ધાર્મિક:આજે વર્ષની અંતિમ સોમવતી અમાસે કુબેર ભંડારીમાં ભક્તોનો ધસારો થશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાચીન અને જાણીતું મંદિર સવારના 8 થી સાંજના 7 સુધી ખુલ્લું રહેશે
  • કોરોના અંગે સરકારની ગાઇડ લાઇન પ્રમાણે દર્શનની વ્યવસ્થા કરાઈ

14 ડિસેમ્બરના રોજ વર્ષની અંતિમ સોમવતી અમાસ છે. સોમવતી અમાસના પગલે કરનાળી સ્થિત પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. કુબેર ભંડારી મંદિરે સોમવતી અમાસના દર્શન કરવા માટે આગલી રાત્રીથી જ ભક્તો મંદિર બહાર લાઈન લગાવીને ઊભા રહેતા હોય છે. મંદિર તંત્ર દ્વારા પણ કોરોના ગાઈડ લાઈન પ્રમાણે ભક્તોને દર્શન કરાવવાની સુવિધા ઊભી કરાઈ છે. કુબેર ભંડારી ટ્રસ્ટના વ્યવસ્થાપક રજની પંડ્યાએ જણાવ્યું હતું કે, 14 ડિસેમ્બર, સોમવારના રોજ વર્ષની છેલ્લી સોમવતી અમાસના દિવસે કરનાળી સ્થિત સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

જ્યારે કોરોના સમયમાં સરકારે જાહેર કરેલી ગાઇડ લાઇન પ્રમાણે જ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. નિજમંદિરમાં બેસીને પૂજા-અર્ચના કરવાની તેમજ મંદિરમાં માનેલી ધાર્મિક વિધિ બંધ રાખવામાં આવી છે. અમાસના દિવસે કોઈ પણ પ્રકારનો ચડાવો ચડાવવાનો રહેશે નહીં. આ ઉપરાંત દર્શનાર્થીઓ માટે કુબેર ભંડારી ટ્રસ્ટ તરફથી સોશિયલ ડિસ્ટન્સ, સ્ક્રીનિંગ અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત નિયમ પ્રમાણે 10 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.મંદિરમાં સરકારના નીતિ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવશે એમ જાણવા મળે છે.

હરિદ્વારમાં નારેશ્વરથી લઈ જવાયેલી પાદુકાનો નવા સંકુલમાં પ્રવેશ કરાવાશે
નારેશ્વરના સંત રંગ અવધૂત મહારાજનો જન્મ ગોધરામાં થયો હતો. નારેશ્વર ખાતે તપશ્ચર્યા કર્યા બાદ તેઓ હરિદ્વારમાં બ્રહ્મલીન થયા હતા. આ ત્રણેય સ્થળ અવધૂત પરિવાર માટે આસ્થાનું કેન્દ્ર છે. રંગ અવધૂત મહારાજના બ્રહ્મલીન થયાના 53મા વર્ષે નારેશ્વર ટ્રસ્ટ દ્વારા હરિદ્વારમાં પોતાની જગ્યા લેવામાં આવી છે, જ્યાં સોમવતી અમાસે 53મી પુણ્યતિથિએ રંગ અવધૂત મહારાજનો પ્રવેશ કરવાના આશયથી નારેશ્વરથી ફ્લાઈટમાં પાદુકાજીને લઇ જવામાં આવી છે. જે આજે સોમવારે નવા સંકુલમાં લઈ જવાશે. અંદાજે 9 રૂમના સંકુલથી ભક્તોને સુવિધામાં વધારો થશે.

અત્યાર સુધી રંગ અવધૂત મહારાજના દેહવિલય કરેલી એકમાત્ર રૂમ આર્ય નિવાસ નામની ધર્મશાળામાં સાચવી રાખવામાં આવી હતી. નારેશ્વરના ટ્રસ્ટી યોગેશ વ્યાસ અને આચાર્ય સાથે 20 જેટલા ભક્તો હરિદ્વાર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, 52 વર્ષથી રંગ અવધૂત મહારાજની પુણ્યતિથિઅે હરિદ્વારમાં સાધુ, સંતો અને મહામંડલેશ્વરને જમાડાતા હતા. આ પ્રણાલી કોરોનાને પગલે સરકારની ગાઈડ લાઈન મુજબ પૂર્ણ થશે. આ સાથે દેશ-વિદેશમાંથી દર વર્ષે 800થી 1 હજાર ભક્તો હરિદ્વાર જતા હતા, તે પ્રણાલી આ વર્ષે તૂટી છે.

અન્ય સમાચારો પણ છે...