પાદરા બેઠક પરથી ભાજપમાંથી બળવો કરી અપક્ષ લડેલા દિનુ મામા હારી ગયા બાદ તેમના સાથીદાર અને પાદરા એપીએમસીના પ્રમુખ પ્રવિણસિંહ સિંધા વિરુદ્ધ 12 ડિરેક્ટરોએ મૂકેલી અવિશ્વાસની દરખાસ્ત બાદ પાદરાનું રાજકારણ ગરમાયું છે. દિનુ મામાના જ એક સમયના સાથીદારો ગણાતા 12 ડિરેક્ટરો દમણ તેમજ મુંબઈ પ્રવાસે જતા રહ્યા હોવાની જાણ બાદ સોમવાર અને મંગળવારે દિનુ મામા બારેય ડિરેક્ટરોને સમજાવવા ગયા હતા. જોકે અમુક ડિરેક્ટરો તેમની વાત સાંભળી અને માની ગયા હતા, જ્યારે કેટલાકે વાત પણ ન સાંભળતા સમાધાન થયું ન હતું.
હવે પાદરા એપીએમસીમાં ભાજપ તરફી ડિરેક્ટરો દ્વારા પોતાના સાથીદારને પ્રમુખ બનાવવાની વાત પકડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.ઉલ્લેખનિય છે કે, દિનુ મામાના સાથીદાર પ્રવિણસિંહ સિંધાને જે તે સમયે પ્રમુખ પદ અપાયું ત્યારે 3થી 4 ડિરેક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો.હવે દિનુ મામાએ ભાજપ સાથે છેડો ફાડતાં તેમના સાથીદારો જે ભાજપ સાથે જોડાયેલા છે તેમણે મામા સાથે છેડો ફાડવાનું મન મનાવી લીધું છે. સૂત્રો અનુસાર દિનુ મામા ડિરેક્ટરો સાથે ડેમેજ કંટ્રોલ કરવા દમણ-મુંબઈ પહોંચ્યા હતા.
જોકે દિનુ મામાના નિકટના ગણાતા ડિરેક્ટરો સાથે 1 કલાક મિટિંગનો દોર ચાલ્યો છતાં અવિશ્વાસની દરખાસ્ત લાવનાર બજાર સમિતિના ડિરેક્ટરો માન્યા ન હતા. ડિરેક્ટરોએ કોઈ વાત ન સાંભળતા દિનુ મામાને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. બજાર સમિતિના અવિશ્વાસની દરખાસ્તના 12 ડિરેક્ટરોમાંથી 11 દમણ પહોંચ્યા હોવાની ચર્ચા હતી. સરકારી ખરીદ વેચાણ સંઘના પ્રવીણ મનીભાઈ પટેલ (ઘાયજ) અનિવાર્ય સંજોગોના લીધે ગયા ન હોવાનું જાણવા મળ્યું છે.
બજાર સમિતિના વેપારી પેનલના 4, સરકારી ખરીદ વેચાણ સંઘના 5 અને સ્થાનિક સત્તા મંડળ વિભાગના 1 મળી 12 ડિરેક્ટરોએ અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરી રજૂઆત કરી હતી. આગામી દિવસોમાં પાલિકા, તાલુકા પંચાયત તેમજ નગર નાગરિક સહકારી બેન્કોમાં સહિત અનેક જગ્યાએ સમીકરણો બદલાય તેવી ચર્ચા ચાલી છે. બજાર સમિતિમાં દરખાસ્તની આગેવાની ડિરેક્ટર પ્રદ્યુમ્ન ચૌહાણે લીધી હોવાનું અને ભાજપ સાથે હાથ મિલાવ્યા હોવાની ચર્ચા ચાલી છે.
નારાજ ડિરેક્ટરો અમુક માની ગયા છે
નારાજ ડિરેક્ટરો મુંબઈ પહોંચ્યા હતા. તેમને હું મળવા માટે ગયો હતો. જેમાંથી કેટલાક ડિરેક્ટરો માની ગયા છે, પરંતુ કેટલાક ડિરેક્ટરો હજુ સુધી માન્યા નથી. - દિનુમામા, પૂર્વ ધારાસભ્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.