ભાસ્કર એક્સકલૂઝિવ:શાળાઓમાં ધનૂર-ડિપ્થેરિયાની રસી 16 વર્ષ બાદ ફરી શરૂ, વડોદરાનાં 2.20 લાખ બાળકોને મૂકાશે

વડોદરા17 દિવસ પહેલાલેખક: અર્પિત પાઠક  
  • કૉપી લિંક
શિક્ષણ સમિતિ સંચાલિત શાળા - Divya Bhaskar
શિક્ષણ સમિતિ સંચાલિત શાળા
  • 2006માં લાડવાડામાં બાળકોની તબિયત બગડતાં રસીકરણ બંધ કરાયું હતું
  • ધનુર-ડિપ્થેરિયાના કેસ વધતાં નિર્ણય માતા અને બાળકનો મૃત્યુદર ઘટશે

રાજ્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવેલું ધનુરનંુ રસીકરણ 16 વર્ષ બાદ ફરી વખત શરૂ કરાયું છે, જેમાં ધનુરની સાથે ડિપ્થેરિયા (ઉટાટિયું)ની રસી પણ અપાઈ રહી છે. 1 ઓગસ્ટથી શરૂ થયેલા રસીકરણમાં રાજ્યનાં 10 અને 16 વર્ષની ઉંમરનાં 23 લાખ બાળકોને સમાવી લેવાશે, જેમાં વડોદરાનાં 2.20 લાખ બાળકોનો સમાવેશ થાય છે.

70 તાલુકામાં ડિપ્થેરિયાના કેસ વધી રહ્યા છે
આરોગ્ય વિભાગે 8 સપ્ટેમ્બર સુધીમાં શહેરમાં 46% બાળકોનું રસીકરણ પૂર્ણ કર્યું છે, જ્યારે રાજ્યમાં 52 ટકા જેટલું રસીકરણ થયું છે.​​​​​​​ તાજેતરમાં થયેલા સરવેમાં 70 તાલુકામાં ડિપ્થેરિયાના કેસ વધી રહ્યા હોવાનું બહાર આવતાં સરકાર હરકતમાં આવી હતી. શાળાઓમાં રસીકરણ બંધ થતાં માતા અને બાળકમાં ધનુર-ડિપ્થેરિયાના કેસ બહાર આવતાં તેમના મૃત્યુદરમાં પણ વધારો થયો હોવાનું જણાયું હતું.

તબિયત બગાડતા રસીકરણ તાત્કાલિક બંધ કરાયું
કોર્પોરેશનના આરોગ્ય વિભાગ મુજબ અર્બન ચાઇલ્ડ ડેવલપમેન્ટ અંતર્ગત આ રસી અપાતી હતી, જે રાજ્ય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં સામેલ કરાઈ ન હતી. જોકે આ બંધ થવા પાછળનું કારણ અલગ હતું. શહેરના લાડવાડામાં બાળકોની તબિયત બગાડવાની ઘટનાને પગલે રસીકરણ તાત્કાલિક બંધ કરાયું હતું. હવે સપ્ટેમ્બરના અંત સુધીમાં 100 ટકા રસીકરણના લક્ષ્યાંક સાથે કામ શરૂ કરાયું છે.આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આ રસીકરણ પ્રતિ વર્ષ ચાલુ રહેશે. દર વર્ષે નવાં ઉમેરાતાં 10 અને 16 વર્ષનાં બાળકોને આ રસીકરણ કરાશે.

રાજ્યમાં ટાર્ગેટ : -23,11,250 રસીકરણની સંખ્યા :- 12,22,738 શહેરનું એક માસનું ટાર્ગેટ: - 34,983 શહેરમાં થયેલું રસીકરણ :- 27,814

સ્કૂલે ન જતાં બાળકો માટે આશાવર્કરો થકી સરવે કરાવી આઉટ રિચ સેશન રાખવાં પડશે
રાજ્ય સરકાર દ્વારા ધનૂર અને ડિપ્થેરિયાની રસી માટે ખૂબ ચોકસાઇથી આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમના દ્વારા આપેલી સૂચના મુજબ જે બાળકો શાળાએ નથી જતાં તેવાં કિશોર વયનાં બાળકો માટે આશાવર્કર અને આંગણવાડીની બહેનોની મદદથી સરવે કરાવી આઉટરિચ સેશન દ્વારા રસીકરણ કરવાનું રહેશે.

લાડવાડામાં 70 બાળકોની તબિયત લથડી ગઈ હતી
2006માં માંડવીના લાડવાડામાં ધનૂરની રસીનાં ઇન્જેક્શન મૂક્યા બાદ 70 બાળકોને ઝાડા-ઊલટી અને તાવ આવવા લાગ્યો હતો, જે પૈકી 15 બાળકોને જમનાબાઈ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. ત્યાર પછી શાળાઓમાં ધનૂરની રસી આપવાનું બંધ કરવામાં આવ્યું હતું.

દેશમાં બનેલી સર્વાઇકલ કેન્સરની રસી લોન્ચ થઈ
સર્વાઇકલ કેન્સરની ભારતમાં બનેલી રસી 2 દિવસ અગાઉ લોન્ચ કરાઈ છે. સર્વાઇકલ કેન્સર એ પુરુષોમાં પાંચમા નંબરનું અને મહિલાઓમાં બીજા નંબરનું કેન્સર ગણાય છે. ભારતમાં વર્ષે 1.32 લાખ કેસ નોંધાય છે અને 74 હજાર મોત થાય છે.

ડિપ્થેરિયાના સૌથી વધુ કેસ રાજસ્થાનમાં નોંધાયા હતા
ડીપીટીની રસી દર 5 વર્ષે લેવાની હોય છે, લોકોમાં જાગૃતિ નથી. ડિપ્થેરિયાના સૌથી વધુ કેસ રાજસ્થાનમાં મળ્યા હતા. ગુજરાતમાં 70 તાલુકામાં આ સંખ્યા વધુ દેખાઈ હતી. જેથી સરકારે શાળામાં રસીકરણ શરૂ કર્યું છે. - ડો.દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અમલદાર

અન્ય સમાચારો પણ છે...