ગાદીના વિવાદ બાદ પ્રથમ વખત હરિધામ સોખડામાં રવિવારે ‘પંચામૃત ઉત્સવ’ની ઉજવણી કરાઇ હતી. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામીએ 11 નવયુવાનોને ત્યાગાશ્રમની અને 888 ગૃહસ્થોને અંબરીશ દિક્ષા આપી હતી. હરિધામમાંથી પ્રબોધસ્વામી અને તેમના જુથના 60 સંતો, 100 બહેનો અને 50 જેટલા સેવકો 21 એપ્રીલના રોજ મંદિર છોડી ગયા હતાં. ત્યારે હરિધામમાં પ્રેમસ્વરૂપ સ્વામી જુથમાં 11 સંતો અને 888 અંબરીશોનો ઉમેરો થયો છે.
તરસાલીમાં રહેતા અને બીઈ સિવિલનો અભ્યાસ કરનારા 23 વર્ષીય યોગીન પટેલે સંત દિક્ષા લીધી હતી જેમની સાથે 10 યુવાનો પણ સંત દીક્ષા લીધી હતી. આ કાર્યક્રમમાં અનુપમ મિશનના સાહેબજી મહારાજ અને વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારે આશિર્વચન આપ્યાં હતાં.
ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું કે, બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જુલાઇ-2021માં અંતર્ધ્યાન થયા પછી પ્રથમવાર હરિધામ તીર્થક્ષેત્ર ખાતે ‘દીક્ષા ઉત્સવ’નું આયોજન થયું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વધામગમન દિન, પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી અને 38 સંતોને સાથે લઈને બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સોખડા પધાર્યા તે હરિ-પ્રેમ આગમન દિન, હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પ્રથમવાર ઇ. સ. 1972માં ‘દીક્ષા ઉત્સવ’ યોજ્યો હતો. તેનો સ્વર્ણિમ સ્મૃતિ દિન તેમજ કાકાજી તથા અ. નિ. કોઠારી સ્વામી પુરુષોત્તમચરણદાસજીના પ્રાગટ્ય દિન આમ પાંચ અવસરોની એકસાથે ‘પંચામૃત ઉત્સવ’ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
રવિવારે અંબરીશ દીક્ષાની મહાપૂજામાં પ્રેમસ્વરૂપ સ્વામીજીએ ગુરૂમંત્ર આપ્યો હતો અને વડીલ સંતોએ કંઠી, પૂજા, જનોઈ અર્પણ કર્યાં હતાં. તે જ રીતે અગિયાર યુવાનોને પાર્ષદ દીક્ષા પ્રદાનની મહાપૂજા કરાઇ હતી. પ્રેમસ્વરૂપ સ્વામીજીએ ગુરુમંત્ર આપીને ઉપવસ્ત્ર ધારણ કરાવ્યું હતું. જ્યારે સાહેબજી મહારાજે પાઘ ધારણ કરાવી હતી. નિર્મળ સ્વામીએ પૂજા અને અન્ય વડીલ સંતોએ જનોઈ, કંઠી, માળા વગેરે અર્પણ કર્યાં હતાં.
દીક્ષા લેનારા 11માં 4 ઈજનેર
ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, દીક્ષા ઉત્સવમાં 11 યુવાનોએ પ્રભુમય અને પ્રભુમાન્ય જીવન જીવવાનો સંકલ્પ કરીને ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી હતી. બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અંતર્ધ્યાન થયા બાદ તેઓના આધ્યાત્મિક અનુગામી પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજના વરદ હસ્તે દીક્ષા પ્રાપ્ત કરનાર 11માંથી 4 યુવાનો એન્જિનિયર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.