દુર્ઘટના:ડ્રાઇવરે ના કહેવા છતાં ઓવર હીટ થતી બસ મોકલતાં સળગી, 9 બચ્યા

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુમાડ ચોકડીએ આગ લાગી, મહિલા કન્ડક્ટરે સમયે યાત્રીને ઉતાર્યા
  • નજીકના​​​​​​​ તળાવમાંથી પાણી લાવી સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવ્યો

વડોદરા ડેપોની બસને પાણીગેટ વર્કશોપમા ઓવર હીટિંગ થતું હોવાને કારણે રૂટ ઉપર લઈ જવાની ના પાડનાર ડ્રાઇવર કંડકટરને મિકેનિક દ્વારા ફરજિયાત શિડયુલ પર મોકલતા જીવના જોખમે આણંદનો ફેરો કરી પરત આવેલા ડ્રાઇવર કંડકટરને ફરી એ જ બસ લઈ સાવલી મોકલાતા દુમાડ ગામ પાસે બસના એન્જિનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહિલા કંડક્ટરે જીવના જોખમે બસમાં રહેલા નવ મુસાફરોને નીચે ઉતારી લીધા હતા.

બસમાં ડ્રાઇવર કાળુભાઈ પરમાર અને કંડકટર આશાબેન પગી હતા. બસ 12 વાગે ધુમાડ ગામની આગળ પસાર થઇ રહી હતી ત્યારે બસમાં ધુમાડા નિકળ્યા બાદ આગ લાગી હતી. આ લાગતા જ બસ થોભાવીને બસમાં બેઠેલા નવ મુસાફરોને ઉતારી ડ્રાઇવર કંડકટર પણ નીચે ઉતરી ગયા હતા સ્થાનિક દુકાનવાળા અને વેપારીઓ પણ દોડી આવ્યાં હતા અને બાજુમાં રહેલી તલાવડીમાંથી પાણીની ડોલો ભરી એન્જિન પર છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો. બીજી તરફ ફાયર બ્રિગેડના લાસ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને તેમણે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

અમને ફરજિયાત મિકેનિકે મોકલ્યા
અમે સવારથી જ વર્કશોપમાં આ બસ નહીં લઈ જવા માટે વિનંતી કરી હતી પરંતુ અમને ફરજિયાત આ બસ દ્વારા શિડ્યુલ પૂરો કરવા મોકલ્યા હતા મિકેનિકે વારંવાર કશું નહીં થાય ગાડી લઈ જાઓ કહી અમને રવાના કર્યા હતા > આશાબેન પગી ,કંડકટર

આગની શંકાઅે બસ ધીમી ચલાવતો હતો
બસ લઈને નીકળ્યા ત્યારથી જ ગરમ થતી હતી અને આગ લાગવાનો ડર હતો. બસ ધીમે ચલાવતો હતો ધુમાડો દેખાતા બસ સાઈડ ઉપર ઉભી કરી દીધી હતી. > કાળુભાઈ પરમાર, ડ્રાઇવર

જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે
ગાડી ગરમ થવાથી બોનેટની પાસે રહેલી વાદળી સળગતા એન્જિનમાં આગ લાગી છે. બસ લઈ જવા દબાણ કરનાર જવાબદાર સામે કાર્યવાહી કરાશે. > એમ.પી.રાજ, ડીએમઇ

અન્ય સમાચારો પણ છે...