તંત્ર સજાગ બન્યું:વડોદરામાં પશુપાલકોએ પકડાઇ જવાના ડરથી પશુઓ છોડ્યા નહીં, જાહેર માર્ગો પર આજે રખડતા ઢોર ન જોવા મળ્યાં

વડોદરા20 દિવસ પહેલા
ન્યુ વીઆઇપી રોડ પર રખડતા ઢોર જોવા મળ્યા હતા
  • 37 દિવસમાં 7 લોકોને રખડતા ઢોરોએ અડફેટે લીધાની ઘટનાઓ બની

વડોદરામાં ત્રણ દિવસમાં બે લોકોને ગાયે શિંગડે ચડાવ્યાની ઘટના બાદ આજે રવિવારે કોર્પોરેશન તંત્ર તવાઇ બોલાવશે તે ડરે પશુપાલકોએ રખડતા ઢોર મુક્યા ન હતા. વડોદરા શહેરના કારેલીબાગ, રેસકોર્સ રોડ, અલકાપુરી, ઇલોરાપાર્ક, સયાજીગંજ, વીઆઇપી રોડ અને ન્યુ વીઆઇપી રોડ તેમજ આજવા રોડ પર આજે સવારે કે સાંજે રખડતા ઢોર જોવા મળ્યા ન હતા.

શહેરના રોડ પર રખડતા ઢોર જોવા ન મળ્યા
વડોદરા શહેરના ત્રણ દિવસ પહેલા ગોરવા વિસ્તારમાં એક વૃદ્ધને ગાયે ભેટી મારીને પાડી દેતા તેમજ ચોખંડી વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે એક આધેડને ગાયે શિંગડે ચડાવતા ઇજાગ્રસ્ત થયા હતાં અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. થોડા મહિના અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેર કાર્યક્રમમાં મંચ પરથી વડોદરાના મેયર કેયુર રોકડિયાને શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા ટકોર કરી હતી. જો કે, ત્યાર બાદ પણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ જારી રહ્યો અને તેનો ભોગ ઘણા શહેરીજનો બન્યા. ત્રણ દિવસમાં બે લોકો પર ગાયના હુમલાની ઘટના બાદ આજે રવિવારે તંત્ર સજાગ બનશે તેવી આશંકાએ આજે શહેરના વિવિધ વિસ્તાર અને માર્ગો કારેલીબાગ, રેસકોર્સ રોડ, અલકાપુરી, ઇલોરાપાર્ક, સયાજીગંજ, વીઆઇપી રોડ અને ન્યૂ વીઆઇપી રોડ પર રખડતા ઢોર જોવા મળ્યા ન હતાં.

ફતેગંજ
ફતેગંજ

37 દિવસમાં 7 લોકોને રખડતા પશુઓએ અડફેટે લીધા
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં રખડતા પશુઓ સામે તંત્ર એટલુ વામણું બન્યું હતું કે, 37 દિવસમાં 7 લોકોને અડફેટે લીધાની ઘટનાઓ બની છે. ગોરવામાં શનિવારે ગાયો છોડાવવા માટે ટોળાએ કાંકરીચાળો કરતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી અને 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ગોરવાની ઘટના બાદ એક વ્યક્તિએ વડોદરાના મેયર કેયુર રોકડિયાને ફોન પર ધમકી આપી હતી જો ગાય પકડવાનું બંધ નહીં કરો તો જોઇ લઇશું. જો કે મેયરે પણ કાર્યવાહી ચાલુ જ રહેશે તેવું સામે સંભળાવી દીધું હતું.

ઓપી રોડ
ઓપી રોડ
રેસકોર્સથી ઇલોરાપાર્ક
રેસકોર્સથી ઇલોરાપાર્ક
અન્ય સમાચારો પણ છે...