતાં મ્યુઝિયમમાં પહેલા જ દિવસે રેકોર્ડબ્રેક 1400 મુલાકાતીઓ ઉમટી પડ્યાં હતા. જેના પગલે 1.40 લાખની વર્ષના પહેલા દિવસે જ રેકોર્ડબ્રેક આવક નોંધાઇ હતી. બીજી તરફ કમાટીબાગ ઝૂની એવિયરી અને વાઘખાનાના પ્રાણીઓને જોવા પણ લોકોએ પડાપડી કરી હતી. આ બંને જગ્યાઓએ પહેલા દિવસે 9230 મુલાકાતીઓ આવતાં 1.62 લાખની રેકોર્ડબ્રેક આવક નોંધાઇ હતી.
જ્યારે પ્લેનેટેરિયમનું મશીન ત્રણ દિવસથી બંધ રહેતા પાલિકાને તેના તમામ શોની આવક ગુમાવાનો વારો આવ્યો હતો. કમાટીબાગ ઝૂના ડાયરેક્ટર ડો.પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, ‘ રવિવારને લીધે રેકોર્ડબ્રેક આવક નોંધાઇ છે. હાલમાં વાઘખાના અને એવિયરી બંનેની એક જ ટિકિટ લેવાય છે. આગામી સમયમાં બંનેની ટિકિટના દર જુદા જુદા કરવાની વિચારણા ચાલી રહી છે.’આમ, હજારો પ્રવાસીના લીધી આજે એક જ દિવસમાં આવકમાં જંગી વધારો નોધાયો હતો.
ક્યાં કેટલા મુલાકાતીઓ ?
સ્થળ | મુલાકાતીઓ | કુલ આવક |
કમાટીબાગ ઝૂ | 9,234 | 1.62 લાખ |
બરોડા મ્યુઝિયમ | 1,400 | 1.40 લાખ |
પ્લેનેટેરિયમ | 0 | 0 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.