વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસ:ધર્મેન્દ્રસિંહે રાજુ ભટ્ટને કહ્યું, ‘હું મયંકને ઓળખતો નથી, કેદાર સાથે વાત કરો’

વડોદરા2 મહિનો પહેલા
ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને રાજુ ભટ્ટની ફાઇલ તસવીર.
 • રણોલીની મિટિંગમાં હાજર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની 5 કલાક પૂછપરછ

શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સોમવારે ક્રાઇમ બ્રાન્ચની એસઆઇટીએ 5 કલાક સુધી પુછપરછ કરી હતી. મયંક બ્રહ્મભટ્ટ અને રાજુ ભટ્ટ વચ્ચે થયેલી સમાધાનની વાતચીતની વાયરલ થયેલી ઓડીયો ક્લીપમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કેદાર ઉર્ફે કાણિયાનો ઉલ્લેખ થયા બાદ સોમવારે પોલીસે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પુછપરછ કરી હતી જેમાં આ મામલામાં તેમણે વકીલ મદદ કરી શકે તેમ જણાવી પોતે મયંકને ઓળખતા ના હોવાથી કેદાર ઉર્ફે કાણિયાને વાત કરો તેમ કહ્યું હોવાનું અને ત્યારબાદ રણોલીથી નિકળી ગયા હોવાનું જણાવ્યું હતું.

રવિવારે પોલીસે કેદાર કાણીયાની પુછપરછ કર્યા બાદ પોલીસે સોમવારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને બોલાવી તેનું નિવેદન લીધું હતું. મયંક અને અલ્પુ સિંધી વચ્ચેની ઓડીયો ક્લીપમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામનો પણ ઉલ્લેખ થયો હતો. પોલીસને આપેલા નિવેદનમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તે સાંજે 5-30 વાગે રણોલી પેટ્રોલ પંપ પર હાજર હતા ત્યારે હોટલ પર રાજુ ભટ્ટ અને કાનજી મોકરિયા પણ બેઠા હતા. તેઓ કાનજી મોકરીયાને 15 વર્ષથી ઓળખે છે તથા રાજુ ભટ્ટને પણ વર્ષોથી ઓળખે છે જેથી બંનેએ સમગ્ર મામલો તેમને જણાવી મદદ માંગી હતી પણ તેમણે આ મામલામાં વકીલ જ મદદ કરી શકે તેમ જણાવ્યું હતું. તેમણે બન્નેને જણાવ્યું હતું કે હું મયંક બ્રહ્મભટ્ટને ઓળખતો નથી પણ કેદાર ઓળખે છે જેથી કેદારને મયંક સાથે વાત કરવા કહો. ત્યારબાદ કેદારે મયંકને વાત કરી હતી ત્યારબાદ હું નિકળી ગયો હતો તેમ તેમણે પોલીસને જણાવ્યું હતું રાજુ ભટ્ટ અને કાનજી મોકરિયા સાથે 15થી 20 મિનિટ તેઓ હતા તેમ તેમણે પોલીસને જણાવ્યું હતું.

સ્પાય કેમેરાનું રહસ્ય હજુ પણ અકબંધ
પિડીતાએ ફ્લેટમાંથી તેના એસીના પ્લગ પાસેથી સ્પાય કેમેરો શોધી કાઢયો હતો જેથી આ સ્પાય કેમેરો કોણે લગાવ્યો હતો તે મુદ્દા પર પોલીસ તપાસ કરી રહી છે. જો કે રાજુ ભટ્ટે તેણે સ્પાય કેમેરો લગાવ્યો ન હતો તેવું રટણ પોલીસ સમક્ષ કરી રહ્યો છે જેથી હવે આ મામલે અશોક જૈન પકડાય ત્યારે જ સ્પાય કેમેરો કોણે લગાવ્યો હતો તે સહિતના મુદ્દા પર વધુ માહિતી મળી શકે છે તેમ પોલીસે જણાવ્યું હતું.

અલ્પુ સિંધી હજુ પણ પકડાતો નથી
સમગ્ર મામલામાં પિડીતાનો મિત્ર તરીકે બુટલગેર અલ્પુ સિંધી હોવાનું બહાર આવ્યું હતું અને અશોક જૈનના વકીલે પણ આરોપ લગાવ્યો હતો કે અલ્પુ સિંધીએ 5 વ્યકતીઓના નામનું લીસ્ટ તેમને મોકલ્યું હતું અને ત્યારબાદ મયંક અને અલ્પુ સિંધી વચ્ચેની વાતચીત પણ વાયરલ થઇ હતી . હાલ અલ્પુ 2 ગુનામાં વોન્ટેડ છે જેથી પોલીસ તેને શોધી રહી છે. જો કે બનાવના 10 દિવસ પછી પણ અલ્પુ સિંધી કયાં છે તેની માહિતી પોલીસને મળી શકી નથી.

