• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Despite Paying Water Tax In Vadodara Corporation, People Of Jalaram Chowk And Bhathuji Chowk Areas Were Forced To Drink Contaminated Water.

વોર્ડ ઓફિસને તાળાબંધીની ચીમકી:વડોદરા કોર્પોરેશનમાં પાણી વેરો ભરવા છતાં જલારામ ચોક અને ભાથુજી ચોક વિસ્તારના લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા

વડોદરા11 દિવસ પહેલા
દુષિત પાણીનો પ્રશ્ન હલ ન થતા મહિલાઓનો મોરચો કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં પહોંચી અધિકાકરીઓના છાજીયા લીધા
  • વાડી મારૂ ફળિયામાં ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ

વડોદરા કોર્પોરેશનમાં પાણી વેરો સહિત તમામ વેરો ભરવા છતાં, વડોદરાના લોકોને દુષિત પાણી પીવાનો વખત આવ્યો છે. વડોદરા શહેરમાં સ્વાઇન ફ્લૂ, કોરોના, ચિકનગુનિયા, કોલેરા જેવા રોગચાળાએ માથું ઉંચક્યું હોવા છતાં, પાલિકાના વહીવટકર્તાઓ દ્વારો લોકોની પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો ત્વરીત નિકાલ લાવવામાં ધરાર નિષ્ફળ ગયું છે. આજે સવારે વોર્ડ નંબર 5માં સમાવિષ્ઠ વિસ્તારોના લોકોનો દૂષિત પાણીનો પ્રશ્ન હલ ન થતાં વોર્ડ ઓફિસે ધસી ગયા હતા અને અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. આજની રજૂઆત પછી પણ પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કચેરીને તાળાબંધી કરી દેવાની ચીમકી પણ આપી હતી

સ્થાનિક લોકોએ કોર્પોરેશનના શાસકો સામે ભારે સુત્રોચ્ચાર કર્યા
સ્થાનિક લોકોએ કોર્પોરેશનના શાસકો સામે ભારે સુત્રોચ્ચાર કર્યા

.દૂષિત પાણી પીવાથી વિસ્તારમાં ઘેર-ઘેર બિમારી
વડોદરા શહેરમાં પીવાનું ચોખ્ખું પાણી નહીં મળતા અનેક લોકોને પાણીના જગ વેચાણથી લેવા પડે તેવી પરિસ્થિતિ સર્જાયેલી છે. તો અનેક લોકોને ફાયર બ્રિગેડમાંથી પાણીની ટેન્કરો વેચાણ લેવાની ફરજ પડી છે. શહેરના અનેક વિસ્તારોમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો રોજબરોજ કોર્પોરેશનના તંત્રને મળતી હોય છે. પરંતુ તેનો કોઈ ઝડપથી ઉકેલ આવતો નથી. પરિણામે રોગચાળાએ માથું ઉંચક્યું છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં દુષિત પાણી પીવાના કારણે ઋતુજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. પરંતુ, તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

દુષિત પાણીનો પ્રશ્ન હલ કરવા માટે અધિકારીને રજૂઆત
દુષિત પાણીનો પ્રશ્ન હલ કરવા માટે અધિકારીને રજૂઆત

માટલા ફોડનો કાર્યક્રમ રાખવામાં આવશે
આજે સવારે વોર્ડ નંબર-5ની કચેરીમાં જલારામ ચોક, ભાથુજી ચોક, ગણેશ મહોલ્લો, કૃષ્ણ મહોલ્લો વગેરે વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યા હલ કરવાની માગણી સાથે સ્થાનિક રહીશોનો મોરચો પહોંચ્યો હતો. જ્યાં હાજર અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિક લોકોએ અધિકારીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાથી આ સમગ્ર વસાહતોમાં દુષિત પાણીની અનેક ફરિયાદો કરવામાં આવી છે. છતાં પણ તેનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. જો વહેલી તકે પ્રશ્ન હલ કરવામાં નહિં આવે આગામી દિવસોમાં માટલા ફોડનો કાર્યક્રમ આપવામાં આવશે. અને ત્યાર પછી પણ પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહિં આવે તો વોર્ડ નંબર- 5ની કચેરીને તાળા મારી દેવા અંગેની ચીમકી ઉચ્ચારી હતી.

ડ્રેનેજના પાણી ઉભરાતા લોકોને રહેવું મુશ્કેલ
જ્યારે શહેરના વાડી વિસ્તારમાં આવેલ મારું ફળિયા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ડ્રેનેજના પાણી બેક મારતા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઇ ગઇ છે. લોકોને દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ ગયું છે. છેલ્લા 15 દિવસથી ડ્રેનેજના પાણી ઉભરાતા સ્થાનિકોએ વોર્ડ કચેરી કક્ષાએ રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી નિરાકરણ આવ્યું નથી. રહેણાક વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાથી દૂર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. સાથે સ્થાનિકોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. આજે એકત્ર થયેલા સ્થાનિક રહીશોએ વહેલી તકે કાયમી ધોરણે સમસ્યાના નિરાકરણની માંગ કરી છે. જો આ પ્રશ્ન હલ નહિં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...