ભાસ્કર એનાલિસીસ:વડોદરામાં ખસીકરણ પાછળ વર્ષે રૂ.80 લાખનો ખર્ચ છતાં રોજ 22 લોકો ડોગબાઇટનો શિકાર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઢોર બાદ હવે કૂતરાનો આંતંક, સમતામાં બાળકીને બચકાં ભર્યાં
  • મકરપુરામાં કૂતરું આડે આવતાં માતા-પુત્ર બાઇક પરથી પટકાયાં ગત વર્ષ કરતાં ડોગ બાઈટમાં 307નો વધારો

વડોદરા શહેરમાં દર વર્ષે ખસીકરણની કામગીરી કરવા છતાં હજી કૂતરા કરડવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 8 વર્ષમાં પાલિકાએ રૂ. 6.36 કરોડનો ખર્ચ કરવા છતાં શહેરમાં દરરોજ 22 લોકો કૂતરાનો શિકાર બને છે. ગત વર્ષની સરખામણીમાં જાન્યુઆરીથી મે સુધીના 5 મહિનામાં 3027 કેસ સામે આ વર્ષે 3334 લોકોને કૂતરા કરડ્યા છે. બીજી તરફ છેલ્લા 6 મહિનામાં 4359 કૂતરાઓનું ખસીકરણ થયું હોવાના પાલિકાએ દાવો કર્યો છે.

પાલિકાએ 63 હજાર કૂતરાઓનું ખસીકરણ કર્યું
પાલિકાએ વર્ષ 2013-14માં શહેરમાં સ્ટ્રીટ ડોગની ગણતરી કરી હતી. જેમાં તે સમયે 44 હજાર જેટલા સ્ટ્રીટ ડોગ હતા. જો કે ત્યારબાદ અત્યાર સુધી પાલિકાએ રૂ. 6.36 કરોડના ખર્ચે 63 હજાર કૂતરાઓનું ખસીકરણ કર્યું છે. તેમ છતાં કૂતરા કરડવાના બનાવોમાં વધારો નોંધાયો છે. વર્ષ 20121માં શહેરમાં કૂતરા કરડવાના 7094 બનાવો પાલિકાના ચોપડે નોંધાયા છે. જેમાં એક દિવસમાં 20 લોકોને કૂતરા કરડ્યા હતા. જ્યારે આ વર્ષે છેલ્લા 5 મહિનામાં રખડતા કૂતરાઓના કારણે 3334 શહેરીજનોને ઇજા પહોંચી છે. એટલે કે રોજના 22 લોકો કૂતરાનો શિકાર બની રહ્યા છે.

ગત વર્ષની સરખામણીમાં છેલ્લા 5 માસમાં ડોગ બાઇટ

મહિનો20212022
જાન્યુ.707661
ફેબ્રુ.677656
માર્ચ649733
એપ્રિલ491740
મે503544

સૌથી વધુ એપ્રિલ માસમાં કૂતરા કરડ્યાં

8 વર્ષમાં ખસીકરણ અને ખર્ચ

વર્ષખસીકરણખર્ચ (લાખમાં)
2015-164402રૂ.41.37
2016-1714474રૂ.137.05
2017-1810878રૂ.102.25
2018-1910908રૂ.108.52
2019-205796રૂ.60.85
2020-217240રૂ.76.02
2021-227190રૂ.81.73
2022-232127રૂ.29.77
કુલ63015રૂ.636.61

વૈકુંઠ ફ્લેટમાં ઘોડિયામાં સૂતેલી બાળકીને બચકું ભરતાં 15 ટાંકા આવ્યા
​​​​​​​
​​​​​​​હું પાણી ભરીને આવી ત્યારે કૂતરું ઘોડિયા પાસે પડેલું લોહી ચાટતું હતું
રવિવારે સાંજે મારાં સાસુ દુકાને ગયાં હતાં અને 4 માસની દીકરી ઘોડિયામાં સૂતી હતી. સાંજે 6 વાગે હું પાણી ભરવા ગઈ હતી, સાસુનો આવવાનો સમય થયો હોવાથી ઘરની જાળી ખુલ્લી રાખી હતી. હું પાણી ભરીને આવી ત્યારે કૂતરું ઘોડિયા પાસે પડેલું લોહી ચાટતું હતું, મેં ઘોડિયામાં જોયું તો દીકરીના માથે કૂતરાએ બચકુ ભર્યું હોવાથી લોહીલુહાણ હાલતમાં રડતી હતી. મેં કૂતરાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે ત્યાંથી ખસ્યું નહોતું એટલે હું દીકરીને લઈને બહાર નીકળી ગઇ હતી. તેને 15 ટાંકા આવ્યા છે. આ બનાવથી દીકરી એ હદે ગભરાઈ ગઈ છે કે, ખોળામાંથી નીચે નથી ઊતરતી, સહેજ નીચે મૂકું તો રડવા લાગે છે. ( બાળકીની માતા હિના સાથે થયેલી વાતચીત અનુસાર)

કૂતરાને લીધે બાઇક સ્લિપ થતાં યુવકને ફ્રેક્ચર, માતાને પણ ઇજા
​​​​​​​તરસાલી ઓમકાર શિખર ટેનામેન્ટમાં રહેતા ધવલ પંચાલ તેમના માતા પ્રભાબેન સાથે રવિવારે રાત્રે 8:30 વાગ્યાના અરસા બાઇક ઉપર માંડવી માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. ઓએનજીસીના ગેટ પાસે કૂતરુ આડુ આવતા બાઇક સ્લીપ થઈ ગયું હતું. જેને પગલે યુવકને ફ્રેક્ચર થતાં અને માતાને પણ ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...