અશોક જૈનને આગોતરા જામીન ન આપવા પોલીસે 19 કારણો રજૂ કર્યાં
દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા અશોક જૈને આગોતરા જામીન મૂક્યા બાદ આજે તપાસ અધિકારીએ સોગંદનામું રજૂ કરી અરજદારની આગોતરા જામીન અરજી કેમ નામંજૂર કરવી જોઇએ તેનાં રેકોર્ડબ્રેક 19 કારણો રજૂ કર્યાં હતાં. જેમાં મુખ્યત્વે જણાવવામાં આવ્યું હતું કે, અશોક જૈન ભોગ બનનાર ફરિયાદીને ઇન્વેસ્ટરોને ખુશ કરવા માટે સબંધ રાખવાનું દબાણ કરતો હતો એટલે જો તેને આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવશે તો ઇન્વેસ્ટરોના નામો જાહેર નહી કરે. જામીન અરજીની વધુ સુનાવણી આજે હાથ ધરાશે.

સોગંદનામામાં 17 પંચ અને 43 સાક્ષીનો ઉલ્લેખ
તપાસ અધિકારીએ અશોક જૈને કરેલી આગોતરા જામીન અરજીમાં રજૂ કરેલા સોગંદનામામાં 17 પંચ અને 43 સાક્ષીનો ઉલ્લેખ કર્યો છે. સાક્ષીઓમાં તબીબ અને એફએસએલ અધિકારીઓ સહિતનાં નામો છે. તો મહિલા સમાજીક કાર્યકર સહિતનાને સાક્ષી બનાવવામાં આવ્યાં છે. સોગંદનામામાં ફરિયાદી ભોગ બનનારનું 164 મુજબ નિવેદન લેવામાં આવ્યું હોવાની બાબતનો પણ ઉલ્લેખ કરાયો છે.

પોલીસે કયાં કારણો રજૂ કર્યાં?

 • અરજદાર ભોગ બનનાર ફરિયાદી પર ઇન્વેસ્ટરોને ખુશ કરવા માટે દબાણ કરતો હતો.
 • પ્રણવ શુક્લના નિવેદનમાં તેણે નોકરી માટે ફરિયાદીની આરોપી સાથે મુલાકાત કરાવી હતી.
 • કર્મચારીના નિવેદનમાં ફરિ. નોકરી પર હતી તે પ્રસ્થાપિત થાય છે.
 • અરજદારે ફ્લેટ ભાડે લઇ આપ્યો હતો . છેલ્લા મહિનાનું ભાડુ પણ તેણે ચૂકવ્યું છે. ફ્લેટની એક્સ્ટ્રા ચાવી અરજદાર પાસે રહેતી હતી.
 • ફરિયાદીને હેલીગ્રીન પેન્ટહાઉસ લઇ જઇ ત્યાં કેફી પીણુ પિવડાવી શારિરિક અડપલા કર્યાં હતા. મોબાઇલ લોકેશનના પુરાવા છે.
 • નિસર્ગ ફ્લેટમાં માર મારી બળજબરીથી સબંધ બાંધેલ છે અને ધમકી આપી છે. ફ્લેટના સીસીટીવી ફુટેજ છે.
 • ફરિયાદીએ રાજુ ભટ્ટે મોકલેલ ફોટા બાબતે પુછતા ફ્લેટ પર આવી ફરિયાદ ન કરવાનું કહી મોબાઇલ તોડી નાંખી નવો મોબાઇલ ફોન અપાવ્યો તે દુકાનના સીસીટીવી ફુટેજ છે.
 • અરજદાર આરોપી મુખ્ય સુત્રધાર છે અને સ્પાઇ કેમેરાથી વિડીયો શુટીંગ કર્યું છે ત્યારે પ્રથમ દર્શનીય ગુનો જણાઇ રહ્યો છે.
 • ફરિયાદીને વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી છે.
 • ફરિયાદ ન કરવાના બદલામાં સીઇઓનો હોદ્દો આપવાની અને સહારા ડીલમાં 50 ટકા ભાગીદાની ઓફર કરી છે.
 • લોની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરી ગંભીર કૃત્ય આચર્યું છે.
 • ભોગ બનનારનું 164 મુજબનું નિવેદન લેવામાં આવ્યું છે .
 • ફિરાયાદ નોંધાયા બાદ અરજદાર ફરાર થઇ ગયો છે અને તેણે તપાસમાં કોઇ સહકાર આપ્યો નથી.
 • વિડીયો બાબતે સાચી હકીકત નહી જણાવે.
 • ઇન્વેસ્ટરો સાથે સબંધનું દબાણ કરતો હતો તેના નામો નહી કહે.
 • અરજદાર પૈસાદાર અને વગદાર વ્યક્તિ છે, સાક્ષીને ફોડશે.
 • જો આગોતરા જામીન મંજૂર થશે તો મુદતે હાજર નહી રહે.
 • અરજદારે અશોભનીય જધન્ય કૃત્ય કર્યું છે ત્યારે જો આગોતરા મંજૂર થશે તો સમાજને ન્યાય પરથી વિશ્વાસ ઉઠી જશે